National

કરણી માતાજીનું મંદિર છે અસંખ્ય ઉંદરોનું ઘર

  • select * from tourism_gallery where nid='63'

બિકાનેરથી ૩૦ કિમી. દૂર નાગોર હાઈ-વે પર આવેલ દેશનોક ગામમાં શ્રી કરણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જેની ખ્યાતિ ભારત ઉપરાંત વિશ્વભરમાં પ્રસરેલી છે. દિવસભર દેશ-પરદેશના પર્યટકો તથા શ્રદ્ધાળુઓ દેશનોકના શ્રી કરણી માતાજીના મંદિરે અવશ્ય આવે છે. મંદિર સવારે ચાર વાગ્યે ખૂલી જાય છે અને રાત્રે દસ વાગ્યે બંધ થાય છે. શ્રી કરણી માતાજીના પટાંગણમાં તથા મંદિરની અંદરના ગર્ભગૃહમાં અસંખ્ય ઉંદરો (જેને શ્રદ્ધાભાવથી 'કાબા' કહે છે) પોતાની મસ્તીમાં ફરતાં, તોફાન કરતાં, લડતાં-ઝઘડતાં જોવા મળે છે એ અહીંનું આકર્ષણ છે. કરણી માતા શક્તિનો અવતાર હતાં. કરણી માતાજીની ઇચ્છાનુસાર તેમને પુનો, નગો, સિંહો અને લાખન નામના પુત્રોનો જન્મ થયો જે કરણીજીના વંશજ દેશનોકમાં હાલમાં વસે છે.

એક સમયે લાખન પોતાના મિત્રો સાથે કોલાયત ગામે મેળો જોવા ગયેલો. તે વખતે તળાવમાં નહાવા પડતાં ડૂબી જવાથી લાખનનું મૃત્યુ થયું. પરિવારના બધાં સભ્યોએ માતાજીને પ્રાર્થના કરી કે લાખનને સજીવન કરો. સમગ્ર પરિવારનું રુદન સાંભળી શ્રી કરણી માતાજી લાખનના મૃત શરીરને મંદિરના ગભારામાં લઈ ગયાં અને ત્રણ દિવસ ઉગ્ર તપસ્યા કરી. તેથી ધર્મરાજા આવ્યા. માતાજીએ ધર્મરાજાને કહ્યું કે, "આ લાખનને સજીવન કરો." ત્યારે ધર્મરાજાએ કહ્યું કે, "મા, તમે શક્તિનો અવતાર છો. તમારા પછી પણ ઘણી શક્તિઓ જન્મ લેશે. દરેક શક્તિઓ જો પોતાનો પરિવાર પાછો માગશે તો સૃષ્ટિના જન્મ-મરણના નિયમનું શું થાય?" ત્યારે માતાજીએ કહ્યું કે, "હે ધર્મરાજા, તમે લાખનને સજીવન કરો. મારા પરિવારની ચિંતા ના કરો. હું તમને વચન આપું છું કે, આજથી મારા વંશજ દેપાવત (દેપાવત શાખના ચારણ)ના મરણ પછી તમારે દ્વારે નહીં આવે કે તમારે લેવા આવવાની જરૂર નહીં રહે, કારણ કે મારા દેપાવત (ચારણ)ના મરણ પછી દેશનોકમાં કાબા (ઉંદર) બનશે અને 'કાબા' મરશે તે અહીંયાં દેપાવત (ચારણ) બનશે." આમ, ધર્મરાજાને વચન આપી ચોથા દિવસે મૃત લાખનને સજીવન કરાવી પરિવારને સોંપ્યો અને કહ્યું કે, "જ્યાં સુધી હું જીવિત રહીશ ત્યાં સુધી મારી સામે કોઈ પણ પુત્રનું મરણ નહીં થાય."

કરણી માતાએ ૧૫૧ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. સવારે અને સાંજે આરતીના સમયે અસંખ્ય કાબા મંદિરમાં જોવા મળે છે. અહીં પગ ઘસડીને ચાલવું પડે છે, કેમ કે પગ નીચે કોઈ કાબો આવી ન જાય. એવું પણ કહેવાય છે કે, માતાજીએ કાબાઓ માટે સ્વર્ગ અને નર્ક અહીંયાં બનાવ્યું છે. જે દેપાવત (ચારણ) મનુષ્ય અવતારમાં ધર્મકાર્યો, સારા આચાર-વિચારવાળા હશે તેમને કાબા બન્યા પછી માતાજીના મંદિર-ગર્ભગૃહમાં સ્થાન મળશે. જ્યાં તેમને દૂધ, લાડુ, મીઠાઈ વગેરે જમવા મળશે, પણ જો ધર્મધ્યાનમાં નહીં હોય, સારાં કર્મો નહીં કર્યાં હોય તેને તેના મૃત્યુ પછી મંદિરના ચોકમાં જ રહેવાનું. તેને યાત્રિકો જે કાંઈ ચણા, અનાજ આપે તે ખાવાનું. આ નિયમનું કાબાઓ સંપૂર્ણ પાલન કરે છે. મંદિરના ચોકમાં ફરતા અસંખ્ય કાબાઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા નથી અને ગર્ભગૃહમાં રહેતા કાબાઓ બહાર નીકળતા નથી. મંદિરના ચોકમાં એક ખૂણામાં શ્રાવણ-ભાદો નામ આપેલ બે મોટાં કડાયાં છે. તેમાં ૧૫૦૦૦ કિલોનો મહાપ્રસાદ બને છે. મંદિર તરફથી દરરોજ ૨૧ લીટર દૂધ અને યાત્રિકો કે સેવાભાવી વ્યક્તિઓ તરફથી ૫૧ લીટર દૂધ દરરોજ કાબાઓને આપવામાં આવે છે. આખા મંદિરમાં કે મંદિરના ચોકમાં આ કાબાઓ તેમના માટે દર બનાવતા નથી. ગમે ત્યાં આરામ ફરમાવે છે. ચોકમાંથી બહાર પણ નીકળતા નથી. જ્યારે તેમનો અંતઃકાળ આવવાનો હોય ત્યારે એકાએક ગાયબ થઈ જાય છે. કાબાઓની પ્રજનનલીલા પણ જોવામાં આવી નથી કે મૃત કાબો ક્યાંય નજરે પડતો નથી. મંદિરના ટ્રસ્ટ દ્વારા કાબાઓની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રખાય છે.

શ્રી કરણી માતાજીની ર્મૂતિની સ્થાપના માતાજીના દેહવિલયના ચોથા દિવસે વિક્રમ સંવત ૧૫૯૫, ચૈત્ર સુદ ચોથના રોજ કરવામાં આવી હતી. અહીંયાં યાત્રિકોને રહેવાની સગવડ અને મંદિર તરફથી ભોજન-પ્રસાદ અપાય છે. દરેક માસની સુદ ચોથના રોજ વિશેષ પૂજા થાય છે. શ્રી કરણી માતાજીનો મેળો આસો માસની નવરાત્રિ દરમિયાન યોજાય છે. આસો સુદ સાતમ દેશનોકમાં કરણી માતાજીના પ્રાગટય દિવસ તરીકે ઉજવાય છે.

Releated News