રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી કરી પધરામણી

17 Aug, 2018

આમ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કયાંક ધોધમાર તો કયાંક રિમઝીમ વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈન્કમટેસ, પાલડી, ઓઢવ, સારંગપુર, લાલ દરવાજા, રખીયાલ શિવરંજની સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે વેજલપુર, ઈસનપુર, મણિનગર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.

આણંદમાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. વહેલી સવારથી જ આણંદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદના પગલે કપાસ, ડાંગર, કેળ સહિતના પાકોને લાભ થશે. તો વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. ખેડાના ડાકોર, સેવાલિયા અને ઠાસરામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરના પગથિયાં સુધી વરસાદી પાણી પહોંચ્યુ હતું. બીજી તરફ, ડાકોરના નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.

વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.વડોદરામાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝાપટા પડી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.

પંચમહાલમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે.. જિલ્લામાં ગુરૂવાર મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોધરા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ આવતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.. ગોધરાની વલ્લભપાર્ક સોસાયટીના ઘરોમાં પાણી ઘુસ્તા સ્થાનિકો પરેશાન થયા છે.