આવતા ડિસેમ્બરમાં મૈંને પ્યાર કિયાની સિલ્વર જ્યુબિલી, ફિલ્મ ફરી રિલીઝ થશે

10 Dec, 2014

આવતા વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ ૨૫ વર્ષ પૂરાં કરશ્ો અને એ નિમિત્તે આ ફિલ્મને ફરી રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

આ ફિલ્મથી ડિરેક્શનના ક્ષેત્રે પ્રવેશેલા સૂરજ બડજાત્યા પોતાની પહેલવહેલી ફિલ્મની સિલ્વર જ્યુબિલીની ઇવેન્ટને ભવ્ય બનાવવાનું વિચારી રહ્યા છે. ફિલ્મને નવી પ્રિન્ટ સાથે રિલીઝ કરવામાં આવશે અને એ ઉપરાંત ફિલ્મને લગતી જુદી-જુદી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં મૂકવામાં આવશે. સલમાન ખાને ૧૯૮૮માં ‘બીવી હો તો ઐસી’ ફિલ્મના સપોર્ટિંગ રોલ સાથે બૉલીવુડમાં પગ મૂકેલો અને ૧૯૮૯માં આવેલી ‘મૈંને પ્યાર કિયા’ હીરો તરીકેની તેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની હિરોઇન ભાગ્યશ્રીની પણ આ પહેલી જ ફિલ્મ હતી. સૂરજ બડજાત્યા અત્યારે સલમાન સાથે ‘પ્રેમ રતન ધન પાયો’ બનાવવામાં બિઝી છે અને એમાંથી પરવારીને ‘મૈંને પ્યાર કિયા’ની ઉજવણીની તૈયારીઓ શરૂ કરશે.