જાણો, સ્ત્રી કે પુરૂષમાંથી કોણ સમાગમ સમયે સૌથી વધુ આનંદ પ્રાપ્ત કરે છે

28 Jul, 2018

 ઘણા વર્ષોથી આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે કે સમાગમ સમયે સૌથી વધુ આનંદ કોને હોય છે, સ્ત્રી કે પુરુષને? આ અંગે વિભિન્ન મત હોઇ શકે છે અને તેને લઇને અનેક વખત ચર્ચાઓ પણ થઇ હશે. મહાભારતમાં પણ આ અંગે જણાવવામાં આવી હોવાની કથાઓ છે. આજે એવી જ એક કહાણી અંગે અમે જણાવી રહ્યાં છીએ. જેમાં યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને જેના જવાબમાં ભિષ્મ પિતામહે એક કહાણી સંભળાવી હતી. 

એકવાર યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહ પાસે ગયા અને પૂછ્યું, ‘તાતશ્રી! તમે મારી એક મુંઝવણને દૂર કરશો? શું તમે મને સત્ય જણાવશો કે સ્ત્રી કે પુરુષમાંથી કોણ સમાગમ સમયે સૌથી વધુ આનંદ પ્રાપ્ત કરે છે?’ એ સમયે ભિષ્મ પિતામહે કહ્યું,‘ આ અંગે હું તને ભંગસ્વાના અને સકરાની એક કહાણી સંભળાવું છું, જેમાં તારા સવાલનો જવાબ છૂપાયેલો છે.’

ઘણા સમય પહેલા ભંગસ્વાના નામના એક રાજા હતા. તે ન્યાયપ્રિય અને ઘણા જ યશસ્વી હતા પરંતુ તેમને કોઇ પુત્ર નહોતા. એક બાળકની ઇચ્છામાં આ રાજાએ એક અનુષ્ઠાન કર્યું જેનું નામ હતું ‘અગ્નીષ્ટુતા’. કારણ કે આ હવનમાં માત્ર અગ્નિ ભગવાનને જ આદર આપવામાં આવ્યું હતું.  જેના કારણે દેવરાજ ઇન્દ્ર ઘણા ક્રોધિત થયા. 

ઇન્દ્ર પોતાના ગુસ્સો વ્યક્ત કરવા માટે એક તકની શોધમાં હતા, જેથી રાજા ભંગસ્વાનાથી કોઇ ભૂલ થાય અને તેઓ તેમને દંડ કરે. પરંતુ ભંગસ્વાના એટલા સારા રાજા હતા કે ઇન્દ્રને કોઇ તક મળી રહી નહોતી, જેના કારણે ઇન્દ્રનો ગુસ્સો વધી રહ્યો હતો. એક દિવસ રાજા શિકાર પર નિકળ્યા, ઇન્દ્રે વિચાર્યું કે અપમાનનો બદલો લેવા માટે આ યોગ્ય સમય છે અને ઇન્દ્રે રાજાને સંમોહિત કર્યા.

રાજા ભંગસ્વાના જંગલમાં ભટકતાં રહ્યાં. પોતાની સંમોહિત અવસ્થામાં તેઓ વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠા, ના તો તેમને દિશાની સમજ હતી અને ના તો તેમને તેમના સૈનિકો દેખાઇ રહ્યાં હતા. ભૂખના માર્યા તેઓ વ્યાકૂળ થઇ ગયા હતા. અચાનક તેમને એક નાની અમથી નદી જોવા મળી, જે સુંદર દેખાઇ રહી હતી. રાજા એ નદી તરફ આગળ વધવા લાગ્યા અને પહેલાં તેમણે પોતાના ઘોડાને પાણી પીવડાવ્યું પછી તેમણે પીધું. 

જેવું રાજાએ નદીની અંદર પ્રવેશ કર્યો અને પાણી પીધું, તેમણે અનુભવ્યું કે તેઓ ધીરે ધીરે સ્ત્રી બની રહ્યાં છે. શરમના માર્યા રાજા જોર જોરથી વિલાપ કરવા લાગ્યા. તેમને સમજાતું ન હતું કે આવું તેમની સાથે કેમ થયું. રાજા વિચારવા લાગ્યા, ‘હે પ્રભુ! આ અનર્થ પછી હું મારા રાજ્યમાં કેવી રીતે જાઉં? મારા અગ્નિષ્ટુતા અનુષ્ઠાનથી મારા 100 પુત્ર થયા છે, તેમને હું કેવી રીતે મળીશ, શું કહીશ? મારી રાણી, મહારાણી જે મારી પ્રતિક્ષા કરી રહી છે, તેમને કેવી રીતે મળીશ? મારા પુરુષત્વની સાથોસાથ મારો રાજપાઠ પણ જતો રહ્યો. મારી પ્રજાનું શું થશે.’ આ પ્રકારે વિલાપ કરતા રાજા પોતાના રાજ્ય પરત ફર્યા.

સ્ત્રી રૂપમાં રાજા પરત ફર્યા તો બધા તેમને જોઇને અચંભિત હતા. રાજાએ સભા બોલાવી અને પોતાની રાણીઓ, પુત્રો અને મંત્રીઓને કહ્યું કે હવે હું આ રાજપાઠ સંભાળવાલાયક રહ્યો નથી. તમે બધા સુખથી અહી રહો અને હું જંગલમાં મારું બાકીનું જીવન વિતાવીશ.

 એવું કહીને રાજાએ જંગલની તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં જઇને તે સ્ત્રી રૂપમાં એક તપસ્વીના આશ્રમમાં રહેવા લાગ્યા. જ્યાં તેમણે અનેક પુત્રોને જન્મ આપ્યા. આ પુત્રોને તેઓ પોતાના રાજ્ય લઇ ગઇ અને પોતાના અગાઉના પુત્રોને કહ્યું કે, હું પુરુષ હતો એ સમયના તમે પુત્રો છો જ્યારે આજે હું એક સ્ત્રી છું અને આ પુત્રોને મે જન્મ આપ્યા છે. મારા રાજ્યને તમે બધા ભાઇઓની જેમ રહીને સંભાળો. બધા ભાઇઓ હળીમળીને રહેવા લાગ્યા. 

બધાને સુખી જીવન વ્યતિત કરતા જોઇ, દેવરાજ ઇન્દ્ર વધારે ક્રોધિત થઇ ગયા અને તેમનામાં બદલાની ભાવના ફરી જાગૃત થઇ. ઇન્દ્ર વિચારવા લાગ્યા કે રાજાને સ્ત્રી રૂપમાં પરિવર્તિત કરીને મે તેની સાથે ખરાબ કરવાના બદલે કંઇક સારું કરી નાંખ્યું છે. આવું વિચારીને ઇન્દ્રએ એક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને રાજા ભંગસ્વાનાના રાજ્યમાં પહોંચ્યા. જ્યાં જઇને તેમણે તમામ રાજકુમારોની કાન ભંભેરણી કરી. 

 આ કાન ભંભેરણીના કારણે તમામ ભાઇ એકબીજા સાથે લડવા લાગ્યા અને એક બીજાને મારી નાંખ્યા. જેવી ભંગસ્વાનાને આ વાતની જાણ થઇ તેઓ ભાંગી પડ્યાં. બ્રાહ્મણ સ્વરૂપમાં રહેલા ઇન્દ્ર તેમની પાસે પહોંચ્યા અને પૂછ્યું કે તું શા માટે રડી રહી છે. ભંગસ્વાનાએ રડતાં રડતાં આખી ઘટના ઇન્દ્રને જણાવી. ત્યારબાદ ઇન્દ્ર પોતાના રૂપમાં આવ્યા અને રાજાને રાજાની ભૂલ જણાવી. 

ઇન્દ્રએ કહ્યું, ‘કારણ કે તે માત્ર અગ્નિની પૂજા અને મારો અનાદર કર્યો, જેથી મે તારી સાથે આવો ખેલ રચ્યો.’ આ સાંભળીને ભંગસ્વાના ઇન્દ્રના પગે પડી ગયા અને પોતાનાથી અજાણતામાં કરેલા અપરાધની ક્ષમા માગી. રાજાની આ દયનીય દશા જોઇને ઇન્દ્રને દયા આવી ગઇ. ઇન્દ્રે રાજાને માફ કરતા તેમના તમામ પુત્રોને જીવીત કરવાનું વરદાન આપ્યું. 

 ઇન્દ્ર બોલ્યા, ‘હે સ્ત્રી રૂપી રાજા, તમારા બાળકોમાંથી કોઇ એકને જીવીત કરી લો’ ભંગસ્વાનાએ ઇન્દ્રને કહ્યું કે આવી વાત છે તો મારા એ પુત્રોને જીવીત કરી દો જેને મે સ્ત્રી રૂપમાં જન્મ આપ્યો છે. આશ્ચર્ય સાથે ઇન્દ્રે આનું કારણ પૂછ્યું. જેના જવાબમાં રાજાએ કહ્યું, ‘હે ઇન્દ્ર! એક સ્ત્રીનો પ્રેમ, એક પુરુષના પ્રેમથી અનેકગણો વધારે હોય છે. તેથી હું મારા કુખે જન્મેલાં બાળકોનું જીવનદાન માગું છું. 

ભીષ્મ પિતામહે આ કહાણીને આગળ વધારતા યુધિષ્ઠિરને કહ્યું કે ઇન્દ્ર આ બધું સાંભળીને પ્રશ્ન થઇ ગયા અને તેમણે રાજાના તમામ પુત્રોને જીવીત કરી દીધા. ત્યારબાદ ઇન્દ્રે રાજાને પુનઃ પુરુષ રૂપ આપવાની વાત કરી. ઇન્દ્રે કહ્યું, ‘તારાથી ખુશ થઇને  ભંગસ્વાના હું તને પુનઃ પુરુષ બનાવવા માગુ છુ.’ પરંતુ રાજાએ સ્પષ્ટ ના પાડી દીધી. 

 સ્ત્રી રૂપી ભંગસ્વાનાએ કહ્યું, ‘હે દેવરાજ ઇન્દ્ર, હું સ્ત્રી રૂપમાં ખુશ છું, અને સ્ત્રી જ રહેવા માગું છું.’ આ સાંભળીને ઇન્દ્ર ઉત્સુક થઇ ગયા અને પૂછ્યું કે તેની પાછળનું કારણ શું, શા માટે તુ પુનઃ પુરુષ બનીને રાજપાઠ સંભાળવા નથી ઇચ્છતો? જેના જવાબમાં ભંગસ્વાનાએ કહ્યું, ‘કારણ કે, સમાગમ સમયે સ્ત્રીને પુરુષ કરતા અનેકગણો આનંદ, તૃપ્તિ અને સુખ મળે છે, તેથી હું સ્ત્રી જ રહેવા માગું છું. ઇન્દ્રે તથાસ્તુ કહ્યું અને ત્યાંથી પ્રસ્થાન કર્યું. ભીષ્મ બોલ્યા, ‘હે યુધિષ્ઠિર આ વાત સ્પષ્ટ છે કે સ્ત્રીને સમાગમ સમયે પુરુષ કરતા વધારે સુખ મળે છે.’