અહિ 250 વર્ષથી ચાલે છે એક અનોખી પરંપરા, માતા જમે છે સોનાની થાળીમાં

07 Nov, 2016

બહુચરાજીમાં નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસર મા બહુચરના જયઘોષથી ગૂંજી ઊઠશે. દર્શન માટે માઇભક્તોની લાંબી કતારો લાગશે. નૂતન વર્ષે પરંપરા મુજબ માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવશે. તેમજ સોનાની થાળીમાં રાજભોગ પીરસવામાં આવશે. આ પરંપરા 250 પૂર્વે શરૂ કરવામાં આવી હતી. બહુચરજીમાં દિવાળીના પવિત્ર દિવસે બહુચર માતાજીને સોનાની થાળીમાં ખીર, લાડુ, અંજીર બરફી, પાપડ, પુરી, દાળ, ભાત, શાક, મેથીના ગોટા તેમજ પાનનાં બીડનો રાજભોગ ધરવામાં આવશે. આ પળના દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. 

હાલ બહુચરાજી મંદિરમાં 5.6 કિલોના સોનાના વાસણ છે જેની અંદાજિત કિંમત દોઢ કરોડની આસપાસ છે. વેપારીઓએ નૂતન વર્ષ નિમિત્તે માતાજીની પૂજા -અર્ચના કરી વેપાર-ધંધાનાં મુહૂર્ત કર્યા હતા. તો બહુચરાજીથી 2 કિમીના અંતરે આવેલા શંખલપુર સ્થિત મા બહુચરના આદ્યસ્થાનક શંખલપુરમાં ટોડાવાળી બહુચર માતાજીના સ્થાનકે પણ હજારો આસ્થાળુઓ દર્શન માટે વાહનો લઇને ઊમટી પડ્યા હતા. બેસતા વર્ષે માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા માઇભક્તો માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.