જબ બચ્ચન મેટ બચ્ચન

05 Dec, 2014

પિકુના શૂટિંગ માટે ગુજરાત આવેલા અમિતાભ બચ્ચન ભાવનગરમાં રહેતા ડુપ્લિકેટ બિગ બીને મળ્યા અને તેની પાસે પોતાના જ ડાયલૉગ્સ સાંભળ્યા

મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશાં પોતાના ફૅન્સને સાચવે છે એ તો બધાને ખબર છે, પણ પોતાના જેવા લુકને કારણે જે પોતાનું ઘર ચલાવે છે તેના માટે તેઓ વધારે પ્રેમ ધરાવે છે એ ‘પિકુ’ના સેટ પર પુરવાર થયું. ડિરેકટર શૂજિત સરકારની ફિલ્મ ‘પિકુ’ માટે ગુજરાત આવેલા બિગ બીએ ફિલ્મના સેટ પર તેને જોવા આવેલા ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન એવા ભાવનગરના પિનાકીન ગોહિલને મળવા માટે ખાસ સમય આપ્યો હતો અને પિનાકીન સાથે વીસેક મિનિટ જેટલું રહ્યા પણ ખરા. આ વીસ મિનિટ દરમ્યાન તેમણે પિનાકીન સાથે તેની પર્સનલ પૂછપરછ કરી તો પોતાની જ ફિલ્મના પૉપ્યુલર ડાયલૉગ પણ તેણે પિનાકીન પાસે સાંભળ્યા હતા.

પિનાકીન ગોહિલે બિગ બીને મળવાની કોઈ વિશેષ કોશિશ નહોતી કરી. બિગ બી જે રસ્તેથી પસાર થવાના હતા એ જ રસ્તા પર તે બીજા બધાની જેમ જ બિગ બીની એક ઝલક માટે ઊભો હતો. પસાર થતી વખતે બિગ બીનું ધ્યાન તેના પર ગયું અને તેમણે પિનાકીનને લઈ આવવા માટે કહેવડાવ્યું. સ્વાભાવિક રીતે પિનાકીન ગોહિલ માટે બિગ બીને મળવાની એ ક્ષણ સપનું સાચું પડ્યા બરાબર હતું.

Loading...

Loading...