બચત પણ સ્વાદ પણ, વધેલા શાક, રોટલી, ભાતમાંથી બનાવો નવી રેસિપી

11 Jun, 2015

ઘરમાં અવારનવાર શાક, ભાત, રોટલી, ઈડલી, બ્રેડ વગેરે વધી પડતું હોય છે. વાસી પડેલા આ શાક, રોટલી કે બીજી વસ્તુને ઘરના ખાવાનું ટાળતા હોય છે. જેના કારણે એક તો વસ્તુઓ તો બગડે જ તેની સાથે સાથે બીજી રસોઈની મહેનત પણ પડે છે. પરંતુ જો આ જ વધેલી વસ્તુઓને થોડા ટ્વીસ્ટ સાથે નવી રેસિપીમાં ફેરવી નાંખવામાં આવે તો વસ્તુઓ પણ ફેંકી ન દેવી પડે અને ઘરના લોકો તેને હોંશે હોંશે ખાશે પણ ખરા.
 
જો કે આ વધેલી વસ્તુઓ વાસી અને ખરાબ ન થઈ ગઈ હોય તે ખાસ ધ્યાન રાખવું. બપોરના વધેલા શાક-રોટલી કે એવી વસ્તુને સાંજના ભોજનમાં ટ્વિસ્ટ કરીને નવી રેસિપી સાથે સર્વ કરી શકાય. પણ બને ત્યાં સુધી એક દિવસની વાસી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું. કારણ કે આ હેલ્થનો પણ સવાલ છે. આજે અમે તમારે માટે આવી જ કેટલીક ટ્વિસ્ટ રેસિપી લાવ્યા છીએ. જે તમે ઘરે એકવાર તો ચોક્કસ ટ્રાય કરી જ શકો છો.

બ્રેડ ઉપમા
 
સામગ્રી
 
5 સ્લાઈસ બ્રેડના નાના ટુકડા
1 લીલુ મરચું સમારેલુ
1 ડુંગળી
1 ટમેટું
½ ચમચી આદુ પેસ્ટ
8-10 મીઠા લીમડાના પાન
¼ વાટકી સમારેલી કોથમીર
½ ચમચી હિંગ
½ ચમચી જીરૂ
½ ચમચી રાઈ
બનાવવાની રીત
 
એક પેનમાં તેલ ગરમ કરો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ અને જીરૂ નાંખો. ત્યારબાદ પેનમાં સમારેલી ડુંગળી, લીલુ મરચુ અને મીઠા લીમડાના પાન ઉમેરો. પછી સમારેલા ટમેટાને ઉમેરી 5 મિનીટ પાકવા દો. આ બધુ પાકી જાય પછી પેનમાં બ્રેડના ટુકડા ઉમેરો. એક-બે મિનીટ સુધી તેને મિક્સ કરી ગેસ પર રાખો. તૈયાર છે બ્રેડ ઉપમા. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

ભરેલી રોટી
 
સામગ્રી
 
4 રોટલી
1 વાડકી બારીક સમારેલી કોબી
½ વાડકી સમારેલુ ગાજર
½ વાડકી સમારેલુ કેપ્સિકમ
¼ વાડકી સમારેલી લીલી ડુંગળી
½ વાડકી પીઝા સોસ
¼ નાની ચમચી મરી પાઉડર
½ વાડકી ચીઝ
મીઠુ સ્વાદ અનુસાર
તેલ કોબીજ તળવા માટે
½ ચમચી ચીલી સોસ (ઈચ્છો તો)
 
બનાવવાની રીતઃ
 
બધી શાકભાજીને બારીક સમારી લો. હવે એક પેન લો તેમાં થોડુ તેલ રેડો. તેલ ગરમ થાય એટલે બધી સબ્જી નાંખીને સારી રીતે ફ્રાઈ કરી લો. તમે આમાં તમારી મનપસંદ કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. 3-4 મીનીટ ગેસ પર તેને ફ્રાય કરો પછી તેમાં મરી પાઉડર, ચીલી સોસ અને મીઠુ ઉમેરો અને થોડીવાર પકાવ્યા બાદ તેને કાઢી લો. ભરવા માટે સબ્જી તૈયાર છે. (તમે ઈચ્છો તો આ સબ્જી બનાવવાના બદલે ઘરમાં તૈયાર બનેલુ કોઈ સુકુ શાક પણ લઈ શકો છો)
 
હવે પેનને તેલ લગાવીને ચીકણું કરો. તે ગરમ થઈ જાય એટલે તેના પર રોટલી મુકી તેને શેકી લો. જ્યારે તે એક સાઈડ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે આ જ રીતે બીજી રોટલી શેકી લો. જ્યાં સુધી તે શેકાય છે ત્યાં સુધી તમે પહેલી રોટલી પર પિઝા સોસ લગાવી દો. જે બાજુ રોટલી શેકી છે એ બાજુ સોસ લગાવવો. પછી તેના પર સબ્જી ફેલાવી દો અને તેના પર ચીઝ ઉમેરી દો. હવે બીજી રોટલીને લઈને તે જે સાઈડ શેકાયેલ છે એ સાઈડને ચીઝ પર ગોઠવી દો. ઉપર તેલ લગાવી દો. હવે આ ભરેલી રોટલીને પેનમાં તેલ મુકી બન્ને બાજુ કરકરી થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે તમારી ભરેલી રોટલી. તેને પિઝા કટરથી કાપીને ગરમા ગરમ સર્વ કરો.

ફટાફટ સેન્ડવીચ
 
સામગ્રી
 
½ વાડકી કોઈપણ સુકુ શાક
6 બ્રેડ
1 મોટો ચમચો ટોમેટો સોસ
ઘી અથવા તેલ શેકવા માટે
1 ચમચો કોથમીરની ચટણી
 
બનાવવાની રીત
 
3 બ્રેડ લો. એક બ્રેડ પર સોસ લગાવો, બીજી પર લીલી ચટણી લગાવો (જો તમારી પાસે લીલી ચટણી ન હોય તો તેના વિના પણ સેન્ડવીચ બની શકે છે) અને ત્રીજી પર તમારી પાસે જે પણ શાક પડ્યુ હોય તે ફેલાવી દો. આ ત્રણેય બ્રેડને એકબીજા પર યોગ્ય રીતે ગોઠવી દો.
હવે તવાને ગેસ પર મુકો તે ગરમ થાય એટલે તેના પર ઘી કે તેલ લગાવીને ચીકણો કરો. તેના પર બ્રેડ પર પણ બન્ને ઘી કે તેલ લગાવી દો. હવે આ બ્રેડને બન્ને બાજુ સારી રીતે હળવા હાથે દબાવતા શેકો. બ્રેડ કરકરી થઈ જાય ત્યાં સુધી શેકો. પછી તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે. ઝટપટ સેન્ડવીચ.

બ્રેડ રોલ
 
સામગ્રી
 
1 બાફેલુ બટાટા અથવા એક વાડકી કોઈપણ સુકુ શાક
2 પીસ તાજી બ્રેડ ( બ્રેડ વાસી હશે તો બ્રેડ રોલ સારા નહીં બને)
1 ચમચો બારીક સમારેલ કોથમીર
1 બારીક સમારેલું લીલુ મરચુ
મીઠુ સ્વાદ અનુસાર
½ ચમચી લાલ મરચું પાઉડર
¼ ચમચી ગરમ મસાલો
¼ આમચૂર પાઉડર
½ કપ પાણી બ્રેડને નરમ બનાવવા માટે
તળવા માટે તેલ
 
બનાવવાની રીત
 
બાફેલા બટાટાનો છુંદો કરી તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, બારીક સમારેલુ મરચુ, સમારેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. (અથવા તો કોઈ પણ બનાવેલુ સુકુ શાક લઈ લો. હવે બ્રેડના ચારમાંથી વધુ કડક હોય તે બે કિનારી કાપી દો. બ્રેડની ચારેય કિનારીને કાપવાની કોઈ જરૂર નથી. માત્ર બે જ પુરતી છે. પછી બ્રેડને પાણીમાં ડુબાડો. જો કે બ્રેડ બહુ પાણી ન શોષે તે ખાસ ધ્યાન રાખવું. પછી હળવા હાથે બ્રેડને દબાવી વધારાનું પાણી કાઢી નાંખો. હવે આ બ્રેડમાં બટાટાનું મિશ્રણ કે સુકુ શાક ભરી દો. પછી બ્રેડને હળવા હાથે રોલ કરીને પેક કરી દો. મિશ્રણ ક્યાંયથી બહાર ન આવે તે ખાસ ધ્યાન રાખો. તૈયાર છે બ્રેડ રોલ.
 
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી બ્રેડ રોલને તળી લો. બ્રેડરોલ સોનેરી રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તેને ખાટી-મીઠી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

સ્ટફ્ડ પરાઠા
 
સામગ્રી
 
લોટની કણક માટે
1 કપ ઘઉંનો લોટ
1 ½ ચમચા તેલ
મીઠુ સ્વાદ અનુસાર
લોટની કણક બાંધવા માટે દુધ
2 વાડકી કોઈપણ સુકુ શાક
 
બનાવવાની રીતઃ
 
એક વાસણમાં લોટ લો. તેમાં મિઠુ મિક્સ કરો મોણ માટે તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં ધીમે-ધીમે દુધ ઉમેરતા લોટ બાંધી લો. હવે આ લોટને 15 મિનીટ ઢાંકીને સાઈડમાં મુકી દો. 15 મિનીટ પછી એ લોટમાં લુવા બનાવીને રોટલી બનાવી લો. હવે ગેસ પર તવો ગરમ કરવા મુકો. ગરમ થઈ જાય એટલે તવા પર તેલ લગાવીને રોટલી મુકો. આ રોટલીની વચ્ચે અડધા ભાગમાં શાક પાથરી દો. બાકીનો અડધો ભાગ ઉપર વાળી દો. આ દરમિયાન નીચેની બાજુથી રોટલી શેકાઈ જાય તો ઉપરના ભાગને હળવા હાથે પલટીને નીચેની તરફ લઈ જઈને શેકી લો. તૈયાર છે સ્ટફ્ડ પરાઠા.