હવામાન વિભાગ દ્વારા જાણો આજે ક્યાં શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ?

25 Jul, 2018

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં વરસાદની જે રીતે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેમાં આંશિક રાહત મળી છે. અમદાવાદના લગભગ તમામ વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરુ થયો છે. આ તરફ વડોદરામાં રાત્રે પડેલા ધમધોકાર વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની તકલીફ સર્જાઈ છે. આ તરફ ગાંધીનગરમાં પણ વહેલી સવારથી ધીમી-ધારે વરસાદ થઈ રહ્યો છે.

 

 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા પછી મેઘરાજાની સવારી ઉત્તર અને મઘ્ય ગુજરાત તરફ આવી પહોંચી છે જેમાં વડોદરામાં ફરી એક વખત તોફાની વરસાદ નોંધાતા નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ ગાંધીનગરમાં વરસાદ બાદ વાતાવરણ રમણીય વાતવારણ બન્યું છે. વરસાદના કારણે વહેલી સવારમાં ચાલવા નીકળતા લોકોની સંખ્યા પણ પાંખી દેખાઈ હતી.
 

 
હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દમણ, વલસાડ, નવસારી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 26મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમાન્ય વરસાદ થવાની સંભાવના હવમાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ દાહોદમાં ભારે પવન ફુંકાવાના કારણે રસ્તા પર છાડ અને વીજ થાંભલા પડવાની ઘટનાથી વાહન વ્યવહાર અને વીજ સપ્લાય ઠપ થયો છે.