આ ભાઇને છે બરફ ખાવાનું વ્યસન, દરરોજ પ કિલોથી વધારે ખાય છે બરફ

05 Feb, 2018

બહારગામ જવાનું થાય તો પણ થર્મોસમાં પોતાની સાથે બે ત્રણ ડીશ બરફ લેતા જાય

 
દુનિયા અજીબગજીબ માણસો રહેલા છે. બધાને કંઇને કંઇ વ્યસન હોય છે પરંતુ આજે આપણે વાત કરવાના છે એ ભાઇને તો બધાથી અલગ જ વ્યસન છે અને એ વ્યસન છે દરરોજ બરફ ખાવાનું. અચંબામાં પડી ગયા ને આવો જાણીએ એ ભાઇ વિશે. સાવરકુંડલામાં        કાનજીબાપુની જગ્યાના વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો ધંધો કરતાં કાંતિભાઈ મિસ્ત્રીને એક અજીબ આદત છે. દિવસમાં દસ -પંદર વખત બરફ ખાવાની આદત. સવારે ઊઠે ત્યારથી બરફ ખાવાનું શરૂ થઈ જાય છે અને રાતે સૂતા પહેલાં પણ બે-ત્રણ ડીશ બરફ ખાવો જ પડે છે. લોકોને જાત જાતનું વ્યસન હોય છે. પરંતુ સાવરકુંડલાના કાંતિભાઈ મિસ્ત્રીને સૌથી અનોખુ વ્યસન છે. અને તે છે બરફ ખાવાનું વ્યસન.

તેઓ છેલ્લા ૩૦ વર્ષથી આ વ્યસનમાં ફસાયા છે. સવાર પડતા જ તેમને બે ત્રણ ડીશ ભરીને બરફ ખાઈ જવાની આદત છે. ત્યાર બાદ દર બે કલાકે તેમને બરફ ખાવા જોઈએ છે. શિયાળાની કડકડતી ટાઢ હોય કે ઉનાળાનો બળબળતો બપોર હોય તેમને બરફ ખાવા અચૂક જોઈએ છે. આ લત તેમને ત્રીસેક વર્ષ પહેલા લાગી હતી. આવું શા માટે થાય છે તે અંગે તેણે કોઈ મેડિકલ રિપોર્ટ કરાવ્યા નથી. મિસ્ત્રી કામ કરવા માટે જ્યાં પણ જવાનું થાય ત્યાં ફ્રીઝ છે કે કેમ તે પહેલાં જાણી લે છે અને પછી જ કામ રાખે છે.
 
બહારગામ જવાનું થાય તો પણ થર્મોસમાં પોતાની સાથે બે ત્રણ ડીશ બરફ લેતા જાય છે. જેથી રસ્તામાં ખાઈ શકાય. કાંતિભાઈ મિસ્ત્રીને દિવસભર સતત બરફ ખાવા જોઈએ છે. બરફની આ જરૂરિયાત પૂરી કરવા તેમણે પોતાના ઘરમાં બે ફ્રીઝ રાખ્યા છે. એટલું જ નહીં જો ફ્રીઝમાં બરફ જામ્યો ન હોય તો તેઓ ફ્રીજરમાં જામેલો બરફ પણ ખાઇ જાય છે.
 
બરફનું નામ પડે એટલે કાંતિભાઇના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. તેમની એવી ઈચ્છા છે કે એક વખત કાશ્મીરમાં જઈ પહાડો પર જામેલો બરફ ખાવો છે.