20 વર્ષના બે મિત્રો કમાયા રૂ. 20 કરોડ...

10 Jul, 2018

3 વર્ષ પહેલાં બંનેએ યંગ ટ્રેન્ડ નામથી બ્રાન્ડથી તેમના ટી-શર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો, કિંમત માત્ર રૂ. 250-600ની વચ્ચે...

 
20 વર્ષની ઉંમરે બે મિત્રોએ રૂ. 20 કરોડ કમાઈ લીધા છે. આ વાંચીને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. પરંતુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પ્રવીણ અને સિંધુજાએ આ કમાલ કરીને બતાવ્યો છે. તેમણે ઓન લાઈન બિઝનેસ કરીને આ કમાણી કરી છે. બિઝનેસની સફળતાને જોઈને હવે બંને મિત્રોએ ઓફલાઈન રિટેલ બિઝનેસ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. તેઓ ટૂંક સમયમાં જ તેમનો સ્ટોર ખોલવાના છે. બંને મિત્રોએ 3 વર્ષ પહેલાં યંગ ટ્રેન્ડ નામથી તેમની ટી-શર્ટ બ્રાન્ડ શરૂ કરી હતી અને તેની કિંમત માત્ર રૂ. 250થી 600 જ રાખવામાં આવી હતી.
 

 
યંગ ટ્રેન્ડઝના કો ફાઉન્ડર પ્રવીણ કે. આર બિહાર અને સિંધુજા કે. હૈદરાબાદની છે. તેઓ બંને વિદ્યાર્થીઓ હતા જ્યારે તેમણે બિઝનેસ શરૂ કર્યો હતો. NIFTના અભ્યાસના સાતમા સેમિસ્ટરમાં તે બંનેએ તેમનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે આ વિશે તેમની વેબસાઈટ ઉપર પણ માહિતી આપી છે. વર્ષ 2015માં ઈ-કોમર્સ માર્કેટ ખૂબ જ તેજીમાં હતું અને તે સમયે તે બંનેએ ઓનલાઈન ક્લોથિંદ બ્રાન્ડ યંગ ટ્રેન્ડની શરૂઆત કરી હતી.
 
રૂ. 10 લાખથી શરૂ કર્યો બિઝનેસ : તે બંનેએ વર્ષ 2015 સપ્ટેમ્બરમાં રૂ. 10 લાખના રોકાણથી બિઝનેસની શરૂઆત કરી હતી. તેમણે 2 મહિનામાં ઓનલાઈન માર્કેટ ફ્લિપકાર્ટ, અમેઝોન, વૂનિક અને પેટીએમ પર તેમની બ્રાન્ડ વેચવાનું શરૂ કરી દીધું હતું. ત્યારપછી તેમણે તેમની ઈ-કોમર્સ વેબસાઈટ પણ શરૂ કરી હતી. તેમની યંગ ટ્રેન્ડ બ્રાન્ડ વર્ષ 2017માં ફેસ્ટિવ સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પર 25,000 ટી-શર્ટ વેચી ચૂકી છે.
 

 
કોલેજ ફેસ્ટમાં પણ વેચી ટી-શર્ટ : જ્યારે તેમનું સેમિસ્ટર પુરૂ થવા આવ્યુ ત્યારે તેમણે કોલેજ ફેસ્ટ અને ઈવેન્ટ્સમાં તેમની બ્રાન્ડ યંગ ટ્રેન્ડઝની ટી-શર્ટ વેચી હતી. તમને શરૂઆતમાં એક દિવસમાં અંદાજે 10 ટી-શર્ટના ઓર્ડર મળતાં હતા. સેમિસ્ટર પુરૂ થવા આવ્યું ત્યારે તેઓ આઈઆઈટી અને આઈઆઈએમમાં થઈને રોજ કુલ 100થી વધારે ટી-શર્ટ વેચવા લાગ્યા હતા.
 
20 કરોડ સુધી પહોંચી ગયો છે બિઝનેસ : હવે તેઓને રોજના 1,000 ટી-શર્ટનો ઓર્ડર મળે છે. તેમની હાલ કુલ આવકરૂ. 20 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમની પ્રોડક્ટની કિંમત રૂ. 250થી લઈને 600 સુધીની છે. તેમના ઈ-કોમર્સ પ્લેટફર્મ પર 3,500થી વધારે પ્રોડક્ટ છે. ઓનલાઈન સફળતા જોઈને હવે તેમણે ઓફલાઈન સ્ટોર ખોલવાની શરૂઆત પણ કરી છે.