ફેમસ સિંગર મીકા સિંહના ઘરમાંથી ૩.૨૫ લાખની ચોરી, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર ઉપર શંકા

31 Jul, 2018

ઓશવારા સ્થિત એપાર્ટમેન્ટમાંથી ૩.૨૫ લાખની જ્વેલરી અને રોકડની ચોરી થઈ

બોલીવુડના ફેમ્સ સિંગર મીકા સિંહના ઘરમાં ચોરી થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમના ઓશવારા સ્થિત એપાર્ટમેન્ટમાંથી ૩.૨૫ લાખની જ્વેલરી અને રોકડની ચોરી થઈ છે. આ ઘટના પછી ઓશવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, સાંજે ૩ થી ૪ વાગ્યા દરમિયાન ચોરી થઇ હતી. તેથી મીકા સિંહના ઘરે કામ કરતા અને તે સમયે તેના ઘરે આવનાર લોકોની પૂછપરછ ચાલી રહી છે.

૨૭ વર્ષના અંકિત વાસન નામના જે વ્યક્તિ પર શંકા દર્શાવવામાં આવી છે તે દિલ્હીનો રહેવાસી છે. તે મીકા સિંહના પ્રોજેક્ટસ અને લાઇવ શોને ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે. જણાવાયું છે કે મીકા સાથે તે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરી રહ્યો છે. ઓશવારા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું કે મીકાના મેનેજર દ્વારા તેમને માહિતી આપવામાં આવી છે કે ચોરીની ઘટના પછી અંકિત લાપતા છે.

પોલીસે જણાવ્યું કે અંકિત મીકાના અંધેરી સ્થિત સ્ટુડિયો નજીક રહેતો હતો. અને તે મીકાના ઘર અનેક વખત આવતો હતો તેથી તેને કોઇ રોક-ટોક પણ ન હતી. પોલીસે જણાવ્યું કે બિલ્ડિંગના વોચમેન પણ સસ્પેક્ટ સાથે પરિચિત છે અને તેથી તેણે ક્યારેય પણ અંકિતની રોક-ટોક નહતી કરી. ઓશિવરા પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર શૈલેશે જણાવ્યું કે, આ કેસમાં અંકિત વિરૂદ્ધ ભારતીય સંહિતાની ૩૮૨કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે અને પોલીસ તેની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે આ કિસ્સામાં મીકા તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.