પૂર પ્રભાવિત કેરળની મદદ માટે આગળ આવ્યા અક્ષય કુમાર

20 Aug, 2018

હંમેશા દેશના સામાજિક મુદ્દાઓ અને વિકટ પરિસ્થિતિમાં આગળ રહેનારા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર વધુ એક કેરળમાં આવેલા વિનાશક પુરને લઇ સામે આવ્યા છે. હિન્દી સિનેમાના ખેલાડીઓ ખેલાડી અક્ષય કુમાર અને ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન દ્વારા પૂરથી પ્રભાવિત કેરળની મદડ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યું છે.

ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને શનિવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને મદદ માટેનો ચેક આપતા એક તસ્વીર ટ્વીટ કરી હતી અને સાથે સાથે લોકોને રાજ્યની મદદ કરવા માટે આગ્રહ કર્યો હતો. જો કે તેઓ દ્વારા કેટલા રૂપિયાની મદદ કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

 

તેઓએ પોતાના ટ્વીટમાં લખ્યું, “હું અને અક્ષય કુમારે મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યું છે. આવો, એકજૂથ થઈને બીજીવાર કેરળ રાજ્યને પાટા પર લઈને આવીએ, કોઈ રાજનીતિ નહિ, કોઈ ધર્મ નહિ, માત્ર માનવતા. આવો, કેરળ માટે એકજૂથ થઇ જઈએ”.

અક્ષય કુમાર પહેલા અન્ય બોલીવુડ હસ્તિઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના ફ્રેન્ડસને કેરળની મદદ કરવા માટે અપીલ કરી ચુક્યા છે. બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન જેવા અનેક એક્ટરો દ્વારા પૂરથી પ્રભાવિત કેરળ માટે લોકોને મદદ પહોચાડવા આગ્રહ કર્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૭૦થી વધુ લોકોના મોત નીપજી ચુક્યા છે.