Video: ગુજરાતી લોકગીતમાં પણ છવાયો રીમેકનો ટ્રેન્ડ!

10 Oct, 2015

આપણા કાને ઘણી વખત એવા જૂના ગીતો કંઇક નવા જ અંદાજમાં આવી જતા હોય જેને ખરેખર આપણે ઓળખી પણ નથી શકતા. અને જો ઓળખી જઇએ તો ક્યારેક આપણને એવું પણ થઇ આવે છે કે 'આના કરતા તો જૂનું ગીત મસ્ત હતું!' મિત્રો આપણા ગુજરાતી લોકગીતના રીમિક્સ ખૂબ જવલ્લે જોવા કે સાંભળવા મળે છે. રીમિક્સ બન્યા હશે પરંતુ તે લોકોના દીલમાં ઘર નહીં કરી શક્યા હોય. એટલે સમયની સાથે તે વિસરાઇ જાય છે. પરંતુ હાલમાં જ યુટ્યૂબ પર ગુજરાતી ગાયક અને સંગીતકાર પીયુષ સોની દ્વારા રીમિક્સ કરવામાં આવેલ ગુજરાતી લોકગીતનો વીડિયો સોંગ ફરતો થયો છે, અને તે લોકોના ખૂબ પસંદ પણ પડી રહ્યો છે. કારણ કે તે મોટાભાગના રીમિક્સની જેમ પકાઉ નથી.

'મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે...' આ ગુજરાતી લોકગીત તમે ક્યારેક સાંભળ્યું હશે, જેને સૌથી પહેલા કોકીલકંઠી દિવાળીબેન ભીલે ગાયું હતું. આ લોકગીતને ગુજરાતી સંગીતકાર પીયુષ સોનીએ રીમિક્સ કર્યું છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયો સોંગ હાલમાં યૂટ્યુબ પર મૂકવામાં આવ્યો છે. આ ગીત પીયુષ સોનીના નવા આલબમ 'મારે ટોડલે બેઠો રે મોર..'નું છે. પીયુષ સોનીએ આ ગીતને જાતે રીમેક કર્યું છે, તેને ગાયું પણ છે અને વીડિયો સોંગમાં અભિનય પણ કર્યો છે. આ ગીત સાંભળીને તમે પણ ગાઇ ઉઠશો કે મારે ટોડલે બેઠો રે મોર....

Loading...

Loading...