વડોદરામાં ખુલ્યું ભારતનું પહેલું ડેન્ટલ મ્યુઝિયમ

14 Sep, 2016

મ્યુઝિયમમાં બીજા વિશ્વયુધ્ધથી આજદીન સુધીના 250 થી 300 જેટલા જુદીજુદી પ્રકારના ટૂથબ્રશ, વર્ષ 1891થી અત્યાર સુધીમાં દંત ચિકિત્સા અંગે બહાર પડાયેલી ટપાલ ટિકીટો સહિતની અનેક સામગ્રી

વ્યક્તિની સમજદારી અને તેના દાંત વચ્ચે કોઈ સીધો અથવા આડકતરો સંબંધ ખરો..? આવો અજીબ સવાલ ત્યારે ઉપસ્થિત થાય છે જ્યારે ઘરના કોઈ સદસ્યને મોટી ઉંમરે ડહાપણની દાઢ આવે છે. સામાન્ય રીતે 18 વર્ષથી 21 વર્ષની ઉંમર દરમિયાન વ્યક્તિને નવી દાઢ ફૂટતી હોય છે. જડબાના 32 દાંતના પરિવારમાં ઉમેરાતા આ નવા સદસ્યને આપણે ડહાપણની દાઢ તરીકે ઓળખાયે છીએ. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજના જમાનામાં 50 ટકા લોકો એવા છે કે જેમની ડહાપણની દાઢ ઉગતી જ નથી. આનો મતલબ એ નથી કે, મોટી ઉંમરે દાઢ નહીં આવવાને કારણે તેઓમાં અક્કલ અથવા ચાતુર્યનો અભાવ હશે. હકીકત એ છે કે, દાઢ અને ડહાપણ વચ્ચે સ્નાન-સુતકનો પણ સંબંધ નથી. બદલાતા સમય સાથે લોકોની ફૂડ હેબિટમાં આવેલા પરિવર્તનને લીધે તેઓના જડબા સાંકડા બન્યા છે અને ચોખટામાં નવી દાઢ આવવાની જગ્યા જ બચી નથી તેવુ વડોદરાના જાણીતા ડેન્ટિસ્ટ ડો. યોગેશ ચંદારાણા કહે છે.
પાછલા 40 વર્ષથી દંત ચિકિત્સક તરીકેની સેવા આપતા ડો. ચંદારાણાનુ કહેવુ છે કે, આપણા દેશના મોટાભાગના લોકો દાંતની યોગ્ય માવજત રાખતા નથી. જેને કારણે 75 ટકાથી વધુ લોકો દાંતની વિવિધ પ્રકારની બિમારીઓથી પિડાય છે. નાની ઉંમરે દાંતનો સડો, દાંત વાંકાચૂંકા હોવા, તમાકુ અને સિગરેટની કુટેવને કારણે દાંતને થતુ નુકસાન અને પાયોરિયા જેવી અનેક બિમારીઓ હવે લગભગ સમાન્ય બની ચુકી છે. તેમ છતાંય એવેરનેસના અભાવને કારણે લોકો ડેન્ટિસ્ટ પાસે જતા ખચકાય છે જેને લીધે દાંતને લગતી બિમારીઓનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. આવા સંજોગોમાં દાંતનું મહત્વ અને તેની યોગ્ય જાળવણી વિષે સમાજમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતૂસર તેઓએ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરની હરિભક્તિ સોસાયટીમાં એક અનોખુ ડેન્ટલ મ્યુઝિયમ શરૃ કર્યું છે.
દેશના આવા પ્રથમ ડેન્ટલ મ્યુઝિયમમાં તેમણે બીજા વિશ્વયુધ્ધથી આજદીન સુધીના 250 થી 300 જેટલા જુદીજુદી પ્રકારના ટૂથબ્રશ, વર્ષ 1891થી અત્યાર સુધીમાં દંત ચિકિત્સા અંગે બહાર પડાયેલી ટપાલ ટિકીટો, વિવિધ પ્રકારના ડેન્ટલ ફ્લોશ, ઈન્ટર ડેન્ટલ બ્રશીશ, અલગ-અલગ ડિઝાઈનની ટૂથપિક, દાંતની છાપ વાળા વિવિધ દેશોના કોઈન્સ અને કરન્સી નોટો, દાંતના પ્રિવેન્ટિવ મોડલ્સનો સંગ્રહ, પહેલાના જમાનામાં દાંતની સારવાર માટે દર્દીને બેસાડવાની જુદીજુદી ખુરશીઓ અને એક્સ-રેનો સંગ્રહ, આયૂર્વેદમાં સુશ્રૃત ઋષિ દ્વારા દંત ચિકિત્સા માટે બનાવવામાં આવેલા ઓજારોની રેપ્લીકા અને વિશ્વભરમાં ડેન્ટિસ્ટને લગતી પ્રતિમાઓનો સંગ્રહ પણ રાખવામાં આવ્યો છે. આગામી 16મી તારીખથી જાહેર જનતા માટે આ મ્યુઝિયમને ખુલ્લુ મુકવામાં આવશે. ડો. ચંદારાણા કહે છે કે, આ મ્યુઝિયમ બનાવવા માટે તેમના પુત્ર ડો. પ્રણવ અને પરિવારના અન્ય સદસ્યોનો અમૂલ્ય ફાળો છે.


શુ તમે જાણો છો..
- ચીનમાં 20મી સપ્ટેમ્બરે લવ યોર ટીથ ડે ઉજવાય છે અને આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.
- શ્રીલંકામાં એક ધાર્મિક સ્થળ છે જેને ટેમ્પલ ઓફ ટૂથ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન બુધ્ધનો એક દાંત રાખવામાં આવ્યો છે. વર્ષમાં એક દિવસ શ્રધ્ધાળુઓના દર્શન માટે દાંતને મંદિરની બહાર લાવવામાં આવે છે.
- વર્ષ 1780માં લંડનના ડેન્ટિસ્ટ ડો. વિલિયમ આદિસે ટૂથબ્રશની શોધ કરી હતી. તેઓએ દાંતને સાફ કરવા માટે પ્રાણીઓના હાડકા અને વાળથી પહેલુ ટૂથબ્રશ બનાવ્યુ હતુ. જેથી તેમને ફાધર ઓફ ટૂથબ્રશ તરીકે ઓળખવામાં આવે છે. 
- કહેવાય છે કે, હેલ્ધી ટીથ...બ્યુટિફુલ સ્માઈલ..આ વાક્યને સાર્થક કરતી હકીકત એ છે કે, મહિલાઓ દિવસમાં સરેરાશ 62 વખત સ્માઈલ કરે છે જેની સરખામણીમાં પુરુષો કંજુસ સાબિત થાય છે તેઓ દિવસ દરમિયાન સરેરાશ માત્ર 8 વખત જ સ્મિત ફરકાવે છે.


ડોક્ટરનું અનોખુ મ્યુઝિયમ
ડો. યોગેશ ચંદારાણાના અનોખા મ્યુઝિયમમાં સોલાર ટૂથબ્રશ, મેગ્નેટિક ટૂથબ્રશ, નેચરલ બાયોડિગ્રેડેબલ ટૂથબ્રશ, ક્રોમ અને સિલ્વર પ્લેટેડ ટૂથબ્રશ, નેનો ગોલ્ડ પ્લેટેડ ટૂથબ્રશ સહિત દેશ વિદેશના લગભગ 250થી 300 જેટલા વિવિધ ડિઝાઈનના ટૂથબ્રશ છે. ઉપરાંત, તેમાં નાના બાળકોમાં દાંતની માવજત માટે જાગૃતિ કેળવાય તે માટે ઓરલ હેલ્થ સ્ટેશન પણ ઉભુ કરવામાં આવ્યુ છે. જેમાં રમકડાંની દોડતી ટ્રેન દ્વારા દાંતની જાળવણી માટેનો સંદેશો આપવામાં આવે છે. આ મ્યુઝિયમમાં જુદાજુદા પ્રકાર અને ડિઝાઈનવાળી અનોખી ટૂથપિક્સ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ડો. ચંદારાણાએ ડેન્ટલનો અભ્યાસ શરૃ કરતા પહેલા જ દાંત ઉપર બહાર પડાયેલી ટપાલ ટિકીટોનો સંગ્રહ શરૃ કર્યો હતો. આવા અનોખો શોખને પૂરો કરવા માટે તેમણે દેશ વિદેશની અનેક સ્ટેમ્પ્સ એકઠી કરી હતી. જેનું તેમણે દેશ-વિદેશમાં પ્રદર્શન પણ યોજ્યું છે અને તેના સંગ્રહને કારણે તેમને અનેક એવોર્ડ પણ મળ્યાં છે.


દાંતની સારસંભાળ માટેના પાંચ નિયમો
(1) દાંતને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને રેસાવાળો ખોરાક લેવો
(2) બે ભોજન એટલે કે, લંચ અને ડિનર વચ્ચેના સમયગાળામાં ગળ્યો અને ચિકાશવાળો ખોરાક લેવાનું ટાળવુ
(3) બ્રશ યોર ટીથ ટ્વાઈસ અ ડે...સવારે ઉઠીને તથા રાત્રે સૂતા પહેલા બ્રશ કરવુ અનિવાર્ય છે
(4) તમાકુના કોઈપણ પ્રકારના ઉત્પાદોથી દૂર રહેવુ
(5) છ મહિનામાં એક વખત ડેન્ટિસ્ટ પાસે દાંતનું ચેકઅપ કરાવવુ.