Gujarat

ચોમાસામાં આવું લાગે છે ગુજરાતનું ડાંગ, જોવા જેવો છે નજારો

  • select * from tourism_gallery where nid='134'

ગુજરાતનાં 'ચેરાપુંજી' તરીકે જાણીતો ડાંગ જિલ્લો વરસાદની સીસઝનમાં તો જાણે કે ધરતીનું સ્વર્ગ બની ઉઠ્યું હોય તેમ લાગે છે. ડાંગ જિલ્લો ગુજરાતનું અપ્રતિમ સૌંદર્ય સાચવીને બેઠો છે. ધાર્મિક ગ્રંથોમાં પણ જેમાં ખાસ કરીને રામાયણના સમયમાં ‘દંડકારણ્ય અથવા દંડક’ના નામે ઓળખવામાં આવતા જેનો વિસ્તાર પુર્વક ઉલ્લેખ કર્યો છે. રામ ભક્ત શબરીની ભક્તિ સાથે સંકળાયેલા આ ડાંગનો નજારો તન-મનને શાંતિનો અનુભવ કરાવે છે.

વૈદિક કાળમાં 'દંડકારણ્ય'નાં નામથી પ્રસિદ્ધ થયેલું ડાંગ કુદરતની અતુલ્ય ભેટ સમાન નદી, જંગલો અને પર્વતોથી ઘેરાલું છે

ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલો ડાંગ જિલ્લો સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્યને લઈ પ્રખ્યાત છે.  વિવિધ સ્થળેથી ફરવા જતા લોકો સાપુતારા ફરી ને પરત આવી જતા હોય છે. અથવા તો બાયપાસ રોડ થઇને શીરડી જતાં રહેતા હોય છે. પરંતું જો કુદરતના ખોળે મનમૂકીને ફરવું હોય કે ગુજરાતના સ્વર્ગનો નજારો માણવો હોય તો એક વાર ડાંગ જવું જ જોઇએ. ડગલે ને પગલે પ્રકૃતિ તેના સૌંદર્યનો અદ્દભૂત નજારો દર્શાવે છે. જે ભાગ્યે જ અન્ય જગ્યાએ જોવા મળે છે.

ડાંગનું જિલ્લાનું મુખ્ય મથક આહવામાં આવેલું છે. જિલ્લાની ગીરીમાળામાંથી લોકમાતા કહેવાતી અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીર, સર્પગંગા જેવી નદીઓ વહે છે. તો વળી સાગ, સાદડ, અને વાંસના જંગલો આવેલા છે. ડાંગ જિલ્લો અનેક ઔષધિય વનસ્પતિથી ધેરાયેલું છે. આ જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે ડાંગ દરબારનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેના કારણે ડાંગ વધુ જાણીતુ છે. ડાંગ જિલ્લામાં આવેલા અન્ય જોવાલાયક સ્થળો અંગે કેટલીક વિગતો અહીં પ્રસ્તુત છે.

1. વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ
2. સાપુતાર
3. સુબિર ખાતેનું શબરી ધામ
4. મહાલ વિસ્તારનું ગાઢ જંગલ
5. વાંસદા નેશનલ પાર્ક
6. પાંડવોની ગુફા
7. આહવા સનસેટ પોઈન્ટ

વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ

ગિરા ધોધ એટલે ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલી અંબિકા નદી ઉપર ધોધ સ્વરૂપે જોવા મળે છે. આગળ વહેતી અંબિકા નદી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોવા મળે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં જ્યારે આ ધોધ પૂષ્કળ પ્રવાહ સાથે પડતો હોય છે. આજુ બાજુ આવેલી ખળકો સાથે તેનો આવાજ અથડાઈને જાણે ધોધ ગર્જના કરતો હોય તોવો ગર્ભીત આવાજ સંભળાય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો ઉપર ઉભા રહીને જોવામાં આવતા ધોધનો નજારો નયનરમ્ય લાગે છે.

સાપુતારા હિલ સ્ટેશન

ગુજરાતમાં જંગલની વાત કરીએ તો ગિરના જંગલ પછી સાપુતારાના જંગલોનું જ નામ આવે છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં દૂર દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલુંછમ દેખાતું જંગલ લોકોના મન મોહી લે છે. સાપુતારા એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ જાણીતું છે. અહીં ભર ઉનાળામાં પણ તાપમાન આશરે 27 ડિગ્રી કરતાં ઓછું રહે છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારના હોવાથી તેના કારણે આ હીલ સ્ટેશનનું નામ સાપુતારા પડ્યું છે. અહીં ખાસ કરીને વાંસના જંગલો આવેલા છે તેથી અહીંયાની વાંસમાંથી બનાવેલી વસ્તુઓ પણ મળી રહે છે. અહીં જળાશય, સ્ટેપ ગાર્ડન, રોપ વે, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્કૃતિનું દર્શન) તેમજ ઋતુભરા વિદ્યાલય જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

સુબિર ગામ ખાતે આવેલું શબરી ધામ

ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલું એક ધાર્મિક યાત્રાધામ સ્થળે છે. આ યાત્રાધામ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે 33 કિમીના અંતરે આવેલું છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ આ સ્થળે શબરીની ભગવાન રામ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંની આદિવાસી પ્રજાની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અહીં આવ્યાની લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. ચારે તરફ ફેલાયેલી વનરાજી વચ્ચે આવેલા ટેકરા પર ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે દર્શાવેલ શબરી પ્રસંગની તસવીરો અને મૂર્તિઓ પણ જોવા મળે છે.

મહાલ વિસ્તારનું ગાઢ જંગલ

ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતા આ ડાંગ જિલ્લાના એક માત્ર આહવા તાલુકામાં પૂર્ણા નદીના કિનારે મહાલ ગામ આવેલું મહત્વનું છે. આ ગામમાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ગામની આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર જંગલથી ધેરાયેલું છે. આ જંગલમાં વૃક્ષોનો ધેરાવો એટલો બધો છે કે જેના કારણે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી શકે તેમ નથી. દિવસે પણ આ જંગલમાં અંધારુ દેખાય તેવો વિસ્તાર છે. ધણી વખત નેચર પ્રેમી અહીં જંગલમાં આવી રાત્રી રોકાણ પણ કરે છે.

વાંસદા નેશનલ પાર્ક

ડાંગ જિલ્લામાં વાંસદા-વઘઈ રોડ પર આવેલ આ નેશનલ પાર્ક ૨૪ કિ.મી.માં ફેલાયેલું છે. વાંસદા નેશનલ પાર્ક ગુજરાતનાં કુલ ૨૩ અભયારણ્ય અને ૪ નેશનલ પાર્ક પૈકીનું એક છે. આ નેશનલ પાર્કની સ્થાપના ૧૯૭૯માં કરવામાં આવી હતી. તેને વાંસદાના મહારાજાનું અંગત જંગલ પણ કહેવામાં આવતું હતું. આ નેશનલ પાર્ક અનેક જંગલી જાનવરોનું ઘર પણ છે, જેમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળી શકે છે. અહીં કાંટસ અને મનવેલ જાતિના વિશિષ્ટ પ્રકારના બાંબુ અને સાગ અને વિવિધ જાતનાં દુર્લભ વૃક્ષો જોવા મળે છે. આ નેશનલ પાર્કમાંથી અંબિકા નદી પણ પસાર થાય છે, જે આકર્ષક અને સુંદર સ્થળ છે.

પાંડવોની ગુફા

ડાંગ જિલ્લો પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકા૨ણ્યના જંગલ તરીકે પ્રસિઘ્ધ છે. એવા આ દંડકા૨ણ્યના જંગલમાં મહાભા૨તની સંસ્કૃતિના સમયમાં પાંડવોએ અહીં ગુફા બનાવી હતી. કહેવાય છે કે પાંડવો તેમના વનવાસ કાળ દ૨મ્યાન આ ગુફાઓમાં ૨હ્યા હતા. પાંડવોએ આ સ્થળે રહીને ભગવાન શિવની આરાધના કરી હતી અને તે પુરવાર કરતુ એ સમયનું શિવલિંગ પણ અહીં આવેલું છે. આ ગુફાઓને અરાવેલમ ગુફાઓ પણ કહેવામાં આવે છે. જે એક આકર્ષક અને સુંદર સ્થળ છે. ઘાટીના રસ્તે, અનેક સુંદર આદિવાસી ઘાટીઓ અને કિલ્લાઓ જોઇ શકાય છે. આ ગુફા ગોવા-ગુજરાત બોર્ડર પર આવેલી છે. જ્યારે પ્રવાસીઓ આ ગુફાઓની મુલાકાતે જાય છે ત્યારે તેમને અનેક આદિજાતિ ગામડાંઓ અને ફોર્ટ્સ જોવા મળી શકે છે.

આહવા સનસેટ પોઈન્ટ

આહવાની મુલાકાતે આવો તો સનસેટ પોઇન્ટ જોવાનું ચુકાય નહીં. આહવાથી દક્ષિણ દિશા તરફ જતો રસ્તો સીધો જ પ્રવાસીઓને સનસેટ પોઇન્ટ તરફ લઈ જાય છે. અહીં બગીચામાં બેસીને સનસેટનો ભરપુર આનંદ માણી શકે તે માટે ખાસ બનાવવામાં આવેલો છે. આ સાથે વિવિધ આદિવાસી ગામો અને ડાંગના જંગલનું સુંદર દ્રષ્ય જોઇ શકાય છે. કુદરતી નજારો માણવા આવતા લોકો માટે આ સ્થળ ખુબ જ રોમાંચિત કરે છે. આ સ્થળે ઉનાળાના સમય કરતા પણ ચોમાસામાં વરસાદના સમયમાં જ્યારે જંગલનો વૃક્ષો લીલાછમ હોય ત્યારે ખૂબ જ જોવાની આનંદ આવે છે.

Releated News