વડોદરામાં પોલીસ પેટ્રોલિંગ માટે હવે ઇ-રિક્ષા!

12 Jul, 2018

 પોલીસે ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પેટ્રોલિંગ માટે ઇ-રિક્ષા લોન્ચ કરી છે. વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધરે સયાજીગંજ જુના ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે ઇ-રિક્ષાનું ઉદઘાટન કર્યું હતું. વડોદરાના કમાટીબાગ અને એમ.એસ. યુનિવર્સીટીમાં ઇ-રિક્ષામાં બેસી પોલીસ પેટ્રોલિંગ કરશે. 

વડોદરા પોલીસ પાસે પેટ્રોલીગ માટે અનેક વાહનો છે. પોલીસ પાસે જીપ, કાર, મોટર સાયકલ, મોબાઈલ વાન અને પીસીઆર વાન સહિતના અનેક વાહનો છે. આ તમામ વાહનો હોવા છતાં વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર પર્યાવરણની જાળવણી માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયોગના ભાગરૂપે તેમણે પ્રાયોગિક ધોરણે પીપીપી મોડલથી એક ઇ-રિક્ષાનું ઉદઘાટન કર્યુ છે. ઇ-રિક્ષામાં પોલીસ શહેરના કમાટીબાગ અને એમ.એસ. યુનિવર્સિટીમાં પેટ્રોલિંગ કરશે. 


 

ઇ-રિક્ષાની ખાસિયતની વાત કરીએ તો ઇ-રિક્ષા એક વખત રિચાર્જ કર્યા બાદ આખો દિવસ ફેરવી શકાશે. ઇ-રિક્ષામાં વાયરલેસ સેટ લગાડયો છે જેનાથી પોલીસને કંટ્રોલ રૂમનો સીધો મેસેજ મળી શકશે અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ પાસ કરી શકશે. આ ઉપરાંત ઇ-રિક્ષાની ઉપર રંગબેરંગી લાઈટ અને સાયરન લગાડયું છે. આ સિવાય પોલીસ એનાઉન્સમેન્ટ કરી શકે તે માટે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ-રિક્ષાના પાછળના ભાગે એલઈડી સ્ક્રીન લગાડાઈ છે જેમાં સતત વડોદરા સિટી પોલીસનું લખાણ વંચાય છે. ઇ-રિક્ષામાં 5 પોલીસ કર્મચારી બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.