કેરળ પૂર પીડિતો માટે રણદીપ હુડ્ડાએ કર્યું આ કામ, સોશિયલ મીડિયા પર થઇ વાહવાહી

23 Aug, 2018

કેરળના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. કુદરતી આફતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો હજુ પણ રિલીફ કેમ્પમાં છે. આફતની આ ઘડીમાં બોલિવુડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા પણ પૂર પીડિતોની મદદ માટે કેરળ પહોંચી ગયા. રણદીપે પોતાનો 41મો જન્મદિવસ (20 ઓગસ્ટ) કેરળ પૂર પીડિતોની વચ્ચે જઈને મનાવ્યો.

રણદીપ હુડ્ડા ખાલસા એન્ડ ગ્રુપ તરફથી કેરળમાં લોકોની મદદે પહોંચ્યા. આ ગ્રુપ સાથે મળીને રણદીપે પૂર પીડિતો માટે લંગર રાખ્યું. દરમિયાન રણદીપે પોતે લોકોને જમવાનું પીરસ્યું. આ સિવાય પીડિતોને શેલ્ટર હોમ સુધી પણ પહોંચાડ્યા.

રણદીપની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ રણદીપને રિયલ હીરો ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે, ખાલસા એન્ડ ગ્રુપે આ પહેલા પેરિસ અટેક વખતે પણ ત્યાં રહીને લોકોની મદદ કરી હતી. આ સિવાય સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહીને પણ લોકોની મદદ કરી છે.