તાપી નદી જન્મદિવસઃ સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો થયો જન્મ

19 Jul, 2018

આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવશે. 

સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્યનું તપ કર્યુ હતું. દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડયું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો. ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે. 
 

 
 
મા તાપી પાપ હરો' માનીતી લોકમાતાના મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ (મૂળ તાપી)માં જન્મસ્થાન ધરાવતી લોકમાતા 724થી વધુ કિલોમિટરની સફર ખેડીને સુરતમાં પ્રવેશ કરે છે અને પછી દરિયામાં સમાઇ જાય છે. મૂલ્તાઇમાં જન્મ બાદ એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને સુરત આવે છે. ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓ માટે લોકમાતા તાપી નદી ભારે મહાત્મ્ય ધરાવે છે.
 
 
સુરત પાસેનું ફુલપાડા ગામ અતિ પુરાણું અને પ્રાચીન છે. જ્યાં મનુષ્ય દેહે સંવરણ રજા અને તૃપ્તિ અર્થાત તાપીનું મીલન થયું હતું અને વારિતાપ્ત અર્થાત વરિયાવ ગામમાં તેમનો લગ્નોત્સવ થયો હતો. જેમાં મહામંડલેશ્વર વશિષ્ટજી આપ્યા હતાં અને લગ્નવિધિ સંપન્ન કરી હતી. આ કારણે વરિયાવ સંવરણેશ્વર તરીકે ઓળખાય છે. સંવરણ રાજાને લઘુરાણી સુલોચના થકી જે પુત્ર થયો તેનુ નામ ‘તપસ’રાખ્યું અને ભગવતી તૃપ્તિને પુત્ર થયો જેનું નામ ‘કુરુ’રાખવામાં આવ્યું. કૌરવો-પાંડવો કુરુવંશમાં થયા હતા.
 

 
અન્ય એક કથા મુજબ ગૌતમ ઋષિના શાપથી જ ભગવતી તૃપ્તિ અને સંવરણને દેવભૂમિ છોડીને મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. અહીં કુરુક્ષેત્રની ભૂમિ આ પૌરાણિક-કથા સાથે સંબંધ ધરાવે છે. તપસ અને કુરુ બંને ભાઇના ઝઘડા વખતે વરિષ્ઠ મુનિશ્રીએ કહ્યું તપસ ગાદી પર બેસે અને વંશનું નામ કુરુ રહે અને સમાધાન થયું પણ કુરુએ પ્રબળ તપ કર્યું. જેના કારણે માતા તૃપ્તિએ દર્શન આપ્યા અને કુરુએ માતાને કાયમ અહીં જ વાસ કરો તેવી માંગણી કરી અને માતાએ તેમાં સંમતિ પણ આપી. આ મહાન તપોભૂમિ રાંદેર ગામથી અઢી માઈલના અંતરે આવેલી છે જેને કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે. એ જ સ્થળને ગુજરાતના પ્રખત સંતશ્રી મોટાએ પોતાની તપોભૂમિ બનાવી ધ્યાનનું કેન્દ્ર બનાવી હરિઓમ આશ્રમની સ્થાપના કરી.