૨૫થી ૪૦ વરસની ઉંમરના લોકોમાંથી આશરે ૧૦ ટકા માઇગ્રેનથી પીડિત હોય છે

04 May, 2016

મુંબઈની એક વર્કિંગ લેડીને ઑફિસની ખૂબ જ અગત્યની ચર્ચામાં જ્યારે બોલવા માટે ઊભું થવું હતું ત્યારે અચાનક જ તેને તેની ડોકમાં એક પ્રકારની ખાલી ચડી ગઈ હોય એવું લાગ્યું. એ એટલી તીવ્ર હતી કે તેને લાગ્યું કે જાણે પૅરૅલિસિસની અસર થઈ ગઈ છે. થોડી મિનિટ સુધી તે કંઈ બોલી જ શકી નહીં એટલું જ નહીં, તેનું વિઝન પણ એકદમ ધૂંધળું થઈ ગયું હોય એવું તેને લાગ્યું અને જઈને પોતાની ખુરસી પર માંડ ગોઠવાઈ શકી. મીટિંગ પતવાની અણી પર જ હતી એટલે તે કંઈ પણ રીઍક્શન દીધા વગર ત્યાં જ બેસી રહી. તેને લાગ્યું કે હમણાં જ ઠીક થઈ જાય તો નાહક ઊહાપોહ કરવો નહીં. મીટિંગ પતાવી તે સીધી ડૉક્ટર પાસે ભાગી. તેને લાગ્યું કે તેને સ્ટ્રોક તો નહીં આવ્યો હોય! તેના ડૉક્ટરે તારવ્યું કે તેને સ્પૉન્ડિલોસિસ છે જે કરોડરજ્જુને લગતી બીમારી છે, પરંતુ જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ પાછી સર્જા‍ઈ ત્યારે આ સ્ત્રી સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટર પાસે ગઈ જ્યાં તેમણે જે નિદાન કર્યું એ ચોંકાવનારું હતું. આ સ્ત્રીને જે રોગનાં લક્ષણો હતાં એ નવાં લક્ષણો હતાં જેને માઇગ્રેન કહે છે.

જુદાં લક્ષણો

માથાના દુખાવાની પહેલાં કે પછી ડોક એકદમ જડ જેવી સ્ટિફ થઈ જાય અને ધીમે-ધીમે પીઠ અને ખભા પર પણ આ જડતા ફેલાય એ માઇગ્રેનનાં લક્ષણ હોઈ શકે છે. વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘માઇગ્રેન વિશે હંમેશાં ગેરસમજ વ્યાપેલી રહે છે, કારણ કે એવી કોઈ સ્પેશ્યલ ટેસ્ટ નથી જેના વડે એવું નિદાન આપી શકાય કે આ વ્યક્તિ માઇગ્રેનથી પીડાય છે. જે છે એ છે એનાં લક્ષણો, જેના વડે કહી શકાય કે માણસ માઇગ્રેનથી પીડાય છે. મોટા ભાગે એવું થાય છે કે આંખ સામેનું ચિત્ર ધૂંધળું થઈ જાય, વિઝનમાં સ્પક્ટતા એકદમ જતી રહે, વ્યક્તિને સાઇનસની અસર વર્તાય અને ભયંકર દુખાવો ચાલુ થઈ જાય. મોટા ભાગે આ સમયે દરદીઓ પેઇનકિલર્સ ખાઈ લે, બામ લગાડી દે, કોઈ સુગંધવાળા તેલનો સહારો લે, જાતભાતના ઘરગથ્થુ ઉપચાર કરે કે જેને કારણે તત્કાલીન રાહત મળી રહે. બધા પોતાની રીતે આ ભયંકર દુખાવાને મૅનેજ કરવાની ટ્રિક શોધી લેતા હોય છે, પરંતુ એનાથી લાંબા ગાળાનો કોઈ ફાયદો નથી થતો.’

વ્યાખ્યા

લગભગ બેથી ૭૨ કલાક સુધી, માથાની એક બાજુ એટલે કે જમણી કે ડાબી બાજુએ વારંવાર મધ્યમથી તીવ્ર દુખાવો આપતા અટૅક આવે, સાથે અમુક ફિઝિકલ ઍક્ટિવિટી, અવાજ, પ્રકાશ, સુગંધ જેવાં કારણોસર એ અટૅકની તીવ્રતા વધી જાય અને વળી એની સાથે ઊબકા અને ઊલટી પણ ભળે તો એને માઇગ્રેન કહે છે. ઇન્ટરનૅશનલ હેડેક સોસાયટી મુજબ આ માઇગ્રેનની વ્યાખ્યા છે. આંકડાઓ મુજબ ૨૦-૪૫ વર્ષની ઉંમરની ૧૦માંથી એક ભારતીય વ્યક્તિ માઇગ્રેનથી પીડાય છે. આ બાબતે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘નવાઈની વાત એ છે કે એમાંથી લગભગ અડધા જ લોકો ડૉક્ટરને પોતાની આ તકલીફ માટે કન્સલ્ટ કરે છે, બાકીના મોટા ભાગના લોકો ઘરગથ્થુ ઇલાજ અને પેઇનકિલર્સ પર નભે છે. આ દુખાવો સખત હોય છે, પરંતુ ક્યારેક જ આવે છે જેને લીધે મોટા ભાગના લોકો એને સહન કરતા રહે છે. મોટા ભાગે માઇગ્રેન મિડલ-એજમાં એટલે કે ૨૪-૪૦ વર્ષની અંદર થતી બીમારી છે. જેમ ઉંમર વધતી જાય એમ એની તીવ્રતા ઓછી થતી જાય છે અને ૫૦-૬૦ની ઉંમરે પહોંચ્યા પછી તો એની મેળે જ આ રોગ જતો રહે છે.’

ટેસ્ટ અને ઇલાજ

માઇગ્રેન વ્યક્તિ-વ્યક્તિએ જુદો હોય છે. માટે જ એનાં લક્ષણો પણ જુદાં હોઈ શકે છે. જરૂરી છે કે એક પણ અસામાન્ય લક્ષણને લઈને ગફલતમાં રહ્યા વગર ડૉક્ટર પાસે જઈને તેમની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ જેમ કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન, મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) કરાવી, સંપૂર્ણ ફૅમિલી-હિસ્ટરી જણાવીને તમને થતાં જે પણ લક્ષણો છે એનું વ્યવસ્થિત વર્ણન કરીને ડૉક્ટર પાસેથી યોગ્ય નિદાન લેવું અત્યંત જરૂરી છે. જ્યારે માઇગ્રેનનું નિદાન થાય પછી શું આપણી પાસે એવો ઇલાજ છે જેનાથી એને અટકાવી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘માઇગ્રેનના અટૅકથી ચોક્કસ છુટકારો મેળવી શકાય છે, જેના માટે દરદીને માફક આવે એવી દવા તેને આપવી જરૂરી છે. ઘણા દરદીઓને એક જ તો ઘણાને જુદી-જુદી દવાનું કૉમ્બિનેશન આપવું પડે છે. જરૂરી નથી કે એક વ્યક્તિ પર જે દવા કામ લાગી એ બધા પર કામ લાગે. એક વખત દવા માફક આવી ગઈ અને એ સાચા સમયે દરદીએ લઈ લીધી તો ચોક્કસપણે દરદીને માઇગ્રેનના અટૅકથી બચાવી શકાય છે.’

બીજા રોગો અને માઇગ્રેન

માઇગ્રેનના બે-તૃતીયાંશ કેસ પાછળ ફૅમિલી-હિસ્ટરી જવાબદાર હોઈ છે. આ ઉપરાંત હૉર્મોનનું બૅલૅન્સ ખોરવાઈ ત્યારે પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. મુંબઈ જેવા શહેરમાં આજે માઇગ્રેન જેવા રોગનું વધતું પ્રમાણ ચિંતાકારક છે એની પાછળ દરરોજ વધતો માનસિક તનાવ જવાબદાર છે. માઇગ્રેનનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. અમુક એવા રોગો છે જેને કારણે અથવા જેની સાથે માઇગ્રેન થવાની શક્યતા રહે છે એ વિશે જણાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘હેલ્ધી ડાયટ હોવા છતાં જે વ્યક્તિનું વજન જરૂર કરતાં ઓછું કે જરૂર કરતાં વધારે હોય, સતત થાક લાગતો હોય, વૉટર રિટેન્શનની તકલીફ રહેતી હોય, સાંધામાં સોજો રહેતો હોય, સાંધાનો દુખાવો હોય કે રૂમૅટૉઇડ આથ્રાર્રાઇટિસ હોય, મોઢામાં વારંવાર અલ્સર થઈ જતાં હોય, ગભરામણ કે જમ્યા પછી ખૂબ ધબકારા વધી જતા હોય, પાચન સંબંધિત કોઈ સમસ્યા રહેતી હોય, સવારે ઊઠો ત્યારે માંદા હો એવું લાગતું હોય, ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીની તકલીફ હોય, વગર કારણે એકદમ જ પરસેવો વળી જતો હોય તો એવી વ્યક્તિને આ તકલીફોની સાથે-સાથે માઇગ્રેન થવાની પૂરી સંભાવના રહે છે.’

ટ્રિગર્સ

અમુક ટ્રિગર્સ છે જેને લીધે માઇગ્રેનનો દુખાવો શરૂ થઈ શકે છે જે નીચે મુજબ છે. માટે જેને માઇગ્રેન હોય તેણે આ બધાં ટ્રિગર્સથી બચીને રહેવું.

૧. સ્ટ્રેસ હોવું અથવા બિલકુલ ન હોવું

૨. ખૂબ વધારે અથવા ખૂબ જ ઓછી ઊંઘ

૩. હવામાનમાં ફેરફાર

૪. શારીરિક અસહ્ય થાક

૫. વધુપડતું સ્મોકિંગ

૬. સ્ત્રીઓના હૉર્મોનલ લેવલમાં ફેરફાર

૭. અવાજ

૮. ગરમી

૯. પ્રકાશ

૧૦. વધુ સમય ભૂખ્યા રહેવું કે ઉપવાસ

૧૧. કોલા ડ્રિન્ક્સ, ચૉકલેટ, ચીઝ, ખાટાં ફળો, કૉફી, ચાઇનીઝ ફૂડમાં વપરાતું મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG), વધુ મીઠાયુક્ત સ્નૅક્સ, આર્ટિફિશ્યલ સ્વીટનર્સ કે આથાવાળા ખોરાકનું સેવન.