મોબાઇલે નાની વયના છોકરાઓનું માનસ કેટલી હદે ખરાબ કરી નાખ્યું તેનું ઉદાહરણ આપતો કિસ્સો

08 Feb, 2018

 આધુનિક પેઢી મોબાઇલ અને ઇન્ટરનેટના રવાડે ચઢી દિશા ભટકી રહી છે તેનો પુરાવો કરતી આ ઘટનામાં ૧૭ વર્ષનો સગીર આરોપી ગામની શાળામાં ધો. ૧૦માં અભ્યાસ કરી રહયો હતો અને આગામી બોર્ડમાં પરીક્ષામાં તે બસવાનો હતો. જેને બદલે એકતરફી પ્રેમમાં પડી સગીર આરોપીએ ભણતરના ભોગે પ્રેમને પામવાના પ્રયાસમાં કાંટારૂપ મિત્રની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ખેડા જિલ્લાના ઠાસરામાં બે માસ અગાઉ ૧૭ વર્ષના કિશોરની અજાણ્યા શખ્સે છાતીના તથા બંન્ને હાથોએ ફ્રેક્ચર તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશને ઓરંગપુરા નહેરમાં ફેંકી દીધાના ચોંકાવનારા બનાવમાં ઠાસરા પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ ખેડા નડિયાદ એલસીબી પોલીસે સઘન તપાસ હાથ ધરીને હત્યાનો ભેદ ઉકેલી નાખીને ધો.૧૦ના વિદ્યાર્થીએ જ પ્રેમિકા માટે ખાસ મિત્રની કરપીણ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે સગીર આરોપીની અટકાયત કરી વધુ તપાસ અર્થે ડાકોર સીપીઆઈને સોંપવામાં આવેલ છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઠાસરામાં ખેતીવાડીની સામે તાજપીરનગરીમાં રહેતા મહંમદરફીક ઐયુબભાઈ ખલીફાના ભાણા સાહિલહુસેન મહંમદહુસેન ખલીફા ઉ.વ.૧૭ની ગત ૧૦મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કોઈપણ કારણોસર અજાણ્યા શખ્સે છાતીના તથા બંન્ને હાથોએ ફ્રેક્ચર તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશને ઓરંગપુરા કેનાલમાંથી ફેંકી દીધી હતી.જે બનાવ અંગે ઠાસરા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા આ કેસની વધુ તપાસ એલસીબીના પીઆઈ વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.પટણી,આર.કે.રાજપુત અને એમ.એ.ઠાકોરના તાબાના સ્ટાફના કર્મચારીઓ દ્વારા જુદીજુદી ટીમો બનાવી ઘટનાસ્થળની વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક સાહિલનો ખાસ મિત્ર સગીર કિશોર શંકાના દાયરામાં આવ્યો હતો.
જેથી આ સગીરનેે એલસીબી ઓફિસે લાવી તેના પિતા તેમજ લીગલ કમ પ્રોબેશનલ ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદની હાજરીમાં યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ હાથ ધરતા પોતે આ ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે મૃતક સાહિલને પોતાના જ ગામની એક સગીરા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હોય પોતે પણ તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માંગતો હતો પરંતુ સગીરા તેને કોઈ ભાવ આપતી ન હતી.જેથી તેણે સાહિલનો કાંટો કાઢવાનું નક્કી કરી સગીર સાહિલની કરપીણ હત્યા કરી તેની લાશને ઓરંગપુરા કેનાલ ઉપર નાખી આવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેની સીઆરપીસી ૪૧(૧)એ મુજબ નજરકેદ રાખી આગળની તપાસ માટે સગીર આરોપીને ડાકોર સીપીઆઈને હવાલે કરેલ છે.