National

વરસાદી મોસમમાં માણો ધોધનું સૌંદર્ય!

  • select * from tourism_gallery where nid='72'

ભારતના સહેલાણીઓને ગોવા જવું બહુ ગમે. પર્યટકોને સાઉથ ઈન્ડિયાની ટૂર કરવી ગમે. ટૂર આયોજકોએ આકર્ષક પેકેજીસ આપ્યા હોય અને જમવાનું સારૂં મળ્યું હોય તો ભયો ભયો! પરંતુ દક્ષિણના ચારેય રાજ્યોમાં નિર્ધારિત કરતાં કંઈક જુદું પણ માણવા મળે અને એવું જ ગોવામાં પણ. કર્ણાટક અને ગોવાની સરહદો વચ્ચે અતૂટ પ્રેમ છે અને એ પ્રેમને પોતાની સહિયારી જળરાશિઓથી એ લોકો વ્યક્ત પણ કરે છે. હા, સંભળાયોને જળપ્રપાતનો ધસમસતા પ્રવાહનો કાનને અને મનને ભરી દેતો કર્ણમંજુલ રવ? આ દૂધસાગર ધોધ અને જોગનો ધોધ કર્ણાટક અને ગોવાને વધુ પ્રેક્ષણીય બનાવતાં પણ ઓછાં ખેડાતાં પર્યટન સ્થળો છે. ગોવાના પ્રવાસીઓને 'ગોવા ટુર્સ'ના એક ડેસ્ટિનેશન સ્વરૂપે દૂધસાગરનું એક દિવસનું પેકેજ મળે. દૂધસાગર ધોધ - ગોવાની માંડોવી નદી ઉપર છે.

અત્યંત ભવ્ય, દબદબાદાર આ ધોધ માટેની દંતકથા પણ અનોખી છે. એક રાજકુંવરીને સ્નાન પછી દૂધ પીવાની ટેવ હતી. એકવાર એક રાજકુંવર એને આમ કરતાં જોઈ ગયો. સંકોચવશ રાજકુમારીએ દૂધની ધાર કરી. તેનો પડદો રચી પોતાને ઢાંકી દીધી. માટે આ સ્થળેથી પડતા ધોધમાં દૂધ ભળવાથી તેમાં ફીણ ઉઠ્યા.. જે હજી છે બોલો! એની વે, પણજીથી બાય રોડ ૬૦ કિમીના અંતરે મોલેમ નામ ગામ મળે. પોતાનું સાધન પાર્ક કરી ત્યાંનું સાધન ભાડે કરી 'ભગવાન મહાવીર નેશનલ પાર્ક' તરફ પ્રયાણ કરવાનું. અંહી છે વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી - જે કર્ણાટક અને ગોવાની - બન્ને બોર્ડર્સને સ્પર્શે છે. અહીં કર્ણાટક ફોરેસ્ટ વિભાગનું એક માત્ર ગેસ્ટ હાઉસ છે. વેસ્ટર્ન ઘાટના સાઉથ ગોવાના આ જંગલમાં રસ્તા ઉબડખાબડ, નદી, નાળાં-ખાબોચિયાંથી ભરપૂર અને લીલાંછમ વૃક્ષોના વાઘાંનો શણગાર સજેલાં છે. વચ્ચે અપાર ઝરણાંઓ અને ડેવિલ્સ કેનાલ પર ઘડીક વિસામો લઈ પુષ્કળ માછલીઓને મળી શકાય. એકવાર ધોધની નજીક પહોંચ્યા પછી પણ અનેક કાળમીંઢ પથ્થરો અને ક્યાંક બનાવાયેલા પગથિયાં ઉપરથી લપસી નહીં પડવાની શરતે ધોધના બેઝના નાના તળાવ સુધી પહોંચવામાં સાહસ કર્યાંનો રોમાંચ થાય. ધોધનાં વારિ ધોળાં ખરાં પણ તળાવમાં ભેગાં થાય ત્યારે આસમાની ભાસે. તળાવના ખોળામાં આકાશ હિલોળાં લેતું હોય! અતિ સુંદર અને નાજુક અનેક ધારે ખાબકતો આ ધોધ ભારતનો પાંચમો ઊંચો ધોધ છે. ૩૦ મીટર પહોળો દૂધસાગર હજાર ફૂટ ઊંચેથી પડે છે.

કુદરતી કરિશ્મા જેવા આ ધોધ ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે જેનો ઉપયોગ ફિલ્મ નિર્માતાઓ જરા હટકે અંદાજથી કરે છે - વળી, ત્યાં ઊભા ઊભા સ્ટાર્સ સ્ટન્ટ કરે એ અલગ! હુબલી - મડગાંવ - વાસ્કો દ ગામા રૂટ પર ટ્રેનમાં જઈ કેસલ રોક સ્ટેશને ઉતરી કોલેમ સ્ટેશન સુધી ચાલીને જઈ, દૂધ સાગર સ્ટેશન પર પહોંચી થોડું ચાલવાની મઝા ઓર છે. વળી ચાલતી ટ્રેનમાં પાછું ચઢી જવાનું! અહીં સહેલાણીઓ અને કોલેજિયનો ખાસ રેઈન ટ્રેક પર ચાલીને રસ્તાનું અપાર સૌંદર્ય નિહાળતાં, બોગદામાંથી પસાર થતાં દૂધસાગર પહોંચે છે ત્યારે આનંદથી ઝૂમી ઊઠે છે. દૂધસાગર ધોધવાળા એરિયામાં ટ્રેકિંગ ઓછું છે છતાં થાય છે - હા, અઘરું પણ છે. કેસલ રૉક, કુલેમ, કુવેશ આદિ સ્થળે જવાય અને વાહન કર્યા બાદ હાઈકીંગ પણ થાય. ગૂડ્ઝ અને પેસેન્જર - બધી ટ્રેઈન્સ અહીંથી મડગાંવ તરફ જતાં ઊભી રહે પણ વળતાં નહીં - કદાચ ટેક્નિકલ કારણ - જે હોય તે. દૂધસાગર ધોધનાં અમીછાંટણાથી કૃતકૃત્ય થઈ પ્રવાસી ભાવવિભોર થઈ જ જાય ને!

જો તમારે ગોવા કે કર્ણાટક સુધી ના જવું હોય તો આપણા ગુજરાતમાં પણ સાપુતારાનો ગિરા ધોધ, કેવડિયા પાસે નર્મદા ડેમ કે ઝાંઝરી ગામ પાસે આવેલ પ્રાકૃતિક ધોધની મઝા આ ઋતુમાં માણી શકો છો.

અંતર:

- પણજીથી - ૬૦ કિમી - મોટરરસ્તે

- મડગાંવથી - ૪૬ કિમી -ટ્રેન દ્વારા

- બેંગલુરુથી - ૬૦ કિમી - ટ્રેન દ્વારા

બેલગાંવથી - ૫૫ કિમી - મોટરરસ્તે

જોગ ફોલ્સ
કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો. જોગ ફોલ્સ દેશનો બીજા નંબરનો સૌથી ઊંચો ધોધ છે. ગેરસપ્પા ધોધ તરીકે પણ તે જાણીતો છે. શરાવતી નદી દ્વારા રચાતો આ ધોધ ૮૩૦ ફૂટની ઊંચાઈથી નીચે પડે છે. શરાવતી નદી અહીં ખૂબ જ ખડકો વચ્ચેથી પસાર થાય છે અને જુદી જુદી જગ્યાએથી નીચે પટકાય છે. જેના દ્વારા નાના મોટાં કુલ ચાર ધોધ સર્જાય છે. કર્ણાટક ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અહીં વ્યુપોઈન્ટ પાસે પગથિયાં બનાવ્યાં છે, જે પર્વતની તળેટી સુધી લઈ જાય છે, જ્યાંથી બીજી તરફથી પણ આ ધોધ જોઈ શકાય છે. તળેટી સુધી પહોંચવા લગભગ ૧૪૦૦ પગથિયાં ઉતરવા પડે છે. વરસાદી મોસમમાં આ ભવ્ય ધોધનું સૌંદર્ય ઓર નિખરી ઉઠે છે. ધુમ્મસભર્યા વાતાવરણમાં પૂર વેગથી નીચે પડતાં જોગ ફોલ્સને માણવા રજાઓના દિવસે હજારો સહેલાણીઓ આવે છે.

Releated News