શું હવેથી વડોદરા માં પાણી પુરી નહીં મળે ? જાણો આરોગ્ય વિભાગનો ચોંકાવનારો નિર્ણય

27 Jul, 2018

પાણીપુરીનું નામ સાંભળતા જ તમારામાંથી મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હશે. ગુજરાતીઓ અને ખાસ કરીને શહેરી વિસ્તારના લોકોમાં પાણીપુરી માટે ભારે ક્રેજ જોવા મળે છે. પરંતુ લારી પરની પાણીપુરી તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગોથી થતા કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે આવા કેસોને ઘટાડવા દ્વારા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા વડોદરામાં ખોડિયારનગર, સુદામા નગર, તુલસીવાડી, હાથીખાના સહિતના વિસ્તારોમાં પાણીપુરીના સેન્ટર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન મોટા પ્રમાણમાં પકોડી, બટાટા-ચણા, અખાદ્ય તેલ અને એસિડયુક્ત પાણી જપ્ત કરી જથ્થોનો નાશ કર્યો હતો. ઉપરાંત વડોદરા શહેરમાં શુક્રવારથી જ પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. બાદમાં અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવતા જમાલપુર અને લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને અખાદ્ય પકોડીના જથ્થાનો નાશ કર્યો હતો.
 

 
સુરતની આરોગ્ય વિભાગની ટીમે ઝુંપડપટ્ટી વિસ્તારમાં બનતી પાણીપુરીને સેન્ટરો પર દરોડ પાડ્યા હતા. શહેરના ઉધના, પાંડેસરા, નાનપુરા, હિઝડાવાડ સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તવાઈ કરાઈ હતી. જે દરમિયાન ગંદા પાણી, સડી ગયેલા બટાટા, માખોથી ગણગણતો બટાટાનો માવો મળી આવ્યો હતો.કોઈપણ પ્રકારની સાવચેતી વિના બનાવાતી આ પાણીપુરી ખાનારી વ્યક્તિને બીમાર કરી શકે છે. માખીઓથી બણબણતી જગ્યા, ગંદુ તેલ, સડેલા બટાટા અને ચણા સહિતની સામગ્રીથી બનાવેલી પાણીપુરીથી ટાઈફોઈડ, કમળો અને ફૂડ પોઈઝનિંગ જેવી બિમારી થઈ શકે છે.