International

સોના જેવી સોનેરી રેતીવાળા બીચ અને દરિયાનું તળિયું દેખાય એવું પારદર્શક સ્વચ્છ પાણી...

  • select * from tourism_gallery where nid='32'

ભારતીય સમુદ્રમાં આવેલો 'સેશેલ્સ' તરીકે ઓળખાતો દેશ એક દ્વીપસમૂહ છે. તેમાં દોઢસો ટાપુઓ આવેલા છે. અહીંની ભૂમિ હજી પ્રાકૃતિક અવસ્થામાં છે અને તે પૃથ્વી પરના સ્વર્ગ જેવો રમણીય લાગે છે. ઈ.સ. ૧૭૧૭માં અહીં સૌપ્રથમ સત્યાવીસ પુરુષો અને એક આફ્રિકન સ્ત્રી 'સેન્ટ-એન' ટાપુ પર આવીને વસ્યા હતા. તેઓના વંશજો વિવિધ રંગ અને સંસ્કૃતિ સાથે પોતાના વંશને વિસ્તારતા ગયા અને આજે ત્યાં તેઓની વસતી જોવા મળે છે.

સેશેલ્સની ભૌગોલિક સ્થિતિને કારણે તે દરિયાઈ તોફાનો અને ચક્રવાતોનો ભોગ બન્યું નથી. તેની રચના, જંગલો વગેરે યથાવત્ રહી શક્યા છે. પંચ્યાસી હજારની વસતી ધરાવતો આ દેશ પર્યાવરણને ખૂબ મહત્ત્વ આપે છે. અહીંની મુખ્ય કરન્સી (નાણાકીય ચલણ) સેશેલ્સ-રૂપી (એસ.આર.) છે, પરંતુ અહીં યુરો અને ડોલર પણ ચાલે છે.

આબોહવા
આ દેશ વિષુવવૃત્તની નજીક આવેલો હોવાને કારણે અહીં વધુ ગરમી જોવા મળે છે. દિવસે ૨૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે. ઓગસ્ટ મહિનામાં તાપમાન 23 ડિગ્રી જેટલું નીચું જાય છે. ત્યાં ફરવા જાઓ ત્યારે સનગ્લાસ, કેપ, હેટ, સનસ્ક્રિન લોશન વગેરે લેવા જરૂરી છે. ડિહાઈડ્રેશનથી બચવા પાણીનું સેવન વારંવાર કરવું જોઈએ અને સાથે પાણીની બોટલ રાખવી જરૂરી છે.

રહેવાની વ્યવસ્થા
માહે અને પ્રાસલિનમાં મોટા ભાગની હોટેલો છે. માહેમાં ઘણી સારી હોટેલો છે. નાનાં રહેઠાણો અને બંગલા પણ ત્યાં છે જે પ્રમાણમાં સસ્તા છે. બીચકોમર રિસોર્ટ સેન્ટ-એન ટાપુ પર છે. લેમુરિયા, બીચકોમર, બેરમયા જેવી ઘણી મોટી રિસોર્ટ હોટેલો અહીં છે. વિશાળ સમુદ્રતટો, કેસિનોઝ, સ્પાઝ, બાર્સ વગેરે જેવી સવલતો તેમાં હોય છે. ઇન્ટરનેટ સાથેના કમ્પ્યૂટર્સ પણ અહીં હોય છે. અહીં ચાઈનીઝ, ભારતીય, ઇટાલિયન ક્રેઓલ વગેરે પ્રકારના ખાદ્યો મળે છે. વિવિધ એજન્સીઝ ફરવાની ટૂર આયોજિત કરે છે.

જોવા જેવા ટાપુઓ

માહે, પ્રાસલિન અને લા-ડિગ એ ત્રણ ફરવા માટેના મુખ્ય ટાપુઓ છે.

ગ્રેનાઈટના ટાપુઓમાંનો એક માહે-ટાપુ ૧૫૦ ચો.કિ.મી.માં ફેલાયેલો છે. ઉષ્ણ કટિબંધની વિશેષતા એવી ગીચ હરિયાળી, ધવલ રેતીવાળા સમુદ્રતટો આ ટાપુનું મુખ્ય આકર્ષણ છે. વિક્ટોરિયા-સેશેલ્સનું પાટનગર આ ટાપુ પર આવ્યું છે. નેશનલ-કલ્ચરલ- સેન્ટર, બોટનિકલ- ગાર્ડન્સ, નેશનલ મ્યુઝિયમ તેના જોવા જેવા સ્થળો છે. મ્યુઝિયમમાં અઢારમી સદીના સેશેલ્સનો ઇતિહાસ દર્શાવતા ફોટોગ્રાફ્સ, લખાણો વગેરે જોવા મળે છે. અસંખ્ય સ્થાનિક ચીજવસ્તુઓ વેચતું બજાર પ્રવાસીઓને આકર્ષે છે.

સેશેલ્સનો બો-વેલન- બીચ સૌથી સુંદર અને સલામત બીચીઝમાંનો એક છે. આ બીચ બે માઈલ જેટલા વિસ્તારમાં પથરાયો છે. ભૂરા રંગનું પાણી અને ધવલ રેતી આ બીચને સુંદરતા અર્પે છે. માર્ચથી નવેમ્બર સુધીના સમયમાં જ્યારે સમુદ્ર શાંત હોય છે ત્યારે વિન્ડ ર્સિંફગ, વોટર-સ્કીઇંગ અને પેચ-ગ્લાઇડિંગ જેવી રમતો અહીં શરૂ થાય છે.

વિક્ટોરિયાના દક્ષિણ તરફના પ્રવેશદ્વાર ખાતેના મોન્ટ-ફ્લોરિમાં બોટનિકલ ગાર્ડન્સ આવ્યા છે. તેમાં દેશ-વિદેશના અસંખ્ય પ્રકારના છોડ અને વનસ્પતિ છે. 'ઓર્કિડ-ગાર્ડન'માં દેશ-વિદેશનું ઘણું વૈવિધ્ય છે.

માહેથી ફેરી દ્વારા એક કલાકના અંતરે 'લા-ડિગ' ટાપુ આવ્યો છે. ત્રણ હજારની વસતી ધરાવતો આ ટાપુ દેશનો ચોથા નંબરનો વસાહતી ટાપુ છે. અહીં બાઈસિકલ્સ અને બળદગાડાં દ્વારા અવરજવર કરવામાં આવે છે. ક્યારેક અન્ય વાહનો જોવા મળે છે. બળદગાડું જૂના સમયની યાદ આપે છે. આખા ટાપુ પર પુષ્કળ નાળિયેરી છે. અહીં કોપરામાંથી તેલ કાઢવાની દેશી ઘાણી પણ છે.

આ ટાપુ પર વેનિલાની ઘણી ખેતી થાય છે. અહીં તજની ખેતી પણ થાય છે. ગ્રેનાઈટના મોટાં ખડકો અહીં કુદરતી સ્વરૂપમાં જોવા મળે છે. બ્રિટિશ કોલોનીનું એક કબ્રસ્તાન અહીં છે.

અહીંનો દરિયો સોનેરી રેતીવાળો છે. તે પ્રવાસીને ખુલ્લા પગે ચાલવા પ્રેરે તેવી સુંદર છે. 'સુવેનિયર-શોપ'માં સી-શેલ્સ, તેજાના, કોપરેલ, માહિતીપ્રદ પુસ્તકો અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી ચીજો મળે છે. 'પ્રાસલિન' એ સેશેલ્સનો બીજા નંબરનો મોટો ટાપુ છે. માહેથી આડત્રીસ અને લા-ડિગથી પાંચ કિલોમીટરના અંતરે આ ટાપુ આવ્યો છે. તેનો વિસ્તાર અગિયાર કિલોમીટર લાંબો અને ચાર કિલોમીટર પહોળો છે. પહેલાં તે 'આઈલ ઓફ પાન' તરીકે ઓળખાતો હતો. 'ડયુક ઓફ પ્રાસલિને' તેને નવું નામ આપ્યું હતું. પ્રાસલિનની વસતી સાત હજારની છે. આ ટાપુ પરના મુખ્ય બે સ્થળો 'બૈ-સેન્ટ એન્ન' અને 'વાલ્લી દ-માઈ' છે.

'વાલ્લી-દ-માઈ' એ આ ટાપુનો એક દંતકથારૂપ અને રહસ્યમય ભાગ છે. આ એક મોટું જંગલ છે જેમાં 'કોકો દ મેર' નામનું વૃક્ષ થાય છે. જેમાં થતાં વિશાળ કદના બીજ બે નિતંબના આકારના હોય છે. આ વૃક્ષ દર સો વર્ષે એકવાર પ્રજનન કરે છે. તેની નર અને માદા જાતો હોય છે. અહીંની ખીણ 'યુનેસ્કો'ની જોવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન પામી છે. પહેલાંના સમયમાં આ ખીણ 'ગાર્ડન ઓફ ઇડન' મનાતી હતી. અહીંની જીવસૃષ્ટિમાં બ્લેક-પેરટ, કેમીલિયન-ટાઈગર અને ટ્રી-ક્ષેત્ર જેવા અપવાદરૂપ પ્રાણી-પક્ષી જોવા મળે છે. આ ખીણમાં ટહેલવું એ પરમ શાંતિદાયક અનુભવ છે.

મોયેન-આયલેન્ડ
આ ટાપુની માલિકી ખાનગી રાહે એક અંગ્રેજની છે. તેના પર પુષ્કળ હરિયાળી છે. ગાઢ જંગલોમાં અવનવા વૃક્ષો અને વનસ્પતિ છે. અનેક કાચબા અહીં વિહરતા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ કાનને સુખદ અનુભવ કરાવે છે. પ્રાચીન દેવળો અને કબરો અહીં છે. અહીંના રહેવાસીએ પોતાની કબર પહેલેથી તૈયાર કરાવી રાખી છે. અહીં શેલ-મ્યુઝિયમ આ ટાપુ ધવલ અને સોનેરી રેતીથી શોભતા બીચીઝથી શોભિત છે. બીચીઝ પર ગ્રેનાઈટના ખડકો છે. ખડકો સાથે અથડાતાં મોજાં ફીણ સર્જીને એક રોચક દૃશ્ય ઊભું કરે છે.

કઝીન, એરાઈડ અને બર્ડ-આયલેન્ડ
પક્ષીઓનું આ અભયારણ્ય 'ઇન્ટરનેશનલ કાઉન્સિલ'ને હસ્તક છે. અવનવા પક્ષીઓમાં 'સેશેલ્સ બ્રશ-વોબ્લર', સેશેલ્સ ટોક-ટોક, ઓડયુબોન્સ શીયર વોટર્સ, મૂર-હેન્સ, ફ્રિજેટ્સ, બ્લેક-ટર્ન્સ અને સેશેલ્સ-સન-બર્ડ્સનો સમાવેશ થાય છે.

એરાઈડ ટાપુને ઈ.સ. ૧૯૭૩માં અભયારણ્યમાં ફેરવવામાં આવ્યો હતો. દરિયાઈ પક્ષીઓની વસાહતમાં લેસર-નોડી, ફેરી, સૂટી, રોઝીયેટ-ટર્ન્સ, ટોપિક-બર્ડ્સ ફ્રિજેટ્સ અને શિયર-વોટર્સ વગેરે છે.

દર વર્ષે બે કરોડ જેટલાં 'સૂટી' પક્ષીઓ બર્ડ-આયલેન્ડમાં પ્રજોપત્તિ કરવા આવે છે. કેટલાંક દુર્લભ પક્ષીઓની જાતો અહીં જોવા મળે છે અને આ વિદેશી પક્ષીઓ માટે આ સ્થળ સલામત છે.

ડેનિસ આયલેન્ડ

આ કોરલ-આયલેન્ડ 'માહે'થી પચાસ માઈલ અને બર્ડ-આયલેન્ડથી દસ માઈલ છેટે આવેલો છે. 'ડીપ-સી-એન્ગ્લિંગ'ના શોખીનો માટે આ ટાપુ સ્વર્ગ સમાન છે. કેટલીક માછલીઓ મેથી ડિસેમ્બર માસ દરમિયાન અને બીજી માછલીઓ પૂરા વર્ષ દરમિયાન મળી રહે છે. જિજ્ઞાાસુઓને પરવાળા બનવાના વિવિધ તબક્કા અહીં જોવા મળે છે.

સિલોસેટ-આયલેન્ડ
આ ટાપુ સેશેલ્સના મોટાં ટાપુઓમાં ત્રીજા ક્રમે આવે છે. 'માહે'થી તે ચૌદ કિલોમીટર દૂર છે. જંગલોથી ભરેલા આ ટાપુ પર એક પર્વતમાળા પણ છે. ઊંચાઈ પર તમાકુ, કોફી અને એવોકાડોની ખેતી થાય છે. આજુબાજુ પામ-વૃક્ષો પુષ્કળ છે. બાઈક પર ટાપુનો પ્રવાસ કરીને અહીંના વતનીઓની જીવનશૈલીનું રસાવલોકન કરી શકાય છે.

ફ્રીગેટ-આયલેન્ડ
માહેથી પાંત્રીસ માઈલના અંતરે આવેલો આ ટાપુ તેની વનસ્પતિ, ગાઢ જંગલો અને જીવસૃષ્ટિ માટે પ્રખ્યાત છે. તેના પર લાવાના ખડકોની પર્વતમાળા છે. ફક્ત ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમે સપાટ ભૂમિ છે. બંને સમુદ્રતટો ચમકતી રેતીથી શોભે છે.

ફેબિસાઈટ-આયલેન્ડ

'માહે'થી નવ માઈલ અને 'લા-ડિગ'થી બે માઈલ દૂર આ ટાપુ આવ્યો છે. ૨૨૭ મીટર ઊંચો ખડક અહીં જોવા મળે છે. સમુદ્રતટ પર પરવાળાના ઊંચા ખડકો છે.

સેન્ટ-એન-મરિન નેશનલ પાર્ક
ભારતીય સમુદ્રમાં બનેલો આ પ્રથમ મરિન પાર્ક છે. 'માહે'થી થોડા માઈલ દૂર આવેલો આ પાર્ક કેટલાંક ટાપુઓનો બનેલો છે. દરિયાઈ કાચબા જેવા વિલુપ્ત થતાં પ્રાણીઓ માટે આ ટાપુ યોગ્ય પ્રજનન-વાતાવરણ પૂરું પાડે છે. પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ અને નિરીક્ષણ માટે આ યોગ્ય સ્થળ છે. કોરલ-રીફ્સ, સી-પ્લાન્ટ્સ, સમુદ્રી જીવો, પક્ષીઓ અને જળચર સૃષ્ટિનું આ સ્વર્ગ છે. અહીં પરવાળા કે જળચરોને પકડવાની મનાઈ છે.

'હોડલ' નામના કૃત્રિમ ટાપુ પાસેથી આ પાર્કની સફર શરૂ થાય છે. આ ટાપુ પર 'ઐગ્રેટ્સ' અને 'હેરોન' પક્ષીઓની મોટી વસાહત છે. મરિન પાર્કમાં સેમી-સબર્મિસબલ બોટ કે જેનું તળિયું કાચનું હોય છે તેમાંથી સમુદ્રની અંદરનું રસાવલોકન થઈ શકે છે. માછલીઓને નજીકથી ખવડાવવાનો લહાવો અહીં મળે છે.

સેશેલ્સની આસપાસ બીજાં પણ વણખેડયા ટાપુઓ છે. તેથી સેશેલ્સ હંમેશાં પ્રવાસીઓને માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેવાનો છે.

Releated News