IPL2017ની હરાજીમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરો છવાઈ ગયા

21 Feb, 2017

બેંગલુરુ – ઈન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝન માટેની હરાજીમાં આ વખતે ઈંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સ હોટેસ્ટ પરચેઝીસ રહ્યા છે.

ભારત માટે નિરાશાજનક સમાચાર એ છે કે વડોદરાનિવાસી ઈરફાન પઠાણ અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને કોઈ ટીમે ખરીદ્યા નથી.

એવી જ હાલત દક્ષિણ આફ્રિકાના નંબર-1 T20 ઈન્ટરનેશનલ બોલર ઈમરાન તાહિરની થઈ છે. એ પણ ક્યાંય વેચાયો નથી.

મહેન્દ્ર સિંહ ધોનીને રવિવારે ટીમના કેપ્ટનપદેથી દૂર કરનાર રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સે સ્ટોક્સને રૂ. 14.50 કરોડની સૌથી ઉંચી બોલી લગાવીને ખરીદ્યો છે. પુણે ટીમની બોલી સામે મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદનો પરાજય થયો છે.

પુણે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે અમારી વ્યૂહરચના સફળ થઈ છે. અમે ટીમમાં એક અવ્વલ દરજ્જાનો ઓલરાઉન્ડર લેવા ઈચ્છતા હતા.

ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર મિલ્સ પણ હોટ પ્રોપર્ટી સાબિત થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એને રૂ. 12 કરોડમાં ખરીદ્યો છે.

સ્ટોક્સના લિમિટેડ ઓવર્સના કેપ્ટન ઓઈન મોર્ગનને રૂ. બે કરોડની બેઝ પ્રાઈસ પર કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો છે તો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ રૂ. 4 કરોડમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો થયો છે.

સ્ટોક્સ અને મિલ્સ IPLમાં પ્રથમ વખત જ ભાગ લેશે.

ભારતના નવોદીત ખેલાડી વરૂણ એરોનને પણ કિંગ્સ ઈલેવન પંજાબે રુપિયા 2 કરોડ 80 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે ચેતેશ્વર પૂજારા, મનોજ તિવારી, ઈરફાન પઠાણ અને ઇશાંત શર્માનું કોઈ ખરીદાર ન મળ્યું. રાજસ્થાનના નાથુ સિંહને ગુજરાત લાયન્સે રુપિયા 50 લાખમાં ખરીદ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાનની કિસ્મત ચમકી ગઈ છે. રાશીદને 4 કરોડ જેટલી માતબર રકમથી ખરીદવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ટીમમાંથી ફેંકાઈ ગયેલા ફાસ્ટ બોલર મુનાફ પટેલને એના ગૃહ ફ્રેન્ચાઈઝ ગુજરાત લાયન્સે રૂ. 30 લાખમાં ખરીદ્યો છે તો એટલી જ રકમમાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ઝારખંડના બેટ્સમેન સૌરભ તિવારી અને શ્રીલંકાના બેટ્સમેન અસેલા ગુણરત્નેને રૂ. 30-30 લાખમાં ખરીદ્યો છે.