ફિલ્મ પ્રિવ્યુ : જઝ્બા

08 Oct, 2015

ડિરેક્ટર સંજય ગુપ્તાની આ ફિલ્મથી ઐશ્વર્યા રાય બચ્ચન કમબૅક કરી રહી છે. ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે ઇરફાન, જૅકી શ્રોફ, શબાના આઝામી અને અતુલ કુલકર્ણી છે. પુરુષો કરતાં શારીરિક રીતે નિર્બળ હોવા છતાં પણ વાત જ્યારે પરિવારની આવે ત્યારે એક મહિલા સો પુરુષો સમાન બની જતી હોય છે, જેને ‘જઝ્બા’માં દર્શાવવામાં આવ્યું છે.

મુંબઈમાં પ્રૅક્ટિસ કરતી ક્રિમિનલ લૉયર અનુરાધા વર્મા (ઐશ્વર્યા રાય બચ્ચન)ને કોર્ટમાં હારવું પસંદ નથી એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે તે ક્યારેય અસત્યને સાથ નથી આપતી. દીકરી સાથે રહેતી અનુરાધા વર્માની લાઇફમાં બીજી કોઈ તકલીફ નથી, પણ એક દિવસ એવો આવીને ઊભો રહી જાય છે કે તેની સામે તકલીફોનો પહાડ આવી જાય છે. અનુરાધા પાસે એવી શરત મૂકવામાં આવે છે કે તે એક રેપિસ્ટને બચાવે. અનુરાધા એ કરવા માટે રાજી નથી, પણ જે સમયે તેને કહેવામાં આવે છે કે તેની દીકરી એ લોકોના કબજામાં છે એ સમયે અનુરાધાની હાલત કફોડી થઈ જાય છે. અનુરાધા જો ઇચ્છતી હોય કે તેની દીકરી બચી જાય તો તેણે હેવાન જેવા રેપિસ્ટને છોડાવવાનો છે અને જો તે રેપિસ્ટને ન છોડાવે તો દીકરીને પીંખાઈ જતી જોવાની છે. અનુરાધા પોલીસ પાસે દોડે છે અને પોલીસ-સ્ટેશન પહોંચે છે ત્યારે જ તેને કિડનૅપરનો ફોન આવે છે. કિડનૅપર એ સમયે તેની આજુબાજુનો આખો માહોલ વર્ણવી દે છે અને કહે છે કે તું ક્યાં છે, શું કરે છે, કોને મળે છે એ બધા પર અમારી નજર છે. અનુરાધાની ચાલાકી પણ હવે ચાલવાની નથી. દીકરીને બચાવવા માટે અનુરાધા રેપિસ્ટનો કેસ હાથમાં લઈને એ કેસને નબળો કરવાનું શરૂ કરે છે, પણ એવું કરવાની તેની સહેજ પણ ઇચ્છા નથી. તે સત્ય અને ન્યાયની સાથે રહેવા માગે છે. અનુરાધાને એવું કરવામાં હેલ્પ મળે છે સસ્પેન્ડેડ પોલીસ-ઇન્સ્પેક્ટર યોહાન (ઇરફાન)ની. અનુરાધા અને યોહાન પાસે સાત દિવસ છે. સાત દિવસ પછી જજમેન્ટ આવવાનું છે અને એની પહેલાં તેમણે આ કામ કરી લેવાનું છે.

ઐશ્વર્યા છેલ્લે ‘ગુઝારિશ’માં દેખાઈ હતી અને એ પછી પ્રેગ્નન્સીના કારણે અને દીકરી આરાધ્યાને મોટી કરવા માટે તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તે કમબૅક માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહી હતી. ઐશ્વર્યાની ઇચ્છા પહેલાં તો અભિષેક સાથે જ ફિલ્મ સાઇન કરવાની હતી, પણ એવી કોઈ સ્ક્રિપ્ટ ન મળતાં છેલ્લે તેણે સંજય ગુપ્તાની ‘જઝ્બા’ સાઇન કરી.