આદુ વાળી ચા પીવાના ફાયદા જાણીને ચોક્કસ તમે પણ પીવા લાગશો

14 Jul, 2018

 મોટાભાગના લોકોના દિવસની શરૂઆત એક કપ ચાથી થતી હોય છે, તદ્ઉપરાંત આપણે કોઈ મિત્રો સાથે બહાર શોપિંગ કરવા જઈએ, કે પછી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ આપણે પીણા તરીકે ચાનું જ સેવન કરતા હોઈએ છીએ. એમાં પણ ચોમાસાની ઋતુમાં લોકો ગરમા ગરમ ભજિયા અને ચા પીવાનું વધુ પસંદ કરતા હોય છે. સદીઓથી આપણે ચા પીવાનું કલ્ચર અપનાવતા આવ્યા છીએ. સમય બદલાતો ગયો અને ચા પણ વિવિધ ફ્લેવરમાં આવવા લાગી અને તેવામાં વિવિધ ઘટકો ઉમેરતા ગયા. આજે મસાલાવાળી ચા, આદુવાળી ચા, ઈલાયચીવાળી ચા, ગ્રીન ટી, વગેરે પ્રકારની ચા મળી રહી છે. જેમાંથી આદુવાળી ચા પીવાથી સૌથી વધુ આરોગ્યલક્ષી ફાયદા થાય છે.

આદુની વાત કરીએ તો બધાના રસોડામાંથી આદુ તો મળી જ આવે. આદુથી તબીબી લાભ પણ થતા હોય છે. એક કપ ચામાં આદુનો નાનો એવો એક ટૂકડો ઉમેરવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધી કેટલીય સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.

અપચો અને પેટનું ફૂલવું જેવી પેટ સંબંધી સમસ્યાઓ માટે આદુ રામબાણ ઈલાજ છે. વરસાદી ઋતુમાં આવી પેટ સંબંધી સમસ્યાઓ વધારે થતી હોય છે, પરંતુ માત્ર એક કપ આદુવાળી ચા પીને તમે આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો. આદુવાળી ચા પિત્ત ઉત્પાદનને સક્રિય કરી દે છે જેના પરિણામ સ્વરૂપે પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે.

ખાટા ઉબકા જો તમને પણ પરેશાન કરતા હોય તો તમારે આદુવાળી ચા પીવી જોઈએ. આદુવાળી ચા પીવાથી ઉબકા આવતા તો અટકી જ જાય છે તેની સાથે સાથે ટ્રાવેલ સિક્નેસની સમસ્યાથી પીડાતા લોકોને પણ રાહત મળે છે અને આદુવાળી ચા પ્રેગ્નન્ટ મહિલા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આદુમાં ‘gingerols’ અને ‘zingerone’ નામનાં તત્વો આવેલાં છે જે રક્તવાહિનીઓને ખેલવામાં મદદ કરે છે જેથી લોહી સરખી રીતે અવરજવર કરી શકો. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થવાથી તમારા શરીર પર પણ તેની સારી અસર થતી હોય છે.

આદુમાં વિવિધ પ્રકારના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ઘટકો હોવાથી સ્કીન માટે પણ આદુને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે સ્કીનને ક્લિન કરવામાં નડતરરુપ ઈન્ફેક્શનને સામે પ્રોટેક્શન આપે છે. લીંબુ અને આદુનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં મદદ કરવાની સાથે ત્વચાને પણ નિખારવામાં મદદરૂપ બને છે.

હજારો રૂપિયા અને પરસેવો જિમમાં રેડીને તમે પણ કંટાળી ગયા હોવ તો આદુવાળી ચા તમારા માટે રામબાણ ઈલાજ સ્વરૂપે છે. આદુવાળી ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે અને આદુવાળી ચામાં લીંબુ ઉમેરવાથી તમારા શરીરનું ફેટ લેવલ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તો આવી રીતે આદુવાળી ચા પીવાથી તમે દવાખાનામાં કરતા હજારો રૂપિયાનો ખર્ચો બચાવી શકો છો અને હંમેશા તંદુરસ્ત રહી શકો છો.