કેરળ માટે આગળ આવ્યો અંબાણી પરિવાર, જાણો કેટલા રૂપિયાની મદદ કરી

23 Aug, 2018

પૂરથી થયેલી તારાજી સામે ઝઝૂમી રહેલા કેરળની મદદ માટે દુનિયાભરના લોકો સામે આવ્યા છે. ભારતના કેટલાય રાજ્યોની સરકાર પણ આગળ આવી છે. આ સિવાય અંબાણી પરિવાર પણ મદદ માટે આગળ આવ્યો છે. મુકેશ અંબાણીના રિલાયન્સ ફાઉન્ડેશને પૂરગ્રસ્તોની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશન 51 કરોડ રૂપિયાની રાહત સામગ્રી પણ પૂરગ્રસ્તો માટે મોકલશે. આમ રિલાયન્સ ફાઉન્ડેશને 72 કરોડ રૂપિયાની મદદ કરી છે. જ્યારે ગુજરાત સરકારે 10 કરોડ રૂપિયાની મદદ કરી હતી. જ્યારે તેલગાંણા રાજ્યએ 25 કરોડની મદદ કરી હતી.

 

રિપોર્ટ્સ મુજબ રિલાયન્સની મદદ કોઈ ભારતીય કંપનીના મુકાબલે સૌથી વધુ તો છે જ, પરંતુ સાથે જ કેટલાય રાજ્યો દ્વારા આપવામાં આવેલી મદદથી પણ ઘણી વધુ છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ અંગે કહ્યું હતું કે, કેરળના લોકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફાઉન્ડેશનની ટીમ ત્યાં મુશ્કેલીમાં ફસાયેલા લોકોની દરેક સંભવ મદદ કરી રહી છે. અમે લોકોની સહાયતા માટે 21 કરોડની મદદ કરી છે.