ફિલ્મ પ્રિવ્યુ : મદારી

21 Jul, 2016

‘મદારી’ આજની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરતી ફિલ્મ છે. દેશમાં પૈસો અને સત્તા સૌથી મહત્વનાં છે એ ‘મદારી’ના કેન્દ્રસ્થાનમાં છે. ફિલ્મનું લીડ કૅરૅક્ટર ઇરફાને કયુંર્ છે તો ડિરેક્શન નિશિકાન્ત કામતનું છે. નિશિકાન્તની છેલ્લી ફિલ્મ ‘રૉકી હૅન્ડસમ’ ફ્લૉપ હતી.

નિર્મલ કુમાર (ઇરફાન) પોતાની ફૅમિલી સાથે શાંતિથી જીવી રહ્યો છે. જીવનમાં કોઈ મહત્વાકાંક્ષા નથી, છે તો માત્ર એક જ કે તેની ફૅમિલી સુખી હોય. ફૅમિલીમાં વાઇફ છે અને એક નાનો દીકરો છે, પણ એક દિવસ એવો આવી જાય છે કે નિર્મલ કુમારે પોતાની આખી ફૅમિલી ગુમાવવી પડે છે. નિર્મલ કુમાર ફૅમિલીને બચાવવા માટે શક્ય હોય એ બધી જગ્યાએ ભાગે છે, પણ તેને કોઈની પાસેથી મદદ મળતી નથી અને પરિણામ એ જ આવે છે કે તેણે વાઇફ અને દીકરાને ગુમાવી દેવાં પડે છે. આ ઘટના નિર્મલ કુમારના જીવનની મકસદ બદલી નાખે છે.

એક સામાન્ય માણસનું આ દેશમાં અસ્તિત્વ છે એ સમજાવવા અને માત્ર પૈસાવાળા અને સત્તાધીશોની સેવામાં લાગેલી રહેતી સિસ્ટમને જગાડવા માટે નિર્મલ કુમાર એક એવું કામ કરે છે કે જેને લીધે દેશ આખો સફાળો જાગી જાય છે. હવે બધાને નિર્મલ કુમારની શોધ છે, પણ નિર્મલ કુમાર મદારી બનીને આખી સિસ્ટમને નચાવવામાં લાગી જાય છે. નિર્મલ કુમાર જે કામ કરે છે એ કામ ગેરકાનૂની છે, પણ નિર્મલ કુમારનો હેતુ બહુ સ્પષ્ટ અને ઉમદા છે. આ કામ માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડે એમ છે, પણ એ ચૂકવતાં પહેલાં આ મદારી ઇચ્છે છે કે તે બધાની આંખો ઉઘાડી નાખે.