નળસરોવર ખાતે સવા લાખ વિદેશી પક્ષીઓનું આગમન: પક્ષીપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા

11 Nov, 2016

શિયાળાની શરૃઆતની સાથે જ નળસરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન શરૃ થઇ ગયું છે. અત્યારે ૧૦૦ જાતના કુલ સવા લાખ વિદેશી પક્ષીઓ આવી ગયા છે. હાલમાં થોડી ગરમીનું પ્રમાણ હોવાના કારણે ૨૫ નવેમ્બર સુધીમાં સવા ત્રણ લાખ પક્ષીઓ આવી જશે તેવુ અનુંમાન વન વિભાગની અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. વિવિધ જાતીના રંગબેરંગી અને આકર્ષક પક્ષીઓ ૧૫ ફેબુ્રઆરી સુધી રોકાણ કરશે.
 
 
ઠંડીનું પ્રમાણ વધતા યુરોપીયન, રશિયન, મોંગોલીયન, કઝાકિસ્તાન સહિતના દેશોમાંથી વિદેશી પક્ષીઓ ગુજરાત ભણી આવતા હોય છે. તેમાંય ખાસ કરીને તેઓ નળસરોવર ખાતે અઢી માસ સુધી રોકાણ કરીને આગળ વધી જતા હોય છે. આ વખતે નળસરોવરમાં પાણી ઓછું છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ પાણી માત્ર ૩ ફૂટ જેટલું હોવા છતાંય આ વખતે સારી એવી માત્રામાં પક્ષીઓનું આગમન થયું છે.
 
ગત વર્ષે આ સીઝનમાં ૩.૧૩ લાખ પક્ષીઓ આવ્યા હતા. આ વખતે સંખ્યામાં વધારો થવાની શક્યતા જોવાઇ રહી છે. ગત એપ્રિલ માસમાં નળસરોવર ખાતે ૪૦ હજાર ફ્લેમિંગો આવ્યા હતા. જેને લઇને પક્ષીપ્રેમીઓએ તેને નિહાળવાની મજા માણી હતી.આ વખતે નવતર પ્રયોગના રૃપે પક્ષીઓને ઓળખ માટે પગમાં રીંગ પહેરાવવાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ૧૫૩ પક્ષીઓને એલ્યુમિનિયમની રીંગો પહેરાવી દેવામાં આવી છે. આ રીંગો થકી પક્ષીઓની ઓળખ ચોક્કસ થઇ શકશે. આ પક્ષીઓ કયા સમયે ક્યાં જોવા મળ્યા તેની પણ ચોક્કસ વિગતો મેળવી શકાશે.