News

જૂનાગઢ: ભક્તિ,ઉમંગ અને સાધુઓની સંગતના ત્રિવેણી સંગમ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ

જૂનાગઢ- જૂનાગઢ ગિરનારની તળેટીમાં મહા શિવરાત્રીના મેળોનો આજથી રંગચંગે પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અનેક મેળાઓ યોજાય છે. જેમાં જૂનાગઢમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો શિવની ભક્તિ સાથે જોડાયેલ મેળો છે.  અને આ મેળામાં ધાર્મિકતાનું અનેરું મહત્વ જોવા મળે છે. મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધુણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનુ મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજુ કરે છે.

નાગા સાધુ પોતાની ધૂણી ધખાવી છે. તો બીજી તરફ બમ બમ ભોલેના નાદ મેળામાં ગુંજી ઉઠ્યો છે. મહા શિવરાત્રીનો મેળો મહાવદ નોમથી શરૂ થાય છે. ભવનાથ મંદિરમાં ધાર્મિક પૂજા વિધિથી ધજા ચડવામાં આવે છે. અને ત્યાર બાદ મહા શિવરાત્રીએ નાગા સાધુની રવાડી નીકળે છે. રવાડી બાદ મંદિરમાં આવેલ મૃગી કુંડમાં નાગા સાધુઓની સ્નાન વિધિ બાદ મેળો સંપન્ન થાય છે. આમ 5 દિવસ આ મેળો ચાલે છે.

મહા શિવરાત્રીના મેળામાં દર વર્ષ લાખો શ્રદ્ધાળુંઓ આવે છે. જેને લઈને ભવનાથમાં 100થી વધુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં
આવ્યાં છે. ભોજન, ભક્તિ અને ભજનનો અનેરો સંગમ આ મેળામાં  જોવા મળે છે. સાથે સાથે હિંદુ ધર્મની આસ્થાનું અનેરું પ્રતીક પણ જોવા મળે છે. લાખો ભાવિકો અને સાધુ સંતો એક સાથે ભોજનનો લાભ લે છે અને ભગવાન શિવની આરાધના કરતા જોવા મળે છે.

લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે વહિવટી તંત્ર પણ સજ્જ થયું છે. મેળામાં જવા માટે ખાસ એસટી બસની સુવિધા સાથે આરોગ્ય, શુદ્ધ પીવાનું પાણી તેમજ ઉતારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુંઓની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ અને અન્ય નજીકના જિલ્લા પોલીસનો ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં 8 DYSP – 27 PI  – 55 PSI – 3 SRPની ટુકડી અને 1000 હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલ હોમગાર્ડના જવાનો દ્વારા લોખંડી સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. તેમજ 2 BDS ની ટીમ સ્નિફર ડોગ સાથે મેળામાં સતત ચેકીંગ કરી રહી છે.

શિવરાત્રીના મેળામાં પ્રથમ વખત રાજ્ય સરકાર તરફથી 2 ડ્રોન કેમેરા ફાળવામાં આવ્યાં છે. જે સતત મેળા માં કાર્યરત રહેશે. તેમજ 17 જગ્યા ઉપર 22 CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તસવીર અને અહેવાલ વિજય ત્રિવેદી

Source By : Chitralekha