યોગ કરતી વખતે 'આનું' ધ્યાન નહીં રાખો તો ફાયદાને બદલે થશે નુકસાન

30 Jan, 2015

આજકાલ આધુનિક સુખ સુવિધા વઘતી હોવાથી દરેક મનુષ્યનું જીવન બેઠાડુ થતું જાય છે. થોડાં વર્ષ પહેલાં જયારે આધુનિક સગવડ નહોતી ત્યારે દરેક વ્યક્તિ પુરતો શારીરિક શ્રમ કરતી હતી જેના કારણે તેમને સારી એવી કસરત મળી રહેતી. જયારે આજના જીવનમાં તેને કોઈ કામ અઘરું રહ્યું નથી. આના કારણે લોકોના જીવનમાંથી વ્યાયામ ચાલ્યા ગયો છે જેના અભાવે તેના શરીરમાં અનેક રોગ પેદા છે.

આ સંજોગોમાં જો નિયમિત યોગ કરવાની આદત પાડવામાં આવે તો ચોક્કસપણે શારીરિક અને માનસિક રીતે સારો એવો ફાયદો થાય છે. જોકે યોગ કરતી વખતે પણ અનેક વાતો એવી છે જેને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. જો આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં ન આવે તો યોગના લીધે ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે

યોગ કરતી વખતે હંમેશાં યાદ રાખવાની વાતો


 • સવારના સ્નાન કર્યા પછી આસન કરો, કારણ કે સ્નાન કરવાથી શરીર સ્ફુર્તિલું બની જાય છે. આસન કર્યા પછી સ્નાન કરવું પડે તો હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો.
 • આહાર હલકો લેવો. જમ્યાના છ કલાક પછી, દૂધ પીવાના બે કલાક પછી અથવા ખાલી પેટ જ આસન કરો. સાંજે જમ્યા પહેલાં આસન કરી શકો છો.
 • આસન કરતી વખતે શ્વાસ મોંઢેથી નહીં નાકથી લેવો. આસનનો સંબંધ શરીરનાં બહારનાં અને અંદરનાં અંગો સાથે છે.
 • જ્યાં તમે આસન કરતા હો ત્યાંની જમીન સમતલ, ચોખ્ખી અને શાંત હોવી જોઈએ. જમીન પર શેતરંજી, ધાબળો, ચાદર, ચટ્ટઈ અથવા પોતાનું આસન બિછાવ્યા પછી જ આસન કરવું.
 • ઋતુ પ્રમાણે કપડાં પહેરવાં. એવાં કપડાં પહેરવાં કે જે આસન કરવામાં બાધક ન બને.
 • આસન કરતી વખતે વાત કરવી નહીં. આ સમયે તમારું ધ્યાન શ્વાસ અને શરીરનાં એ અંગો પર હોવું જોઈએ કે જે અંગો પર વધુ જોર પડે છે.
 • આસન શરૂ કર્યા પહેલાં શવાસન અથવા યોગનિદ્રા કરી પોતાના તન, મન અને શ્વાસને શાંત કરો. આસનની વચ્ચે અને અંતમાં શવાસન જરૂર કરવો. આનાથી શરીરનો થાક બહુ જલદી દૂર થાય છે.
 • આસન સમયે ઝાટકા કે બળનો પ્રયોગ કરવો નહીં. ધીરજથી આસન કરો. ધીરે ધીરે યોગાસનોનો અભ્યાસ વધારો. આવું કરવાથી લચીલાપણું આવશે અને થોડા જ વખતમાં આસનની પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી શકશો.
 • આસનોની સંખ્યા અને સમયમાં ધીરે ધીરે વધારો કરો. પહેલા જ દિવસે વધુ આસન કરવાનો પ્રયત્ન કરવો નહીં.
 • આસન કર્યા પછી થાક ન લાગે અને શરીર હલકું થઈ જાય તથા કાર્યક્ષમતા વધે તો સમજો કે આસન બરાબર થઈ રહ્યું છે અને લાભ પણ થઈ રહ્યો છે.
 • આસન કર્યા પછી ઠંડી કે તીવ્ર હવામાં નીકળવું નહીં. આસન કર્યા પછી થોડુંક પાણી જરૂર પીવું. તાવ, નબળાઈ, ઝાડા વગેરેની સ્થિતિમાં આસન કરવાં નહીં.