સમગ્ર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

16 Jul, 2018

 ગુજરાત રાજ્યમાં આવતા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ, ડાંગ, તાપી, ભરુચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં વધુ વરસાદની શક્યતાને જોતા રાહત અને બચાવ કામગીરી માટે હાલ એનડીઆરએફની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત, વધુ પાંચ ટીમો પણ ગુજરાતમાં આવી રહી છે. રાજ્ય સરકારે એરફોર્સને પણ મદદ માટે જરુર પડ્યે તૈયાર રહેવા માટે જણાવી દીધું છે. દરેક જિલ્લામાં તેમજ રાજ્યકક્ષાએ ગાંધીનગરમાં પણ 24 કલાક કંટ્રોલ રુમો શરુ કરી દેવામાં આવ્યા છે.


ખુદ સીએમ રુપાણી અને મહેસૂલ મંત્રી કૌશીક પટેલ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલાક સ્થળોએ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પીએમ મોદી પણ 20મી તારીખે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના કાર્યક્રમમાં વરસાદને લીધે કોઈ ફેરફાર કરવાનો છે કે કેમ તે અંગે પણ સરકાર ટૂંકમાં નિર્ણય લઈ શકે છે.


સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, અને ડેમોમાંથી પાણી છોડાતા કેટલાક વિસ્તારોમાં ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે.

Loading...

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મીટર ગેજ સેક્શનની તમામ ટ્રેનોને પણ 17 જુલાઈથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ રુટની તમામ ટ્રેનો બંધ રહેશે. આ સેક્શનમાં અમરેલી-વેરાવળ-અમરેલી, જુનાગઢ-અમરેલી-જુનાગઢ, દેલવાડા-વેરાવળ-દેલવાડા, દેવલાડા-જૂનાગઢ-દેલવાડા ટ્રેનોનો સમાવેશ થાય છે.

Loading...