લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ અવરોધાય છે

22 Aug, 2018

જો તમે ઓફિસમાં સિટિંગ જોબ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે. જેના કારણે ઘાતક પરિણામ આવી શકે છે. ઓફિસમાં કામ કરતાં લોકો પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી બેસી રહેવું મગજના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેનાથી બચવા જો તમે દર અડધા કલાકે ઊભા થઈને સહેજ ચાલો તો મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે.


લોહીના પરિભ્રમણથી મગજ રહે છે હેલ્ધી
મગજમાં લોહીનું પરિભ્રમણ થવું આપણાં શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જે જીવન જીવવા માટે જરૂરી પણ છે. આનાથી જ મગજ પ્રોપરલી કામ કરી શકે છે. મગજની કોશિકાઓને ઓક્સીજન અને પોષક તત્વોની જરૂર હોય છે. જે લોહીના પરિભ્રમણથી મળે છે. આ સિવાય મગજમાં કેટલીક અન્ય મોટી લોહીની નળીઓ પણ હોય છે જે ખોપરીના ભાગમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. પણ એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

લોહીના પરિભ્રમણમાં અવરોધથી થઈ શકે છે મગજની બીમારીઓ

આ પહેલાં મનુષ્યો અને પ્રાણીઓ પર થયેલી એક સ્ટડી મુજબ મગજમાં લોહીના પરિભ્રમણમાં થોડો પણ અવરોધ પેદા થાય તો વિચારવાની અને સમજવની ક્ષમતા અને મેમરી પર ખરાબ અસર થાય છે. ત્યાં લાંબા સમય સુધી લોહીના પરિભ્રમણમાં અવરોધ આવવા પર મગજ સંબંધી મોટી બીમારીઓ થવાનો ખતરો પણ વધી શકે છે. તેનાથી ડિમેન્શિયા અને મેમરી લોસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાને લઈને ઘણાં સંશોધન થઈ ચૂક્યા છે. તેમાં જણાવ્યા પ્રમાણે સતત બેસી રહેવાથી શરીરના બધાં જ ભાગમાં લોહીનું પરિભ્રમણ પ્રભાવિત થાય છે.

સતત એક જ જગ્યાએ બેસીને કામ કરતાં લોકોનું બ્લડ સર્ક્યુલેશનને ટ્રેક કર્યું

ઈંગ્લેન્ડની Liverpool John Moores Universityમાં થયેલાં રિસર્ચમાં સંશોધકોએ ઓફિસમાં કલાકો સુધી એક જ સ્થાન પર બેસીને કામ કરતાં 15 લોકો પર રિસર્ચ કર્યું. આ લોકોએ સતત 4 કલાક એક જ જગ્યાએ બેસીને કામ કર્યું. માત્ર બાથરૂમ જવા માટે જગ્યાએથી ઊભા થતાં હતા. સંશોધકોએ આ લોકોના દરેક બ્રેક પહેલાં અને પછીના બ્લડ સર્ક્યુલેશનને ટ્રેક કર્યું. 4 કલાક પૂરા થયા બાદ પણ લોહીના પરિભ્રમણનું સ્ટડી કરવામાં આવ્યું. જેમાં સતત 4 કલાક બેસીને કામ કરતાં લોકોના મગજમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ ગયું હતું અને જ્યારે બ્રેક માટે 2 મિનિટ ઊભા થયા ત્યારે બ્લડ ફ્લો વધ્યો. આ સ્ટડીને લીડ કરનાર સોફી કાર્ટરે ઓફિસમાં કામ કરતાં લોકોને થોડી-થોડીવારે ચાલવાની સલાહ આપી. તેનાથી મગજ હેલ્ધી રહેશે.