નવાઈ ની વાત છે આખા ગુજરાત માં વરસાદ છે પણ અમદાવાદ માં નથી જાણો કેમ ?

16 Jul, 2018

 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળપ્રલયની સ્થિતિ ઊભી થઇ છે, ત્યારે માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધપાત્ર વરસાદ વર્તાયો નથી. જેને લઇને હવામાન ખાતું પણ 'હવા'માં છે અને આવનારા દિવસોમાં મેઘ મહેરની આશા રાખી રહ્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં વરસાદ ન પડવા પાછળ પ્રદૂષણ કે અન્ય કોઇ ચોક્કસ કારણ જવાબદાર હોવાનું કહી શકાય નહીં. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં વરસાદ કેમ નથી? તે અંગે અમદાવાદ હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, તેની પાછળ કોઇ ખાસ કારણ જવાબદાર નથી. તાલુકામાં તો વરસાદ પડી જ રહ્યો છે. શહેરમાં વરસાદ ન પડવા પાછળ પ્રદૂષણ કે કોઇ અન્ય વસ્તુને કારણભૂત ગણી શકાય નહીં. જ્યારે આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરી હતી.

છેલ્લા બે દિવસથી આકાશ ગોરંભાયેલું રહ્યાં બાદ શહેરનાં વિવિધ વિસ્તારો માત્ર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ, સતત વરસાદની ગેરહાજરીથી જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 77 ટકા વરસાદની ઘટ છે. પરંતુ, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.