ગુજરાતના આ ગામમાં આઝાદીથી લઈ આજદિન સુધી કયારેય પંચાયતની ચૂંટણી થઈ નથી, જાણો કેમ

12 Dec, 2016

હાલમાં ગ્રામપંચાયત ની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું છે ત્યારે જે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ છે તે ગામોમાં સરપંચ બનવા લોકો સામ,દામને દંડની નીતિ અપનાઈ રહ્યાં છે, ત્યારે મહેસાણા જિલ્લામાં એક એવું ગામ પણ છે કે જ્યાં આઝાદીથી આજ દિન સુધી કયારે ગ્રામપંચાયતની ચૂંટણી થઇ નથી. જોકે આ ગામનો સંપ એવો છે કે સતત એક વર્ષ સુધી ગામ આખું એક જ રસોડે જમતું હતું ત્યારે આવો અનોખા સમરસ ગામ અંગે જાણીએ.

મહેસાણા જિલ્લાનું બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ અને આ ગામના લોકો બધાં કરતાં અનોખા છે. કારણ કે આઝાદી પછી જયારથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી લઇ આજ દિન સુધી કયારેય પંચાયતની ચૂંટણી થઇ નથી. અહીં સરપંચ અને પંચાયતના અન્ય સભ્યો માટે ચૂંટણી નહિં પણ પસંદગી થાય છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. કયારેક ગ્રામ પંચાયતના દરેક સભ્ય મહિલાને બનાવવામાં આવે છે તો કયારેક ગામના અન્ય કોઈને બનાવાય છે. ગામના પાદરમાં ગામના દરેક લોકો એકઠા થાય છે અને ત્યાર બાદ ગામના સભ્યોની પસંદગી થાય છે. વળી આ ગામની બીજી એક વિશેષતા એ પણ છે કે આ ગામના દરેક લોકો સતત એક વર્ષ સુધી એક જ રસોડે જમતા હતા. સવાર,બપોર, અને સાંજ ગામ આખું એક જ રસોડે જમતા. જોકે ગામ લોકોએ ભેગા મળી એક રસોડું બનાવ્યું હતું અને માત્ર એક વ્યક્તિના 20 રૂપિયામાં ગામના લોકો જમતા હતા.
ચાંદણકી ગામની કુલ વસતી 1200ની છે પણ ગામના 80% લોકો નોકરી અને ધંધા અર્થે બહાર રહે છે. કોઈ અમદાવાદ કોઈ સુરત તો કોઈ વિદેશમાં વસે છે. હાલ ગામમાં માત્ર 275 જેટલા લોકો જ રહે છે, જે નિવૃત જીવન પસાર કરી રહ્યાં છે. જો કે આ ગામની એકતા અને વર્ષોથી ચાલતી સમરસ પ્રથાથી આ ગામનો વિકાસ પણ થયો છે. આ ગામ 100% સાક્ષર, 100% શૌચાલય, 24 કલાક પાણી, 100% સ્વસ્થ છે. આ ગામને અલગ-અલગ એવોર્ડ પણ મેળવી ચુકયા છે. જો કે આ ગામમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો નોકરી કરે છે ગામના કેટલા લોકો કેટલો અભ્યાસ કરેલ છે ગામ કેટલા ખેડૂત છે કેટલા લોકો વિદેશ રહે છે તે બધીજ વિગત કોઈ ને પૂછવાની જરૂર નથી. ગામના પાદરે જવો તો આ બધી વિગત મળી જાય છે. ગામના પાદરમાંજ દીવાલ પર બધી જ વિગત દર્શવવામાં આવી છે.
જોકે આ ગામની એકતા અને ગામ લોકોનો સંપ એ બીજા ગામોના લોકો માટે પ્રેરણારૂપ છે. કારણ કે ગામમાં પંચાયતની ચૂંટણી સરપંચ બનવા અને સભ્ય બનવા પડાપડી કરી રહ્યા હોઈ છે ત્યારે આ ગામના લોકો હોદ્દાને એક તરફ મૂકી ગામની એકતા ખાતર ગામમાં કયારેય પંચાયતની ચૂંટણી થવા દીધી નથી. આવનારા સમયમાં પણ આ ગામના લોકો પંચાયતમાં ચૂંટીને નહીં પણ પસંદગીથી પંચાયત રચવા માંગે છે અને લોકોને એક અનોખી મિસાલ આપી રહ્યાં છે.