ગાંધીનગરમાં ખેડૂત માર્કેટનો પ્રારંભ,અડધા ભાવે વેચાઈ શાકભાજી

12 Dec, 2016

જિલ્લાના ગાંધીનગર,માણસા,દહેગામ અને કલોલ શહેરમાં ખેડૂત માર્કેટનો દર રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે સરકારના આ નવતર પ્રયોગને ભારે સફળતા હાથ લાગી હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને ગ્રાહકોને સસ્તામાં તાજા શાકભાજી મળતાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. જિલ્લામાં કુલ ર૧ જગ્યાએ ખેડૂતો સીધા ગ્રાહકોને શાકભાજી વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારની સુચના બાદ જિલ્લા કલેક્ટરની સીધી સુચનાથી જિલ્લા અને તાલુકા ખેતીવાડી વિભાગની ટીમ  દ્વારા સ્થાનિક માર્કેટયાર્ડના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આજે લોકોને સસ્તુ શાક મળતાં અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં આ માર્કેટ રોજ ચાલુ રાખવાની પણ માંગ ઉઠવા પામી છે. દહેગામ ખાતે પંચવટી ગેસની સામે આવેલ ઔડા તળાવની બહાર શરૃ કરાયેલ માર્કેટને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સવારના સમયે મોટાભાગની શાકભાજી વેચાઈ જતાં સંસ્થાના ચેરમેન સુમેરૃભાઈ અમીન અને સેક્રેટરી યતીનભાઈ શાહ દ્વારા શાકભાજીના હોલસેલ માર્કેટમાંથી શાકભાજી લાવી લોકોને સસ્તામાં શાકભાજી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

ખેડૂત-ગ્રાહક બજાર કાલે સવારે આઠ કલાકથી ધમધમતું

સમગ્ર જિલ્લાની સાથે સાથે દહેગામ શહેરમાં આવેલ ઔડા ગાર્ડનની બહાર હાઈવેને અડીને ખેડૂત-ગ્રાહક બજાર કાલે સવારે આઠ કલાકથી ધમધમતું થઈ જવા પામ્યું હતું. દર રવિવારે ભરાનાર આ માર્કેટનો આજે પ્રથમ દિવસ હોવા છતાં લોકો મોટા પ્રમાણમાં શાકભાજી ખરીદવા માટે ઉમટી પડયા હતા. ખેડૂતો દ્વારા લીંબુ રૃા.ર૦ ના એક કિલા,લીલી તુવેર રૃા.રપ ની કિલો,વાલોર રૃા.૧૦ ની કિલો,ફુલાવર રૃા.૧૦ ના બે દડા,મેથી રૃા.૧૦ ની બે જુડી,મરચા રૃા.૧૦ ના કિલો વિગેરે શાકભાજી વ્યાજબી ભાવે વેચવામાં આવતાં લોકોનો ભારે ધસારો સર્જાયો હતો. જેના લીધે પ્રથમ બે કલાકમાં ખેડૂતો વેચાણ માટે લાવેલ શાકભાજી વેચાઈ ગઈ હતી. માર્કેટનો સમય સાંજે ચાર વાગ્યા સુધીનો હોવાથી એપીએમસીના ચેરમેન સુમેરૃભાઈ અમીન દ્વારા પોતાની કારને વારંવાર હોલસેલ માર્કેટમાં દોડાવી સસ્તા ભાવે શાકભાજીનું વેચાણ ચાલુ રખાવ્યું હતું. માર્કેટ માટેની ઔડાની જગ્યામાં દહેગામ એપીએમસી દ્વારા મંડપ,કાઉન્ટર,પાણી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી ખેડૂતો અને ગ્રાહકોને પુરતી સુવિધાઓ મળી રહેવા પામી હતી. દહેગામ ખાતે શરૃ કરવામાં આવેલ માર્કેટની જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ તેમની ટીમે પણ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં પણ ખેડૂત ગ્રાહક  બજારને જબરજસ્ત સફળતા મળી હતી. સેક્ટર-૨૪માં સવારથી જ લોકો સસ્તાભાવે શાકભાજી ખરીદવા ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં સેક્ટર-૭, ૨૧,૨૨ તેમજ સેકટર-૨૪ ખાતે તેમજ કુડાસણ નજીક ખેડૂત ગ્રાહક બજાર અંતર્ગત સીધા ખેડૂતો જ શાકભાજી વેચી શકે તે માટે બજાર ભરવામાં આવ્યુ હતું. જોકે, ખેડૂતો અને તંત્ર માટે આ પ્રથમ પ્રયોગ હતો. ખેડૂતોને શાકભાજી નહી વેચાય તેવો ડર હતો. પરંતુ ગ્રાહકો તરફથી જે પ્રતિસાદ મળ્યો તે જોતા મોટાભાગના ખેડૂતોના માત્ર એક જ કલાકમાં શાકભાજી વેચાઇ ગયા હતા. આ સંદર્ભે જિલ્લા ખેતીવાડી અધિકારી મહાવિરસિંહ વાઘેલાએ જણાવ્યુકે, જિલ્લાના સેક્ટર-૭ને બાદ કરતા મોટાભાગના સેન્ટરો પર ખેડૂત ગ્રાહક બજારને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. જે સેન્ટરો પર ખેડૂતોને શાકભાજી વેચવા માટે જે ઉણપ રહી છે તે ઉણપને આગામી રવિવારે પુર્ણ કરવાનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. ઉપરોક્ત સેન્ટરોમાં શાકભાજી બજાર ભાવ કરતા ખુબજ સસ્તુ વેચાયુ હતું. જોકે, આ ખેડૂતો માટે પ્રથમ પ્રયોગ હોય શહેરી વિસ્તારમાં આ વખતે ઓછા ખેડૂતોએ ભાગ લીધો હતો. આગામી સપ્તાહમાં દહેગામ ઉપરાંત અન્ય પંથકના ખેડૂતો પણ ગાંધીનગરમાં શાકભાજી વેચી શકે તેવું  આયોજન કરવાની વિચારણા છે. દરમિયાન દહેગામ, ગાંધીનગર ઉપરાંત કલોલ અને માણસા પંથકમાં નિયત કરેલી જગ્યાએ ખેડૂતો દ્વારા શાકભાજીનું ગ્રાહકોને સીધુ જ વેચાણ કરવામાં આવ્યુ હતું. એકદમ સસ્તાદરે શાકભાજી મળતા ગ્રાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. શ્યામભાઇ નામના એક ગ્રાહકે જણાવ્યુકે, તેમણે પોતાની જરૃરિયાતનું એક સપ્તાહનું શાકભાજી ખરીદી લીધુ છે. હવે તેઓ શાકભાજીની ખરીદી આગામી રવિવારે ખેડૂત ગ્રાહક બજારમાંથી જ કરશે. આ ઉપરાંત કેટલાક ગ્રાહકોએ દરરોજ આ પ્રકારનું માર્કેટ ભરાય તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.

સેક્ટર-૨૪માં બજારની આસપાસ હોલસેલરોના આંટાફેરા

સેક્ટર-૨૪માં પણ તંત્ર દ્વારા ખેડૂત ગ્રાહક બજાર ઉભુ કરવામાં આવ્યુ છે. આજે સવારે આ બજારમાં ચારથી પાંચ ખેડૂતો શાકભાજી વેચવા માટે આવ્યા હતા. તેઓ માર્કેટભાવ કરતા ઓછા ભાવે શાકભાજી વેચતા હોય લોકોની ભીડ ત્યાં વધુ જોવા મળી હતી. માત્ર એક જ કલાકમાં તમામ શાકભાજી વેચાઇ હતા. જોકે, આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત સ્થળ પર શાકભાજીનો હોલસેલ વ્યવસાય કરતા કેટલાક વેપારીઓના પણ આટાંફેરા વધી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, સરકારના આ પ્રકારના કન્સેપ્ટથી શાકભાજીના હોલસેલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો પાસેથી અત્યાર સુધી સસ્તાભાવે શાકભાજી પડાવી રિટેઇલમા ઉંચા ભાવે શાકભાજી વેચતા હોલસેલરોની બેઠી આવક પર આ કન્સેપ્ટ પાણીફેરવી દે તેવી શક્યતા નજીકના સમયમાં જોવા મળી રહી છે. જોકે, આ પ્રકારના કન્સેપ્કટથી ગ્રાહકથી લઇ ખેડૂતો પણ ખુશ છે.