ફિલ્મ રિવ્યૂઃ વઝીર

07 Jan, 2016

નવા વર્ષે બિજોય નામ્બિયારની 'વઝીર' રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં બે અલગ મિત્રોની વાત કરવામાં આવી છે. એક અપંગ ચેસ ગ્રાન્ડમાસ્ટર(અમિતાભ બચ્ચન) તથા દુઃખી એટીએસ ઓફિસર(ફરહાન અખ્તર) વચ્ચે વિચિત્ર સંજોગોમાં મિત્રતા બંધાય છે. બંને પોતાના ભૂતકાળથી આહત હોય છે.
 
વાર્તાઃ ફરહાને ફિલ્મમાં ડેનિશનું પાત્ર ભજવ્યું છે. ત્રાસવાદી સામે લડતા ડેનિશની પુત્રીનું નિધન થાય છે. જેને કારણે ડેનિશ મનથી તૂટી જાય છે. ડેનિશની પત્નીના રોલમાં અદિતી રાવ છે. ડેનિશ આત્મહત્યા કરવાનું વિચારે છે. આ સમયે તેના જીવનમાં પંડિતજી(અમિતાભ બચ્ચન) આવે છે. પંડિતજી અપંગ હોય છે અને વ્હીલચેર પર જ જોવા મળે છે. ડેનિશ અને પંડિતજી વચ્ચે મિત્રતા બંધાય છે. પંડિતજી ડેનિશને પોતાની 22 વર્ષીય પુત્રીના રહસ્યમય મોત અંગેનો ભેદ ખોલવાનું કહે છે. હવે, ડેનિશ પોતાની પુત્રીને મારનાર અને પંડિતજીની પુત્રીનું રહસ્યમય સંજોગોમા કેમનું મોત થયું તે શોધવામાં લાગી જાય છે.

એક્ટિંગઃ ફિલ્મ ઘણી જ કમાલની છે. અમિતાભ બચ્ચનને વ્હીલચેર પર કેવીરીતે યોજના ઘડતા હોય છે તે જોવાનો એક લ્હાવો છે. એક પિતા પોતાના મિત્ર સાથે મળીને ન્યાય મેળવવા સામે કેવી રીતે ઝઝૂમે છે, તે જોવાની દર્શકોને ઘણી જ મજા આવશે. ચેસ માસ્ટર તરીકે અમિતાભ બચ્ચન પર્ફેક્ટ છે. તો ફરહાને પણ ડેનિશના રોલમાં જીવ રેડી દીધો છે. એક પોલીસ અધિકારી તરીકે ફરહાનની બોડી લેંગ્વેજ, એક્શન સીન્સ કમાલના છે. આ સિવાય નીલ નીતિન મુકેશે પણ સારો અભિનય કતર્યો છે. ફિલ્મમાં નીલનો માત્ર એક જ સીન છે તેમ છતાંય દર્શકો તેના અભિનયથી અંજાઈ જશે તે નક્કી છે. નીલનો સીન ઈન્ટરવલ પહેલાં આવે છે. નીલ પંડિતજી પર હુમલો કરે છે. તો અદિતી ડેનિશની પત્ની તથા ક્લાસિકલ ડાન્સરની ભૂમિકામાં સારી લાગે છે. ફિલ્મમાં જ્હોને આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી છે પરંતુ તેના હોવાથી ના હોવાથી ફિલ્મને કોઈ ફેર પડતો નથી.

સંવાદોઃ અભિજીત દેશપાંડેએ ફિલ્મના સંવાદો લખ્યા છે. ફિલ્મના સંવાદો ટિપીકલ, કેચી, સિટીમાર તથા કર્મશીયલ ટાઈપના નથી. જોકે, ફિલ્મના સંવાદો અમિતાભની 70ના દાયકાની ફિલ્મ્સની યાદ અપાવી દેશે તે નક્કી છે. ફિલ્મની વાર્તા અભિજાત જોષી તથા વિધૂ વિનોદ ચોપરાએ લખી છે. સામાન્ય રીતે આ બંનેની જોડી પ્રિડિક્ટેબલ સ્ટોરી લખવા માટે જાણીતી છે. જોકે, ફિલ્મનો અંત દર્શકોની કલ્પના બહારનો છે.

ડિરેક્શનઃ બિજોયે 'શૈતાન' તથા 'ડેવિડ' જેવી ફિલ્મ્સ બિજોયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ જોયા બાદ તમને વિશ્વાસ નહીં થાય કે બિજોય આ રીતની ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી શકે છે. ફિલ્મની ટ્રિટમેન્ટ બિજોયની અન્ય ફિલ્મ્સ કરતાં તદ્દન અલગ છે.

ફિલ્મ જોવી કે નહીં: ટૂંકમાં જો તમારે સ્ટાર્સના અદ્દૂભત પર્ફોમન્સને માણવું હોય તો આ ફિલ્મ ચોક્કસથી એકવાર જોવી જોઈએ પરંતુ જો તમારે થ્રિલરને માણવું હોય તો આ ફિલ્મ તમારા માટે નથી.