શાબાશ અમદાવાદી - અમદાવાદ થી લંડન બાઇક પર,

06 Jul, 2018

 દરેક માણસના સપના અલગ અલગ હોય છે, કોઇ વ્યકિત પોતાના સપના પુરા કરવા કોઇપણ હદે જઇ શકે છે. આવા જ બે અમદાવાદીઓ પ્રકાશ પટેલ અને હિરેન પટેલે પોતાનો રોમાંચ પુરો કરવા માટે અમદાવાદથી લંડન સુધીની સફર બાઇક પર જઇને આવ્યા છે. ૭૦ દિવસમાં ૧૯ દેશો અને ૨૨૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. બે દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેના પરિવારો અને ગનરાઇડ મોટરસાઇકલ કલબ, અમદાવાદના સભ્યોએ શરણાઇ અને ઢોલના તાલે હાર પહેરાવી સ્વાગત કર્યું.

 

 


આ બંનેએ આ પહેલા પણ આવું સાહસ ખેડયું હતું. પ્રકાશે દોઢ લાખ કિલોમીટરથી પણ વધારે બાઇક પર પ્રવાસ કર્યો છે, જેમાં બદ્રીનાથ પહોંચવા માટે ૪૨૦૦ કિમી સુધી બરફમાં પણ બાઇક ચલાવ્યું છે. તો બીજી બાજુ હિરેને ૨૫૦૦૦ કિલોમીટરની સફર બાઇક પર કરી છે. બંનેએ બાઇક રાઇડની યાદગાર સફરને કેમેરામાં કંડારી છે.

 

 

તેમણે જણાવ્યું હતું કે, અમારા રૂટમાં મ્યાનમાર, ચીન, કઝાખસ્તાન, રશિયા, ઇસ્ટોનિયા, પોલેન્ડ, જર્મની, હોલેન્ડ અને બેલ્જિયમ આવ્યા  હતા. આ ટ્રીપનો અંતિમ પડાવ બેલ્જિમયના બ્રસેલ્સથી ફ્રાંસનો હતો. અહીંથી અમે ફરી યુકે અને અંતે લંડન પહોંચ્યા. પ્રકાશે કહયું કે, જયારે તમે ગમતી વસ્તુ કરો છો તો તમે કંટાળતા નથી અમે બધા રૂટને ૬૦૦-૭૦૦ કિલોમીટર પ્રતિ દિવસમાં ડિવાઇડ કર્યા હત. રાત્રે આરામ કરતા હતા. જયારે જરૂર પડી ત્યારે અમે વધારે કલાક રાઇડ પણ કયું. જેથી કરીને દરરોજનો નકકી કરેલો ટાર્ગેટ પુરો કરી શકાય.

પ્રકાશે કહ્યું કે, “લંડનના Ace Café પહોંચવાનું છે તે વિચારીને જ મેં મારી ટ્રીપની શરૂઆત કરી હતી. મેં આ કેફે વિશે ખૂબ સાંભળ્યું અને વાંચ્યું હતું. બાઈકર્સનું હબ છે આ કેફે. એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરી કરતી વખતે મને એ વાતનો અહેસાસ થયો કે માનવતા હજુ પણ જીવતી છે. અમને રસ્તામાં ઘણા લોકો મળ્યા જેમણે અમને કોઈ આશા વિના મદદ કરી, ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને મદદ કરી.”

 

 

હિરેન કહ્યું કે, “તેમને જોઈને અમને વસુધૈવ કુટુંબક્મમાં વિશ્વાસ થયો. 11 લોકોના એક મુસ્લિમ પરિવારે અમને તેમના ઘરે રહેવા આગ્રહ કર્યો. GRMCના ગ્લોબલ હેડ દ્વારા Ace Caféમાં અમારું સ્વાગત કરાયું. આ પ્રકારના કેફેની મુલાકાત લઈને એવું લાગે છે કે બાઈકિંગ પણ ધર્મ છે.”


હિરેન જણાવ્યું કે, “અમે જુદા-જુદા પ્રદેશોમાં ફર્યા એટલે કોઈ એક સ્થળને ફેવરિટ ગણવું મુશ્કેલ છે. કાગ્રિસ્તાનની ગામઠી સુંદરતા, ધૂળિયા રસ્તા પર ચાલતાં ઊંટ અને ઘોડા જોઈને અરેબિયન નાઈટ્સની વાર્તાઓ યાદ આવી ગઈ. અને આ પ્રદેશમાંથી પસાર થવાની મજા આવી.”


પ્રકાશે કહ્યું કે, “હિરેનભાઈ મને લાગે છે કે, ચીનના જીયોલોજીકલ પાર્કમાં આવેલા Zhangye Danxia Landના મેઘધનુષના પર્વતો અદ્ભૂત હતા. જુદા જુદા રંગના પથ્થરોના લેયર અને ખનીજોથી બનેલા એ પર્વતો હતા. 24 મિલિયન વર્ષોથી એકબીજાની નીચે આ રીતે દબાયેલા છે. ચીનના પહોળા રસ્તા ડ્રાઈવિંગ માટે ખૂબ સારા હતા.”


પ્રકાશે કહ્યું કે, “ભારતમાંથી બહાર નીકળ્યા ત્યાર બાદ એકપણ અકસ્માત રસ્તામાં નડ્યો હોય તેવું થયું નથી. ભારત સિવાય બધા જ દેશોમાં ટ્રાફિકના નિયમોનું ચોકસાઈથી પાલન કરવામાં આવે છે. હું મારા બાઈક ગ્રુપ સાથે મળીને ટ્રાફિકા નિયમો અંગે જાગૃતિ વધારવા કામ કરીશ. હવે ભારતીયોએ ટ્રાફિકા નિયમોનું પાલન શીખવું પડશે.” હિરેને કહ્યું કે, “અમે લોકોએ 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ન જવાનો નિર્ણય કર્યો હતો. અમે 90 કિમી પ્રતિ કલાકની સ્પીડે જ જતા હતા. કોઈ અન્યને સલાહ આપતા પહેલા તમે નિયમો પાળો તે ખૂબ જરૂરી છે.”

 

 


હિરેને કહ્યું કે, “શાકાહારી માટે ફૂડ ઓપ્શન્સ ઓછા હતા. અમે ખાવા માટે થેપલા-ખાખરા અને અન્ય વસ્તુઓ લઈ જઈ શક્યા હોત કારણકે અમારી સાથે બે બેક-અપ કાર હતી. અમારી સાથે દેશના અન્ય શહેરોના 6 બાઈકર્સ પણ હતા. પરંતુ અમે એવું ન કર્યું. કેટલાક સ્થળો એવા હતા જ્યાં અમે નૂડલ્સ ખાઈને ચલાવ્યું અને જ્યાં માત્ર નોન-વેજ મળતું હતું ત્યાં માસના ટુકડા બહાર કાઢીને અમે માત્ર ગ્રેવી ખાધી.”
પ્રકાશે કહ્યું કે, “અમને રશિયામાં જ ઈંડિયન ફૂડ ખાવા મળ્યું તે પણ મહેસાણાનું એક ફેમિલી મળ્યું એટલે. તે પરિવારે અમને ખીચડી ખવડાવી. કેટલીક વખત અમે લંચ કર્યા વિના જ બાઈક ચલાવતા રહેતા હતા. કદાચ ઓછો ખોરાક લેવાના કારણે જ અમે ફિટ રહી શક્યા. અમારા બંનેનું વજન ઘટી ગયું છે પણ અમે ખુશ છીએ.”


પ્રકાશે જણાવ્યું કે, “હું ભાઈચારા અને શાંતિના મેસેજ સાથે પાકિસ્તાન જવા માગુ છું. નજીકના ભવિષ્યમાં મારું આ સપનું પૂરું કરવા માટે ભારત સરકાર મને મદદ કરે તેવું ઈચ્છું છું.”