ફિલ્મ રિવ્યૂઃ જિદ

28 Nov, 2014

બકવાસ ફિલ્મ અને કેટલાંક ઈરોટિક સીન્સની સાથે ભંગાર એક્ટિંગ, ફિલ્મને ભાગ્યે જ સારી કહી શકાય
પ્રિયંકા ચોપરાની બહેન મનારાની ફિલ્મ 'જિદ'માં શરૂઆતમાં થિયેટર ફૂલ હતું પરંતુ ઈન્ટરવલ પડતાં જ થિયેટર અડધા ઉપરાંત ખાલી થઈ ગયું હતું. ફિલ્મમાં એવી કંઈ જ નથી કે દર્શકો ફિલ્મ જોવા બેસી રહે.

વાર્તાઃ આ ફિલ્મ 2011માં આવેલી જર્મન ફિલ્મ 'ધ ગુડ નેબર'ની હિંદી રિ-મેક છે. આ ફિલ્મ વાર્તા રોનીની આસપાસ ફરે છે. રોની પાર્ટીમાંથી પરત આવતો હોય ત્યારે તેનો અકસ્માત થાય છે. તેની કાર જે યુવતી સાથે અથડાય છે, તેને કોઈએ મારી નાખી હોય છે. હવે સસ્પેન્સ એ છે કે તે યુવતીને કોને મારી નાખી હતી. રોનીની પૂર્વ પ્રેમિકા પ્રિયાએ કે પછી તેની સાયકો લવર માયાએ...?

ડિરેક્શનઃ આ ફિલ્મમાં અનેક જગ્યાએ ભૂલો રહી છે. એક સીનમાં કાર સ્કૂટી સાથે અથડાય છે. યુવતી ખડક આગળ જઈને પડે છે. જોકે, અકસ્માતના સ્થળથી આ ખડક ખાસ્સો દૂર છે. આખી ફિલ્મમાં સતત વરસાદ વરસતો બતાવવામાં આવ્યો છે. આપણને એવું લાગે કે ફિલ્મ ગોવામાં નહીં પરંતુ ચેરાપુંજીમાં શૂટ કરવામાં આવી છે.

ફિલ્મ ખરેખર ઈરોટિક છે? - આ ફિલ્મમાં મારી-મચડીને હોટ સીન્સ ઉમેરવામાં આવ્યા છે. કેટલાંક શોટ્સ તો એ રીતે શૂટ કરવામાં આવ્યા છે કે આપણને શરમ આવવા લાગે.

સસ્પેન્સ છે કે નહીં? - ફિલ્મન સસ્પેન્સ કેવી રીતે કહી શકાય તે જ ખબર પડતી નથી. ફિલ્મમાં એક એવી ક્ષણ નથી આવતા જ્યાં દર્શકોને સસ્પેન્સ જેવું લાગે. આખો પ્લોટ પ્રિડિક્ટેબલ તથા બોરિંગ છે.

એક્ટિંગઃ મનારાએ પોતાની બહેન પ્રિયંકા પાસેથી અભિનય શીખવાની જરૂર છે. મનારાએ જો બોલિવૂડમાં લાંબી કરિયર બનાવવી હશે તો આ પ્રકારની ફિલ્મ તેને ક્યારેય મદદરૂપ થશે નહીં.

ફિલ્મ જોવી કે નહીં: આવી બકવાસ ફિલ્મ માટે પૈસા બગાડવાની કોઈ જરૂર નથી. તેના બદલે તો 'ઉંગલી' જોઈ લેવી.