દેશ-વિદેશમાં પ્રખ્યાત પાટણની ‘રાણકી વાવ’ વિષે તમે કેટલું જાણો છો?

19 Jul, 2018

પાટણની રાણકી વાવ એટલે ગુજરાતનો તાજ મહેલ!

 
પાટણ ખાતે આવેલી 900 વર્ષ પુરાણી રાણકી વાવને આજે વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની કતારના પાટનગર દોહા ખાતે 15મી તારીખથી બેઠક ચાલી રહી છે. તેમાં આજે રાણકી વાવ હેરિટેજ જાહેર થશે. વાવ ઉપરાંત હિમાલચલ પ્રદેશમાં આવેલો ગ્રેટર હિમાલયન નેશનલ પાર્ક પણ હેરિટેજ જાહેર થવા જઈ રહ્યો છે. 
 

 
૧૧મી સદીમાં બનેલી પાટણની આ વાવ સૌંદર્ય-કળા-કારીગરીનો બેનમૂન ખજાનો છે. સોલંકી (મૂળ નામ ચૌલુક્ય) કાળના રાજા ભીમદેવના અવસાન પછી
આ વાવ તેમની રાણી ઉદયામતીએ બંધાવી હતી. 'પ્રબંધચિંતામણી'માં નોંધાયેલા ઈતિહાસ પ્રમાણે ૧૦૨૨થી ૧૦૬૩ વચ્ચે તેનુ બાંધકામ થયુ હતું. ૮૦૦થી વધુ બેનમૂન શિલ્પકૃત્તિઓ ધરાવતી આ વાવ પૂર્વ-પશ્ચિમ બંધાયેલી છે. એટલે કે પૂર્વ તરફ વાવનું પ્રવેશદ્વાર છે અને પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે. શિલ્પશાસ્ત્રમાં આપેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે. તેની પહોળાઈ ૬૫ ફીટ, લંબાઈ ૨૧૩ ફીટ અને ઊંડાઈ ૯૨ ફીટ જેટલી છે.
શાહઝહાંએ પોતાની બેગમ મુમતાઝના જન્નતનશિન થયા પછી તેની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો એ જગ-જાહેર ઈતિહાસ છે. ઈતિહાસને જરા અલગ દૃષ્ટિકોણથી જોઈએ તો રાણીની વાવ અને તાજમહેલ વચ્ચે સામ્ય શોધી શકાય એમ છે. તાજમહેલ ૧૭મી સદીમા બંધાયો હતો. તેની સદીઓ પહેલા ૧૦૬૪માં પાટણમાં તૈયાર થયેલી વાવ રાણીએ પોતાના પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં!
 

 
તાજમહેલના સૌંદર્ય અંગે કોઈ શંકા નથી પણ તેની ઉપયોગીતા શું? જોવાથી વિશેષ તો કશી નહીં. સામે પક્ષે રાણની વાવ પાણીના સંગ્રહ માટે હતી. તેનો લાભ સ્વાભાવિક રીતે પાટણની જનતાને મળવાનો હતો. તાજમાં બાદશાહનો બેગમ પ્રત્યે પ્રેમ હતો તો રાણની વાવમાં રાણીનો રાજા પ્રત્યેનો પ્રેમ છલકે છે.
સદીઓ સુધી જમીનમાં સંતાયેલી રહેલી આ વાવ નજરે ચડયા પછી ૧૯૬૮માં પુરાત્ત્વવિભાગે ખોદી કાઢી તેનું પુનરુત્થાન કર્યુ છે. એ વખતે વાવમાંથી રાણી ઉદયામતીની મૂર્તિ પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે આગળપડતાં ગણાતા યુરોપમાં જ્યારે અંધકાર યુગ ચાલતો હતો ત્યારે પાટણમાં જમીનમાંથી અંધારુ ઉલેચીને વાવનું બાંધકામ ચાલી રહ્યુ હતું. થોડા વર્ષો પહેલાં યુરોપિયન દેશ સ્કોટલેન્ડની એક પુરાત્ત્વ પ્રેમી સંસ્થાની ટીમ આવીને આ વાવનું થ્રીડી સ્કેનિંગ-શૂટિંગ પણ કરી ગઈ હતી.
 
દેખાવે કદાચ પહેલી નજરે ભવ્ય ન લાગતી આ વાવ શિલ્પ-કળા-સંસ્કૃતની દૃષ્ટિએ જગતની સર્વોત્તમ વાવો પૈકીની એક ગણવી પડે એવી છે. વાવમાં ઉતરવાનું શરૃ કરતા બન્ને બાજુએ ભવ્ય કોતરકામ નજરે પડે છે. એ જોયા પછી તેની મહાનતા કોઈને વર્ણવવાની જરૃર રહેતી નથી. સ્થાનિક ઈતિહાસકાર મુકુંદરાય બ્રહ્મશ્રત્રિયના કહેવા પ્રમાણે રાણીની વાવને વિરાસત જાહેર કરી રહાઈ છે એ ચોક્કસપણ આનંદની વાત છે. પરંતુ આખુ પાટણ એવો ઈતિહાસ ધરબીને બેઠું છે કે સમગ્ર શહેર જ હેરિટેજ જાહેર કરવુ જોઈએ. તેમના કહેવા પ્રમાણે હજુ અનેક સ્થળોએ ઉત્ખનન કરવામાં આવે તો ૯૦૦ વર્ષ પહેલાનો ઈતિહાસ પળવારમાં આળસ મરડીને બેઠો થઈ શકે એમ છે.
એક સમયે ગુજરાતની રાજધાની રહી ચૂકેલુ ચાંપાનેર તો પહેલેથી જ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન ધરાવે છે.
 
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.
 
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.