પ્રિયંકા - નિક પાંચ દિવસના લગ્ન પાછળ ખર્ચશે ૪ કરોડ

27 Nov, 2018

 જોધપુર તા. ૨૭ : જોધપુરના ઉમેદભવનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર બીજી ડિસેમ્બરે ઉમેદભવનમાં લગ્ન થવાના છે. રણવીર દીપિકાની જેમ નિક-પ્રિયંકાના લગ્નમાં પણ માત્ર અંગત લોકો જ હાજરી પૂરાવશે.


એક અગ્રણી અખબારના રિપોર્ટ અમુસાર નિકના મહેમાનો સીધા જોધપુર જ ઉતરશે જયારે પ્રિયંકાના સગા સંબંધીઓ ૨૯ નવેમ્બરે જોધપુર આવશે. ૨૯ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી આલીશાન તાજ ઉમેદ ભવન પ્રિયંકા-નિક માટે આખેઆખી બુક કરાઈ છે. ડીએનએ સાથેની વાતચીતમાં હોટેલના એક સ્ટાફે જણાવ્યું કે આ દિવસ દરમિયાન એકપણ રૂમ ઉપલબ્ધ નથી. પાંચ દિવસ સુધી અમારી આખી હોટેલ બુક કરી દેવાઈ છે.લગ્ન પહેલા હલ્દી, સંગીત અને મહેંદી સેરેમની મહેરનગઢ ફોર્ટમાં યોજાશે. કપલે ૨૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ફોર્ટ બુક કરાવી લીધો છે. એટલે યાત્રીઓ આ ગાળામાં ફોર્ટની મુલાકાત નહિ લઈ શકે. પાપારાઝીઓથી બચવા માટે પ્રિયંકા ચોપરાએ ચોપર બુક કરાવ્યું છે. પ્રિયંકા-નિકના મહેમાનો હેલિકોપ્ટરમાં બેસીને જોધપુર એરપોર્ટથી હોટેલ પહોંચશે.

તાજ ઉમેદ ભવન પેલેસમાં ૬૪ લકઝુરિયસ રૂમ્સ અને સ્વીટ્સ છે. દરેક રૂમનું એક રાતનું ભાડુ ૪૭,૩૦૦ રૂપિયા છે. ઐતિહાસિક સ્વીટ્સ માટે એક રાતનું ભાડુ ૬૫,૩૦૦ રૂપિયા છે. જયારે રોયલ સ્વીટ્સ માટેનું ભાડુ ૧.૪૫ લાખ રૂપિયા, ગ્રાન્ડ રોયલ સ્વીટ્સ માટે ૨.૩૦ લાખ રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સ્વીટ્સ માટે ભાડુ ૫.૦૪ લાખ રૂપિયા પર નાઈટ છે. ગણતરી માંડો તો કપલ એક રાતના માત્ર રોકાવાના જ રૂ. ૬૪.૪૦ લાખ ભાડુ ચૂકવશે. પાંચ દિવસ માટે આખી હોટેલ બુક કરાઈ છે. એટલે કે પ્રિયંકા-નિક માત્ર એકોમોડેશન પાછળ જ રૂ. ૩.૨૦ કરોડ ખર્ચી નાંખશે.મહેરનગઢ ફોર્ટના મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું કે મહેરનગઢ ફોર્ટમાં જે સેરેમની થવાની છે તેના માટે ઉમેદભવનમાં કમસેકમ ૪૦ રૂમ બુક કરાવાયા છે. આ ઉપરાંત સેટ અપ માટે એકસ્ટ્રા ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. તેમાં લાઈટિંગ, સ્ટેજ અને બીજા ખર્ચનો સમાવેશ થાય છે. વ્યકિત દીઠ કેટરિંગનો ખર્ચ રૂ.૧૮,૦૦૦ જેટલો છે.

રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિકના લગ્નમાં ૮૦ જેટલા લોકો ભાગ લેવાના છે. ઓફિસરના જણાવ્યા મુજબ ત્રણ દિવસ ફોર્ટ પર ફંકશન કરવાના રૂ. ૩૦ લાખ રૂપિયા થશે અને કેટરિંગના રૂ. ૪૩ લાખ જેટલા ખર્ચ થશે. લગ્ન પહેલાના ફંકશનમાં જ પ્રિયંકા નિક ૭૩ લાખ રૂપિયા ખર્ચી નાંખશે.

પ્રિયંકા નિકના લગ્નમાં બધુ મેળવીને ૪ કરોડનો ખર્ચ થાય તેવી શકયતા છે. તાજેતરના સમયમાં થયેલા આ સૌથી મોંઘામાં મોંઘા લગ્ન હશે.