ગુજરાતના પ્રવાસનમાં વધુ એક સુંદર સ્થળ ઉમેરાર્યું : રૂદ્રમાતા ડેમ ખાતે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન

27 Jul, 2018

પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલા કચ્છના પ્રવાસન સ્થળોમાં વધુ એક મોરપીંછ ઉમેરાઈ રહ્યું છે. કચ્છ સરહદી વિસ્તાર હોવાની સાથે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામતો પ્રદેશ બન્યો છે. તેમાં ભુજ પાસેના રૂદ્રમાતા ડેમ ખાતે રાજ્યના સૌથી મોટા સાંસ્કૃતિક વન રક્ષક વન ખુલ્લું મૂકાશે. ઉલ્લેખનીય છે કે કચ્છની નવી ઓળખ બનેલા રણોત્સવ યોજાય છે તે તરફના સફેદ રણ સુધી જતા માર્ગ ઉપર આકાર પામેલું રક્ષક વન કચ્છનું એક નવું પ્રવાસી આકર્ષણ કેન્દ્ર બનશે. તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લું મૂકવાના છે.

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ્ય છે. સાથે જ માધાપરની મહિલાઓ દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરી હતી. એરફોર્સની હવાઈ પટ્ટીની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું છે.


રક્ષક વનના મુખ્ય આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો-12) જેમાં એકમાં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપરની વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને આઠ ભીંતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના છે. અહીં વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્ત્વ ધરાવતાં આરોગ્ય વન, રાશિ વન, ખજૂરી વન, દેવ વન, નક્ષત્ર વન, કેકટસ વન બનાવવામાં આવ્યા છે.


રક્ષક વનના અન્ય આકર્ષણોમાં વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટમાં ભરત-ગુંથણ કરતી મહિલા, ખારાઇ ઊંટ અને આર્મીના જવાનના ફોટો પોઇન્ટ મૂકાયાં છે. ત્રણ ઝૂલતા પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને ઓપન જીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સિંગ, શૌર્ય શિલ્પ, બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઓ, વોચ ટાવરનો સમાવેશ થાય છે.

ગુજરાતના આજ સુધી બનેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું 11 હેક્ટરમાં બનેલું રક્ષક વન 7.5 લાખ લિટરની વોટર સંગ્રહ ક્ષમતા ધરાવતું વન છે. ૩૦ હજાર જેટલા અલગ અલગ જાતના રોપાઓ તેમજ 1 લાખથી વધુ વૃક્ષોનાં વાવેતરવાળા હરિયાળા રક્ષક વનમાં પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ રક્ષક વનની મુલાકાત લઈને કચ્છની વન્ય સંપદા, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ કચ્છની સંસ્કૃતિ અંગે વિશદ માહિતી મેળવી શકશે. હવે કચ્છ જાવ તો રક્ષક વનની મુલાકાત લેવાનું ન ચૂકશો.