એક એવો દરિયો જે તમને ડુબાડી નહીં શકે બિન્દાસ્ત ન્હાવ

16 Jul, 2018

જો તમને તરતા નહીં આવડતું હોય તો ચોક્કસ દરિયા કિનારે તમે દૂર જ ઉભા રહેતા હશો. કેમ કે ઉછળતા મોજામાં ડૂબી જવાનો ભય લાગે છે. 

 
ડેડ સી એટલે કોઈ સુકાયેલું સરોવર કે દરિયો એવું નહીં પરંતુ આ સરોવર એવું છે કે તેના ઉંડા પાણીમાં માણસ ધારે તો પણ ડૂબી શકતો નથી. તમે પાણીની
સપાટી પર સૂતા-સૂતા ન્યુઝપેપર વાંચી શકો કે બ્રેકફાસ્ટ પણ લઈ શકો છો. આશ્ચર્ય થાય છે ને? પણ આ હકીકત છે.
 

 
જોર્ડન-ઈઝરાયલ-પેલેસ્ટાઈન એમ ત્રણ દેશોની વચ્ચે આવેલા આ સરોવરને ‘ડેડ સી’ના નામથી ઓળખવામાં આવે છે. 50 કિલોમિટર લાંબા અને 15 કિલોમિટર પહોળા વિસ્તારમાં ફેલાયેલ આ ‘ડેડ સી’ સમુદ્રની સપાટીથી 1412 ફૂટ નીચે છે. 997 ફૂટ ઊંડા ખાડામાં બન્યું છે. આ સરોવરમાં થોડું પાણી જોર્ડન રીવરમાંથી આવે છે. બાકી અહીંથી થતાં વરસાદથી ભરાય છે.
 
ડેડ સીની રચના એવી છે કે પાણીનો નિકાલ થતો નથી અને ગરમ હવામાં પાણીનું બાષ્પીભવન પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલા માટે અહીં ક્ષારનું પ્રમાણ સમુદ્રના પાણી કરતાં 9.6 ગણું વધારે છે. એક લિટર પાણીમાં અંદાજે 342 ગ્રામ જેટલી ખારાશ હોય છે. આ જ અનોખી વિશેષતાના કારણે પાણીમાં મેંગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આટલા ખારા પાણીના કારણે તેમાં માછલી જેવા દરિયા જીવો અને વનસ્પતિ જીવી શકતા નથી. એટલે જ તેને ‘ડેડ સી’ના નામથી ઓળખવામાં આવે છે.
 
‘ડેડ સી’માં ક્ષાર વધુ હોવાના કારણે સામાન્ય પાણીની સરખામણીએ ઘનતા ખૂબ ઉંચી છે. તેથી આ ઘનતા કરતા ઓછી ઘનતાવાળી વસ્તુ કે પદાર્થ એની સપાટી પર રહે છે ડૂબતા નથી. માનવ શરીરમાં 70 ટકા જેટલું સામાન્ય પાણી હોય છે. જેના કારણે માણસ ‘ડેડ સી’માં ડૂબતો નથી.
 

 
પાણીમાં વિશિષ્ટ પોષકતત્વોને કારણે ‘ડેડ સી’ થેરાપીનું દુનિયાભરના પ્રવાસીઓ વચ્ચે ખાસ આકર્ષણ છે. જોર્ડન અને ઈઝરાયલમાં ‘ડેડ સી’ની પાસે ઘણી હોટેલ અને રિસોર્ટ પણ ખૂલ્યા છે. અહીં ખાસ માટીના સ્પા અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે દરવર્ષે હજારો લોકો આવે છે. જોકે વધુ ખારાશના કારણે સળંગ લાંબા સમય સુધી સ્નાન લેવું હિતકારક ન હોવાનું સ્થાનિક ડોક્ટર્સ જણાવે છે.