ગુજરાતના આ શહેરોમાં પડશે સાંબેલાધાર વરસાદ, જાણો તમારા શહેરમાં કયારે પડશે જોરદાર વરસાદ ?

11 Jul, 2018

 છેલ્લા કેટલાક દિવસથી દેશની આર્થિક રાજધાની મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ વરસાદનું આ જોર ગુજરાતના અન્ય ભાગોમાં ના બરાબર હતું. લોકો ભારે આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ હવે અપર એર સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદની આગાહી કરી છે. 11 જુલાઇથી આગામી 5 દિવસ સુધી ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

 

 

 

 

 

બંગાળની ખાડીમાં સર્જાતુ લો-પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવે છે. લો-પ્રેશરની સિસ્ટમ ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઇને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પહોંચે છે. પરંતુ, આ વર્ષે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ દેશનાં ઉત્તર ભાગમાં ખેંચાતા દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ પડ્યો નથી. પરંતુ, મુંબઇ અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું સેરઝોન મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી 11 થી 16 જુલાઇ દરમિયાન ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શકયતા છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ વરસાદની શકયતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, હાલ અમદાવાદમાં માત્ર ઝરમર વરસાદ પડવાની જ આગાહી કરવામાં આવી છે. 14મી જુલાઈ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિશેષજ્ઞનાં જણાવ્યાં મુજબ, દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યનાં અન્ય ભાગોમાં વરસાદ માટે બંગાળની ખાડીનું લો-પ્રેશર કારણભૂત છે, પરંતુ આ વખતે લો-પ્રેશર સક્રિય ન થતાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં વરસાદ પડ્યો નથી.

તંત્ર સાબદું

અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની કુલ-15 ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે 1-1 જ્યારે ગાંધીનગર ખાતે 3 અને વડોદરામાં 6 ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મૃત્યું થઈ ચુક્યાં છે.