News

બન્ને પગે પોલિયો છતાં માધાપરના મહિલા કરે છે 8 પ્રકારના નૃત્યો

દિવ્યાંગ દંપતીનું  જીવનકવન આત્મબળનો પર્યાય : પગે વિકલાંગ પતિ દેવજીભાઇ પણ ભજન ગાવાના શોખ થકી બન્યા પગભર
 
ભુજ:‘નબળા મનના માનવીને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ વિશ્વ વિકલાંગ દિને વાત કરવી છે, એવા દંપતીની જેમણે શારીરિક વિકલાંગતાની વૈતરણી પાર કરી જીવન સામે ઝઝૂમવાનો પડકાર ઝીલ્યો છે. માધાપર નજીક રહેતું દિવ્યાંગ દંપતી મંજુલાબેન અને દેવજીભાઇ ગોહિલ કોઇની મદદ વિના પોત-પોતાના ક્ષેત્રમાં નામના મેળવી સમાજને આત્મબળનો સંદેશ આપી રહ્યા છે.

મંજુલાબેનના બન્ને પગ જન્મથી જ સાવ વળેલા અને જાન વિનાના છે, તે 6 વર્ષના થયા ત્યાં સુધી ઘરની બારીમાં બેસી રસ્તે આવતા જતા લોકોને  અને રમતા બાળકોને જોઇ એ વિચારતા કે, હું ક્યારે આ લોકોની જેમ ચાલી શકીશ? સાત વર્ષની ઉંમરે તેના પોલિયોગ્રસ્ત બન્ને પગનું ઓપરેશન તેમના પિતાએ તંગ આર્થિક પરિસ્થિતિ હતી છતાં પણ કરાવ્યું અને ઓપરેશન પછી તના બન્ને પગ સીધા તો થયા, પણ અચેતન જ રહ્યા, પરંતુ હૈયે હામ રાખી તેને આઠમા ધોરણથી કલોલ કડી ખાતે આવેલી દિવ્યાંગો માટેની મંથન સેવા સંકુલ  હોસ્ટેલમાં ભણવા મોકલી અને ત્યાં તેમણે વિચાર્યું કે, મારા પિતાએ ખરાબ સ્થિતિમાં મારા માટે આટલું કર્યું, તો મારે પણ કંઇક કરવું જોઇએ, બસ મંજુલાબેન ભણવામાં તો હોંશિયાર હતા જ તથા ભરતકામ અને નૃત્યના શોખે તેને સફળતા અપાવી. 
 
પગથી ભલે લાચાર હતા પણ મજબૂત મનોબળથી તેમણે રાજસ્થાની નૃત્ય, ગુજરાતી રાસ, બામ્બુ ડાન્સ, ટીપ્પણી જેવા આઠ  નૃત્યોમાં મહારત હાંસલ કરી. વર્ષ 2006, 2008 અને 2012માં એ ત્રણ વખત અમેરિકા ખાતે પણ પોતાના નૃત્યથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 30 વર્ષીય મંજુલાબેને ગુજરાતી, ઇતિહાસના વિષય સાથે બી.એ. સુધીનો અભ્યાસ પણ કરેલો છે. એમ કહી શકાય કે, કચ્છના મંજુલાબેન પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનની રાહ પર જઇ રહ્યા છે.
 
 તો મંજુલાબેનના પતિ દેવજીભાઇ પણ બન્ને પગે દિવ્યાંગ છે. તેમના પણ બન્ને પગે પોલિયો છે, છતાં નાનપણથી જ ગાવાના શોખે તેને સ્વનિર્ભર બનાવ્યા, અત્યારે મોટા-મોટા કલાકારો સાથે તેઓ ભજનના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે, તેમને તાલુકા અને જિલ્લા કક્ષાના એવોર્ડ પણ મળેલા છે. તેઓ કહે છે કે, અમે બન્ને ભલે દિવ્યાંગ છીએ, પણ અમારા બે પુત્રો વિરાજ અને દિવ્ય સાથે ખુમારીભરી  જિંદગી જીવીએ છીએ. આ પરિવારમાં ન પિતા હામ હાર્યા, ન વિકલાંગ દીકરીએ લાચારી સ્વીકારી કે ન તો તેના પતિએ જીવનમાં હાર માની.
 
મારા પિતા જ મારી પ્રેરણા છે
 
અમારા સાત લોકોના પરિવારનો આધાર મારા પિતા પર હતો, મારા બન્ને પગ જન્મથી જ વળેલા હતા, જેના મોંઘા ઓપરેશન માટે વિશાખાપટ્ટનમ જવું પડે તેમ હતું, તો મારા પિતાએ મારી લાખોની જમીન માત્ર 40 હજારમાં વેચી મારું ઓપરેશન કરાવ્યું. એટલું જ નહીં, પણ ત્યારબાદ 6 મહિના ધંધો મુકી વ્યાજે રૂપિયા લઇ મારી કસરત કરાવતા અને પોતે અભણ હોવા છતાં મને કોલેજ સુધી અભ્યાસ પણ કરાવ્યો, એટલે મને પણ એમ થયું કે, મારા પિતા બધું ગુમાવીને મારા માટે જો આટલું કરતા હોય, તો મારે પણ કંઇક કરવું જ પડે, બસ મારા માટે આ  જ વાત પ્રેરણા બની ગઇ.
 
Source By : Divyabhaskar