5 વર્ષમાં દ્વારકાધીશને ચડ્યું ૮૬.૮૦૦ કિલોગ્રામ સોનું અને ૪૪૫ કિલો ચાંદી

27 Sep, 2016

પાંચ વર્ષ દરમ્યાન દ્વારકાધીશને ચડાવવામાં આવેલાં આ ઘરેણાંનું વજન કરવાનું કામ છેલ્લા ચાર દિવસથી ચાલતું હતું, જેના આંકડા ગઈ કાલે ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષમાં એટલે કે ૬૦ મહિનામાં દ્વારકાધીશને ૮૫ કિલો ૮૦૦ ગ્રામ સોનાના દાગીના ચડાવવામાં આવ્યા છે તો ૪૪૫ કિલો ચાંદીનાં ઘરેણાં પણ તેમને ધરાવવામાં આવ્યાં છે. ચડાવવામાં આવેલા સોનાના દાગીનાની કિંમત અંદાજે ૨૭,૭૦,૦૦,૦૦૦ એટલે કે પોણાઅઠ્ઠાવીસ કરોડ રૂપિયા જેટલી થાય છે જ્યારે ચાંદીની કિંમત ૧૭,૮૦,૦૦,૦૦૦ એટલે કે પોણાઅઢાર કરોડ રૂપિયા જેટલી થાય છે.

દ્વારકાધીશને ચડાવવામાં આવેલા સોનાના દાગીનામાં સૌથી છેલ્લે તેમને મુગટ ચડાવવામાં આવ્યો હતો. ગઈ કાલે મુંબઈના સોની વેપારી જયેશ રતિલાલ ધોકિયાએ દ્વારકાધીશને અંદાજે બાવીસ લાખ રૂપિયાની કિંમતનો ૭૫૦ ગ્રામ વજન ધરાવતો સોનાનો મોરમુગટ ચડાવ્યો હતો, જેનો પણ સમાવેશ આ હિસાબમાં કરવામાં આવ્યો છે.