National

માણવો છે 'ટ્રી-હાઉસ'માં રહેવાનો અનોખો અનુભવ? ક્યાં મળશે આ ચાન્સ જાણવા કરો ક્લિક

  • select * from tourism_gallery where nid='46'

'ટ્રી-હાઉસ' શબ્દ આપણે સાંભળીએ એટલે આપણને 'માંચડા' તરીકે ઓળખાતી રચના યાદ આવે જે મોટાભાગે ગામડી વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ ટ્રી-હાઉસ એ સાચે જ વૃક્ષ પર બાંધવામાં આવતું ઘર છે જેનું મૂળ કેરાલામાં છે. કુદરતી સામગ્રી અને કુદરતી વાતાવરણનો મહત્તમ ઉપયોગ ટ્રી-હાઉસમાં થાય છે. આસપાસમાં જંગલ, ઝરણું કે નદી, ભરપૂર હરિયાળી, ફૂલો, પશુ-પક્ષીઓ વગેરે હોય છે. નજીકમાં વસતા સ્થાનિક લોકો પણ સાદું અને પ્રાકૃતિક જીવન જીવતાં હોય છે. આપણાં દેશમાં ઘણાં પ્રવાસ-સ્થળોમાં શ્રેષ્ઠ પ્રકારનાં ટ્રી-હાઉસ જોવા મળે છે.જો તમને ટ્રી હાઉસમાં રહેવાનો શોખ હોય તો નીચેની જગ્યાઓ પર પહોંચી જાઓ...

1. વાયતિરિ-રિસોર્ટ, વાયાનાડ, કેરાલા
આ રિસોર્ટ કેરાલાના વાયાનાડ જિલ્લામાં કોફી અને ઇલાયચીના ખેતરો વચ્ચે આવ્યું છે. ખેતરોનો વિસ્તાર આશરે ૧૫૦ એકર છે. આ વિસ્તાર ઉષ્ણકટિબંધનો 'રેનફોરેસ્ટ' વિસ્તાર છે. ચારેબાજુ વન્ય અને પ્રાણીસૃષ્ટિનું સામ્રાજ્ય છે. અહીં વનસ્પતિના અંગોમાંથી બનાવેલી લોજીસ, કોટેજીસ અને પરંપરાગત રીતે બાંધેલી મઢૂલીઓ છે જે વાસ્તવિક આદિ-જીવનનો અનુભવ કરાવે છે. અગાસીઓમાંથી વહેતી નદીના દર્શન થાય છે. નીચા વૃક્ષો નદી પર કુદરતી ચંદરવો બનાવે છે. નજીકમાં જ ક્યાંક ધોધ પડતો દેખાય છે. ખિસકોલીઓ રમતી દેખાય છે તેમ જ પક્ષીઓનો કલરવ સંગીત પૂરું પાડે છે.

કેવી રીતે પહોંચશો ?
સૌથી નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન કારિપુર ખાતે ૬૫ કિલોમીટર દૂર છે. કાલિકટથી આ સ્થળ ૬૦ કિલોમીટર અને કાલપેટ્ટા બસ સ્ટેન્ડથી ૧૬ કિલોમીટરના અંતરે છે. જવાનો યોગ્ય સમય ઓક્ટોબરથી જાન્યુઆરી છે.

જોવા જેવા સ્થળો
જેના માટે વાયાનાડ પ્રખ્યાત છે. એની વાઈલ્ડ-લાઈફ સેન્ક્ચ્યુઅરીઝ અહીંના ૮૦ કિલોમીટરના વિસ્તારમાં છે. મુતન્ગા (૫૫ કિ.મી. દૂર), નગરહોલે (૭૦ કિ.મી.), બંદીપુર (૭૫ કિ.મી.), મુત્તુમાલા (૧૦૦ કિ.મી.), થોલપટ્ટી (૭૦ કિ.મી.) એ જાણીતા અભયારણ્યો છે. 'ભનસુરા સાગર-ડેમ' અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે. આ બંધ એશિયાનો મોટામાં મોટો બંધ છે. એંસી કિલોમીટરના અંતરે 'પાપનાશી' નદીના તીરે તિરુનેલી-ટેમ્પલ છે. કાબિની ઉપનદીને કારણે બનેલો 'કુરુવા દ્વિપ' વન્ય અને જીવસૃષ્ટિથી સમૃદ્ધ છે. તે આ સ્થળથી ૬૦ કિલોમીટર દૂર છે.

2. ટ્રી-હાઉસ કોટેજીસ, મનાલી, હિમાચલ પ્રદેશ
દોઢ હેક્ટરમાં પથરાયેલું આ સ્થળ લીલીછમ હરિયાળી, સફરજન-પ્લમ- અખરોટની વાડીઓ, સુગંધિત-રંગબેરંગી ફૂલોથી શોભે છે. આ રિસોર્ટ એક પરિવાર-સંચાલિત સ્થળ છે અને તેને ઘર જેવું વાતાવરણ આપવામાં આવ્યું છે. કુલુ-મનાલી તળેટીમાં આ રિસોર્ટ આવ્યું છે. અહીં એક ટ્રી-હાઉસ, બે રેગ્યુલર-કોટેજીસ અને ગાર્ડનમાં સ્વિસ-ટેન્ટ છે. જો તમારે એક રોમેન્ટિક-વીકેન્ડ-બ્રેક જોઈતો હોય તો અગાઉથી બુકિંગ કરાવીને આ સ્થળની મજા માણી શકાય છે.

કેવી રીતે પહોંચશો?
દિલ્હી કે ચંડીગઢથી સડકમાર્ગે (કાત્રૈન) પહોંચાય છે જે મનાલીથી ૧૯ કિલોમીટરના અંતરે છે. કાત્રૈનથી બસ કે ટેક્સી મળી રહે છે. અહીં આવવાનો યોગ્ય સમય શિયાળા સિવાયનું આખું વર્ષ છે. સ્કીઇંગના શોખીનોએ અહીં શિયાળામાં આવવું જોઈએ.

જોવા જેવા સ્થળો
એડવેન્ચર-સ્પોર્ટ્સ માટે જાણીતી સોલાન્ગ-વેલી અહીંથી ૧૫ કિ.મી.ના અંતરે છે. ૭ કિ.મી. દૂર આવેલા નગરમાં જાણીતી 'રોરીક આર્ટ ગેલેરી' છે. ખરીદી માટે મનાલી શહેર ૨ કિ.મી. દૂર છે. મનાલીમાં 'કડિમ્બા-ટેમ્પલ'તેમ જ બૌદ્ધ મઠો, મણિકરણ ખાતે ગરમ પાણીના ઝરણાં છે. આ સ્થળો ૬૫ કિ.મી.ના અંતરમાં છે. પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા 'કોઠી' પરથી હિમશિલાઓ અને ઊંડી ખીણોના સરસ દર્શન થાય છે.

3. જિમ-કોરબેટ- નેશનલ પાર્ક, ઉત્તરાખંડ
(અશોક્સ-ટાઈગર-ટ્રેઈલ- રિસોર્ટ)
ચાર એકરમાં પથરાયેલું આ અભયારણ્ય 'અશોક્સ ટાઈગર-ટ્રેઈલ- રિસોર્ટ'ની સાથે એક બાજુ પર્વતો અને બીજી બાજુ નદીનો મોટો પટ ધરાવે છે. અહીં ટ્રી-હાઉસ જમીનથી ૫૦ ફીટની ઊંચાઈ પર આવેલું છે. અભયારણ્યના દક્ષિણ ભાગમાં ઝિરના ખાતે આ રિસોર્ટ આવ્યું છે. રિસોર્ટના રૂમોમાંથી પૂરા જંગલનું સુંદર દર્શન થાય છે.

કેવી રીતે પહોંચશો?
આ સ્થળથી સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર ખાતે એંસી કિલોમીટર દૂર છે. પાંચ કિલોમીટરના અંતરે રામનગર ખાતે રેલવે સ્ટેશન છે જે ઘણું નજીક છે. ત્યાંથી સડકમાર્ગે અહીં સુધી પહોંચાય છે. આ સ્થળની મુલાકાત લેવાનો યોગ્ય સમય નવેમ્બરથી જૂન સુધીનો છે.

જોવાલાયક સ્થળો
અહીં રામગંગા, કોસી અને માંડલ જેવી નદીઓ છે. કોસી નદીને પાર ર્ગિજયા-ટેમ્પલ, ધાનગરી મ્યુઝિયમ અને કોર્બેટ ધોધ છે.

4.ઇગલ-આઈ-હોલિડે-હોમ, ચિકમગલુર, કર્ણાટક
આ હોલિડે-હોમમાં પ્રવેશતાં જ મનને તરબતર કરે તેવી કોફીની સોડમનો અનુભવ થાય છે. ચિકમગલુર જિલ્લામાં ૧૩૦ એકરની વાડી 'હોસકોડુ એસ્ટેટ' ખાતે આ હોલિડે-હોમ આવ્યું છે. અહીંનું ટ્રી-હાઉસ ૭૫૦ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. તેમાં કાષ્ઠ અને વાંસનો ઉપયોગ થયો છે. સમુદ્ર-સપાટીથી ૨૧૦૦ ફીટની ઊંચાઈ પર કોફી, તેજાના, મસાલા, ઔષધિઓ અને ફળ-ફૂલની આ વાડીઓ આવેલી છે. આ રિસોર્ટમાંથી પશ્ચિમી ઘાટની સુંદર ખીણના દર્શન થાય છે. અહીંથી 'ફૂડુરેમુખ-શિખર'ના દર્શન પણ થાય છે. જેઓને બહાર ફરવાનો શોખ છે. તેઓ માટે અહીં ફિશિંગ, બોટિંગ, ટ્રેકિંગ, રોક-ક્લાઈમિંગ, ટારગેટ-શૂટિંગ અને બર્ડ-વોચિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ છે. આ ઉપરાંત રિવર-રાફ્ટિંગ, વાડીમાંની કેડીઓ પર વિહાર કરી શકાય છે.

કેવી રીતે પહોંચશો?
ચિકમગલુરથી ૪૮ કિલોમીટર અને બેંગલોરથી ૩૦૦ કિલોમીટરના અંતરે આ સ્થળ આવ્યું છે. સ્ટેટ-ટ્રાન્સપોર્ટની બસો નિયમિત રીતે આવ-જા કરે છે. મેંગ્લોરનું 'બાજપે' એરપોર્ટ ૧૦૦ કિલોમીટર દૂર છે. કાડુર ખાતેનું રેલવે સ્ટેશન ૩૭ કિલોમીટર દૂર છે.આ સ્થળે વર્ષના કોઈપણ સમયે આવી શકાય છે.
અન્ય જોવા જેવા સ્થળમાં 'હેબે-ફોલ્સ' છે જે અહીંથી ૫૭ કિલોમીટરના અંતરે છે.

5.મચાન અને કેન-કેનોપી-ટ્રી હાઉસીસ, લોનાવાલા, મહારાષ્ટ્ર
વિશ્વના શ્રેષ્ઠ પચીસ બાયોલોજિકલ સ્પોટ્સમાંના એક 'જાંતુલ્ને' ખાતે આવેલું આ સ્થળ મુંબઈથી અઢી કલાકની અને પૂનેથી દોઢ કલાકની સડક મુસાફરી જેટલું અંતર ધરાવે છે. વીકેન્ડ-બ્રેક માટે તે આદર્શ છે. ઉષ્ણકટિબંધના જંગલોની મધ્યમાં આવેલું આ ટ્રી-હાઉસ ૩૦થી ૪૫ ફીટની ઊંચાઈ પર બન્યું છે. તેના રૂમમાંથી આસપાસનો ૨૫ કિલોમીટર જેટલો વિસ્તાર જોઈ શકાય છે.

કેવી રીતે પહોંચશો?
મુંબઈથી અઢી કલાકની સડક મુસાફરી કરીને પહોંચાય છે. માર્ચથી મે સુધીનો સમય મોસમ અને જીવસૃષ્ટિના દર્શન કરવા માટે સારો છે. જોવાલાયક સ્થળોમાં કોરાઈ, અંબવાણે અને તુંગીના પહાડી કિલ્લા તેમ જ પોના અને મુલશી સરોવરનો સમાવેશ થાય છે.

6.વન્ય ટ્રી-હાઉસ, ઠેકડી, કેરાલા
'પેરિયાર ટાઈગર-રિઝર્વ'ની ભાગોળ પર બે ટ્રી-હાઉસ આવેલા છે. આ રિઝર્વ દસ એકર જેટલી વિશાળ જગ્યા ધરાવે છે. તેથી જ તે 'વન્ય ટ્રી-હાઉસ' કહેવાય છે. જંગલની ધાર પરની કેડી પસાર કરીને આ રિઝર્વમાં પ્રવેશી શકાય છે. ટ્રેકિંગ કરીને પણ અંદર જઈ શકાય છે.

કેવી રીતે પહોંચશો?
કોચિન એરપોર્ટથી આ રિઝર્વ ૧૧૪ કિલોમીટર દૂર છે. ઠેકડી સેન્ટર અને કુમિલી બસ સ્ટેન્ડથી વીસ મિનિટ ચાલીને અહીં પહોંચી શકાય છે. મુન્નારથી સડકમાર્ગે નેવું મિનિટમાં પહોંચાય છે. નજીકનું રેલવે સ્ટેશન કોટ્ટાયમ છે. આ સ્થળે જવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી માર્ચ છે. આ સમયમાં ક્રિસમસ અને નવું વર્ષ આવતા હોવાને કારણે વધુ ધસારો રહે છે.

જોવાલાયક સ્થળો

આ રિઝર્વ રિસોર્ટની નજીક છે. એક દિવસની ટ્રીપમાં 'સ્પાઈસ વિલેજ', 'ચિન્નાર-વાઈલ્ડ લાઈફ- સેન્ક્ચ્યુરી' જે ૨૦ કિ.મી. દૂર છે, કાર્ડેમમ-હિલ્સ અને બોટ-ક્રુઝનો આનંદ માણી શકાય છે.

7. ટ્રી-હાઉસ હાઈડ-અવે, બાંધવગઢ, મધ્યપ્રદેશ
વીસ એકર જેટલી વિશાળ જગ્યામાં, જંગલના ઊંડાણમાં અહીં પાંચ 'ટ્રી-હાઉસ' આવેલા છે. અહીં વાઘના દર્શન થવા સામાન્ય બાબત છે. બધાં જ ટ્રી-હાઉસ ગીચ ઝાડીની વચ્ચે મજબૂત સ્તંભો પર સલામત રીતે બનાવવામાં આવ્યા છે.

કેવી રીતે પહોંચશો?
અહીંથી ખજૂરાહો એરપોર્ટ અને જબલપુર એરપોર્ટ અનુક્રમે ૨૩૦ કિ.મી. અને ૧૯૦ કિ.મી. દૂર છે. જો રેલવે દ્વારા આવો તો સૌથી નજીકનું 'કત્ની' રેલવે સ્ટેશન ૯૦ કિ.મી.ના અંતરે છે. ઉત્તરમાંથી આવતી ટ્રેનો ૨૩ કિલોમીટર દૂરના 'ઉમરિયા' રેલવે સ્ટેશન પર થોભે છે.ઓક્ટોબરથી મે સુધીનો સમય આ સ્થળની મુલાકાત માટે સારો છે. જોવા જેવા સ્થળમાં વિશ્વવિખ્યાત 'ખજૂરાહો મંદિર' છે. જે અહીંથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર છે.  

Releated News