બેટા જીવનમાં બધું કરજે પણ લગ્ન ન કરતો, કહીને પોલીસ કર્મીએ ખાધો ગળાફાંસો

01 Aug, 2018

 શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશ પરમારે ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી દીધી હતી. પહેલી પત્નીનાં અવસાન બાદ તેમણે બીજાં લગ્ન કર્યાં હતાં અને પત્ની સાથે રોજે રોજ ઝઘડા થતા હતા. જેનાથી કંટાળીને જગદીશભાઇએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલાં જગદીશભાઇએ દીકરા અને દીકરીને સંબોધીને ચિઠ્ઠી લખી હતી. જેમાં દીકરાને લગ્ન ન કરવા સૂચન કર્યુ હતું.


ચાંદખેડા વિસ્તારમાં આઈઓસી રોડ પર આવેલી ગ્રીન પાર્ક 2ની બાજુમાં આવેલા મહીપાલનગરમાં રહેતા જગદીશભાઇ રાવજીભાઇ પરમાર (46) છેલ્લાં 20 વર્ષથી કમિશનર કચેરીની રીડર શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેમની નોકરી સરદારનગર પોલીસ સ્ટેશનમાં હતી, પરંતુ તેમને ડેપ્યુટેશન ઉપર રીડર શાખામાં લઇ જવાયા હતા. પહેલી પત્નીનાં અવસાન બાદ જગદીશભાઇ બીજી પત્ની ગીતાબહેન, દીકરી નેન્સી (15) અને દીકરા કેયૂર (14) સાથે રહેતા હતા, પરંતુ જગદીશભાઈ અને ગીતાબહેન વચ્ચે નાની નાની બાબતે ઝઘડા શરૂ થયા હતા. ઘરકંકાસને કારણે જગદીશ પરમારે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.


સોમવારે રાતે પણ જગદીશભાઇ અને ગીતાબહેન વચ્ચે 3 થી 4 વખત ઝઘડો થતાં આખરે રાતે 1.30 વાગ્યે ગીતાબહેન બંને બાળકોને લઇને પાડોશીના ઘરે સૂઇ ગયાં હતાં. સવારે કેયૂરને સ્કૂલે જવાનું હોવાથી 6.30 વાગ્યે ગીતાબહેન, કેયૂર અને નેન્સી ઘરે આવ્યા ત્યારે જોયું તો જગદીશભાઇએ સ્ટોર રૂમમાં છતના હૂક સાથે રસી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો તેમ જ સગાંસંબંધીઓ દોડી આવ્યા હતા.


જગદીશભાઇ પરમાર સાથે રીડર શાખામાં વર્ષોથી નોકરી કરતા પોલીસ કર્મચારીઓ તેમની અંતિમ ક્રિયા માટે તેમના વતન ગયા છે. જો કે આ પહેલા તેમણે વાત કરતા જણાવ્યું હતું કે, જગદીશભાઇને ઘણા વર્ષોથી પત્ની સાથે ઝઘડા ચાલી રહ્યા હતા. જેના કારણે તેઓ ટેન્શનમાં રહેતા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી તો પારિવારિક કંકાસની અસર તેમના કામ ઉપર પણ જોવા મળતી હતી. પરંતુ જગદીશભાઇએ પોલીસ કમિશનર કચેરીની રીડર શાખામાં ઘણા વર્ષો સુધી નોકરી કરતી હોવાથી તેમની કાગળની કામગીરીમાં ઘણી હોશિયાર હતી. તેમની બદલી સરદારનગર થઇ હોવા છતાં પણ તેમને ડેપ્યુટેશન ઉપર રીડર શાખામાં લાવવામાં આવ્યા હતા.


જગદીશભાઇએ આત્મહત્યા કરતા પહેલા નેન્સી અને કેયૂરને સંબોધીને ચિઠ્ઠી લખી હતી. જેમાં નેન્સીને સંબોધીને લખ્યું હતું કે મને તારા પ્રત્યે બહુ જ લાગણી છે, પણ હું બહુ જ કંટાળી ગયો હોવાથી આ પગલું ભરી રહ્યો છું, બેટા તું મને માફ કરજે અને બંને ભણવામાં ધ્યાન આપજો. જ્યારે દીકરા કેયૂરને સંબોધીને લખ્યું હતું કે દીકરા કેયૂર તું જીવનમાં બધુ કરજે પણ લગ્ન તો ના જ કરતો.