શિયાળામાં આદુ છે ઘણા રોગોની દવા, જાણો તેના અઢળક ઉપયોગ એક ક્લિકે

05 Dec, 2014

શિયાળામાં આદુ વાળી ચા પીવાનું સૌને પસંદ હોય છે અને તે એક અલગ પ્રકારની ફ્રેશનેસ પણ આપતી હોય છે. આ ઉપરાંત રસોઈમાં ગ્રેવી વાળા શાકમાં પણ આદુનો ઘણો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ આદુના અન્ય અનેક ફાયદા પણ છે જે કદાચ તમે નહિ જાણતા હોવ. શિયાળામાં આદુનો વિવિધ રીતે નિયમીત ઉપયોગ કરવાથી ઘણાં રોગો મટાડી શકાય છે. આદુ ચોંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાં પથ્ય છે. તો આવો જાણીએ શિયાળામાં આદુના કેવી રીતે ઉપયોગ કરી શકાય છે અને તેના ફાયદા શું થાય છે....

 • આદુ કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે.
 • બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગ્ની સારી થાય છે, મુખ અને હૃદયની શુદ્ધી થાય છે, અવાજ બેસી જવો, ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્ની મટાડે છે.
 • ભોજનની પહેલાં મીઠુ અને આદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે.
 • કોઢ, પાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં આદુ હીતકારી નથી.
 • આદુના રસમાં પાણી અને સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ જરુર પુરતા નાખી કાચની બરણીમાં ભરી રાખવો. આ પાક ઉધરસ, દમ, અગ્નીમાંદ્ય, અરુચી અને પાચન માટે ઉપયોગી છે.
 • પેટ અજીર્ણથી ભારે થઈ ગયું હોય તો સુંઠ અને જવખારનું ચુર્ણ ઘી સાથે ચાટવું.
 • બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.
 • ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે.
 • અપચ થતાં એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે.
 • ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા લગવાથી( લોહી ના નિકળે તો ) આદું વાટીને ગર્મ કરીને ઘાના સ્થાને કપડાની મદદથી બાંધી દો.દુ:ખાવામાં આરામ
 • અલ્સર-ચાંદા સીવાયના તમામ ઉદર રોગોમાં ચાર ચમચી આદુંનો રસ પાણીમાં નાખી સવાર-સાંજ પીવો. ચાર ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી વૃષણનો વાયુ દમ, ખાંસી, અરુચી અને શરદી મટે છે.
 • બાળકો, યુવાનો, વૃદ્ધો, સગર્ભા અને પ્રસુતા સ્ત્રીઓ બધા નીર્ભયતાથી આદુનો ઉપયોગ કરી શકે છે; છતાં ત્વચાના રોગોમાં, કંઈ વાગ્યું હોય ત્યારે, લોહીની ઉણપ હોય, ગરમીની પ્રકૃતી હોય, મુત્રજનન તંત્ર વીષયક રોગ હોય કે એસીડીટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાની થાય છે. એમાં આદુ ન લેવું.
 • ચણા જેવડા આદુના પાંચ-છ ટુકડા એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલું જ દુધ અને એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે.
 • આદુ તીક્ષ્ણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સુક્ષ્મ માર્ગોના અવરોધો દુર થાય છે. આહારનું યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદી ધાતુઓની વૃદ્ધી થતાં શરીર સ્વસ્થ, સુંદર બને છે. પીત્તના રોગોમાં અને પીત્ત પ્રકૃતીવાળાએ આ ઉપચાર ન કરવો.