અનામતનું કોકડુ વધારે ગુંચવાય તેવા એંધાણ, હાર્દિક સામે આ સમાજે ચડાવી બાંયો

12 Sep, 2018

 એક તરફ હાર્દિક પટેલ પાટીદાર અનામતની માંગ સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એસસી,એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા અનામત મુદ્દે અધિક જીલ્લા કલેકટરને આવેદન આપી અનામતમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ન કરવા રાજ્યસરકારને અપીલ કરી છે.

સાબરકાંઠાના હિંમતનગરના ટાવર ચોકમાં આજે અનામત બચાવોના નારા હેઠળ એક રેલી યોજી જીલ્લા નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું.ઓબીસી,એસસી,એસટી એકતા મંચ હેઠળ યોજાયેલી રેલીમાં એસસી,એસટી અને ઓબીસી સમાજના લોકોએ ભેગા થઇ ટાવર ચોક વિસ્તારથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતા નીકળ્યા હતા.

 

 

જે બહુમાળી ભવન ખાતેની જીલ્લા કલેકટર કચેરી સુધી પહોચી હતી.જેમાં ઠાકોર સેના,એસસી એસટી સમાજના આગેવાનો સહીત ઓબીસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ અનામતમાં કોઇપણ પ્રકારનો સુધારો કે વધારો ન કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. તેમજ 49 ટકા અનામતમાં 129 જાતિ સિવાય અન્ય કોઈ જાતીનો સમાવેશ ન કરવા ઉગ્રપણે રજૂઆત કરી હતી. તેમજ જો કોઈ ફેરફાર કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

 

source : sandesh.com